તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અબોલ પશુનો ભોગ લેવાયો:પાટડીની નારણપુરાની ખુલ્લી ગટરમાં બે ભેંસ ખાબકી, એકનું મોત

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડીની નારણપુરાની ખુલ્લી ગટરમાં બે ભેંસ ખાબકી, એકનું મોત - Divya Bhaskar
પાટડીની નારણપુરાની ખુલ્લી ગટરમાં બે ભેંસ ખાબકી, એકનું મોત
  • એક ભેંસને ગ્રામજનોએ ટ્રેકટરથી બાંધી બચાવી

પાટડી પથંકની ખુલ્લી ગટરોમાં ગાય, ભેંસ સહિતના અબોલ જીવો ખાબકવાની ઘટના અવારનવાર સામે આવે છે. જેમાં પાટડી તાલુકાના નારણપુરાની ખુલ્લી ગટરમાં બે ભેંસ ખાબકી હતી. જેમાં એક ભેંસને બચાવી લેવાઇ હતી અને બીજી ભેંસનું મોત નિપજ્યું હતુ. નારણપુરામાં ખુલ્લી ગટરમાં ખાબકેલી એક ભેંસને ગ્રામજનોએ ટ્રેક્ટરથી બાંધી બચાવી લેવાઇ હતી. જ્યારે અન્ય મૃત ભેંસને બહાર કાઢવા નગરપાલિકાની ટીમ દોડી આવી હતી.

પાટડી તાલુકાનું હિંમતપુરા અને નારણપુરા ગામ પાટડી નગરપાલિકાના તાબામાં આવે છે. પાટડી તાલુકાના નારણપુરા ગામે નહાવાના ઘાટ પાસેની ખુલ્લી ગટરમાં નારણપુરા ગામના ગોપાલભાઇ નાગજીભાઇ મુંધવાની બે ભેંસો ખાબકી હતી. આ ઘટનાની જાણ થતા ભેંસના માલિક સહિતના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવી ટ્રેક્ટર સહિતના સાધનો વડે બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ખુલ્લી ગટરમાં ખાબકેલી એક ભેંસને બચાવી લેવામાં સફળતા મળી હતી. જ્યારે બીજી ભેંસ ખુલ્લી ગટરમાં ઉંધી ખાબકતા એને બહાર કાઢે એ પહેલા જ ગટરમાં જ એનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.

આ મૃત ભેંસને બહાર કાઢવા પાટડી નગરપાલિકાનું ટ્રેક્ટર બોલાવવામાં આવ્યું હતુ અને 3 કલાકની ભારે જહેમત બાદ ગ્રામજનોની મદદથી આ મૃત ભેંસને બહાર કાઢવામાં આવી હતી. આ અંગે આ બંને ભેંસના માલીક ગોપાલ નાગજીભાઇ મુંધવા અને એમના ભાઇ નવઘણ નાગજીભાઇ મુંધવાએ જણાવ્યું કે આ અંગે આ ખુલ્લી ગટરો ઢાંકવા અગાઉ રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઇ જ કાર્યવાહી હાથ ધરાઇ નહોતી. જેમાં આજે અમારી બે ભેંસો આ ખુલ્લી ગટરમાં ખાબકી હતી. જેમાં એક ભેંસને બચાવી લેવાઇ હતી. જ્યારે બીજી ભેંસનું મોત નિપજતા અમારે રૂ. 70,000નું નુકશાન થયું છે. હાલમાં આ ઘાટ પણ બંધ છે અને ગટરો ખુલ્લી હાલતમાં છે.

અન્ય સમાચારો પણ છે...