હળવદ હાઇવે ઉપર રાત્રિના અંધકારનો લાભ લઇ અલ્ટોકારમાં આવેલા ચાર લૂંટારુઓ ટ્રક ચાલકને આંતરી લોખંડના પાઇપથી હુમલો કરી રૂપિયા 15 હજાર રોકડા અને મોબાઈલની લૂંટ કરી અંધારામાં ઓગળી ગયા હતા લૂંટારુઓએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ ટ્રક ચાલકને પ્રથમ હળવદ બાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાકાનેરથી ટ્રકમાં ઈટો ભરી દસાડા ખાલી કરી મોરબી તરફ જઈ રહેલા ભાવેશગીરી મનસુખગીરી રહે.શાપર-વેરાવલ શાંતિરામ સોસાયટી રાજકોટ વાળાને હળવદ હાઈવે ઉપર કોયબા ગામના પાટીયા પાસે આજે રાત્રે 9.30ની આસપાસ સફેદ કલરની અલ્ટો કારમાં આવેલા ચાર શખ્સોએ આંતરી ટ્રક ચાલક કઈ સમજે વિચારે તે પહેલાં જ લોખંડના પાઈપથી હુમલો કરી રૂપિયા 15 હજાર અને એક મોબાઈલની લૂંટ ચલાવી હતી.
વધુમાં લૂંટારુઓએ લોખંડના પાઈપથી હુમલો કરતા ટ્રક ચાલકને જમણા પગમાં,ડાબા હાથમાં અને છાતીના ભાગે માર મારતા મુંઢમાર ઈજાઓ સાથે પ્રથમ હળવદ અને બાદમાં વધુ સારવાર માટે મોરબી ખસેડેલ છે.
ઉલ્લેખનીય છે કે હળવદ હાઇવે ઉપર લૂંટની ઘટનાઓ અવાર નવાર બને છે ત્યારે આ અગાઉ તાજા ભૂતકાળમાં કોયબા ગામના પાટિયા નજીક આવી જ મોડ્સ ઓપરેન્ડીથી અષાઢી બીજના દિવસે અને ત્યાર પછી થોડા દિવસ પહેલા પણ લૂંટ ચલાવવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે,જોકે હાલતો પોલીસ દ્વારા લુટારુઓને ઝડપી પાડવા ઝીણવટભરી તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.