રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠર પર ત્રિપાખીયો જંગ જામશે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી સુરેન્દ્રનગર જિલ્લાનો રાજકીય ઇતિહાસ...
વઢવાણ ભાજપનો ગઢ
સુરેન્દ્રનગર જિલ્લાની મોટાભાગની વિધાનસભાની બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આપે જ્ઞાતિના સમિકરણનું ખાસ ધ્યાન રાખ્યું છે, પરંતુ વઢવાણ એક એવી સીટ છે કે આ ચૂંટણીમાં ત્રણમાંથી એક પણ પક્ષે જ્ઞાતિના સમિકરણ ઉપર ભાર મૂક્યો નથી. ભાજપે પહેલા જન્મે જૈન અને બ્રાહ્મણ પરિવારના પુત્રવધુ જિજ્ઞાબેન પંડ્યાને ટિકિટ આપી હતી. બાદમાં એમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા મૂળ લીંબડીના અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદિશ મકવાણાને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસે તરૂણ ગઢવીને અને આમ આદમી પાર્ટીએ પાટીદાર હિતેશ બજરંગને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ત્રણેય પક્ષના ઉમેદવારો પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં છે. આ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે, તેમ છતાં કોંગ્રેસના કમિટેડ મતદારો પણ ઓછા નથી. બીજી તરફ કોળી, બ્રાહ્મણ, જૈન, અનુસુચિત જાતિ અને ક્ષત્રિય સહિતની તમામ જ્ઞાતિઓ આ ચૂંટણી લડતા અલગ અલગ જ્ઞાતિના ક્યા પક્ષના ઉમેદવારને મત આપી જીતાડશે, તે ભર્યા નાળિયેર જેવું છે.
લીંબડી વિધાનસભા સીટ
લીંબડી બેઠક પર ભાજપના અનુભવી અને 8 વખત ચૂંટણી લડી ચૂકેલા વર્તમાન કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસે જેમને ગળથૂંથીમાં રાજકારણ મળ્યું છે. તેવા મકવાણા પરિવારના કલ્પનાબેન મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી યુવાન મયુરભાઇ સાકરિયાને ટિકીટ આપી છે. કોંગ્રેસ અને આપ, આ બંને પક્ષોના ઉમેદવારોનું ખાસ કરીને સાયલા તાલુકામાં પ્રભુત્વ છે, જ્યારે કિરીટસિંહ રાણા માટે લીંબડી તાલુકો ગઢ કહી શકાય. પરંતુ આપ અને કોંગ્રેસ, બંને પક્ષના ઉમેદવારો કોળી જ્ઞાતિના છે. મયુરભાઇ જે દિવસે આપમાં જોડાયા તેના બીજા દિવસે જ તેમને ટિકીટ આપી દેવાઇ હતી. આમ લીંબડી વિધાનસભાની બેઠક પર વર્તમાન કેબિનેટ મંત્રી સામે સાયલામાં વધુ પ્રભુત્વ ધરાવતા બે કોળી ઉમેદવાર સામસામે છે.
ચોટીલા વિધાનસભા સીટ
ચોટીલા બેઠક પર કોળી જ્ઞાતિનું પ્રભુત્વ ધરાવતી બેઠક જીતવા ભાજપે શામજીભાઇ ચૌહાણને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે ધારાસભ્ય રૂત્વિક મકવાણાને રીપીટ કર્યા છે. આમ, ભાજપ અને કોંગ્રેસ, બંનેના કોળી જ્ઞાતિના ઉમેદવારો તો સામસામે ટકરાશે જ તેની સાથે આમ આદમી પાર્ટીએ આ બેઠકના ગામોમાં નોંધનીય વસ્તી ધરાવતા કાઠી દરબાર જ્ઞાતિના અને ખેડૂતોના હિતમાં ઘણા આંદોલનો કરી ચૂકેલા રાજુભાઇ કરપડાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક ઉપર કોળી જ્ઞાતિના મતોનું ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે વિભાજન થશે, તે સ્પષ્ટ છે. હવે, આપના ઉમેદવારને કેટલા ખેડૂતો મત આપે છે, તેના પર ચૂંટણી પરિણામનો મોટો મદાર છે. બીજી બાજુ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યની સામે ભાજપના આ બેઠકના અનુભવી ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામશે. વધુમાં આ બેઠક પર લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઇ પટેલે પણ અપક્ષ ઉમેદવારી કરવા ફોર્મ ઉપાડ્યું છે. આથી આ વિધાનસભા સીટ પર ચોપાંખિયો જંગ જામવાની સંભાવના હાલમાં વ્યક્ત કરાઇ રહી છે.
દસાડા વિધાનસભા સીટ
દસાડા બેઠક પર અનુસુચિત જાતિ માટે અનામત બેઠક ઉપર કોંગ્રેસે ધારાસભ્ય નૌશાદ સોલંકીને રીપીટ કર્યા છે. સામે ભાજપે પહેલી વખત સ્થાનિક ઉમેદવારનો દાવ ખેલીને પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય પી.કે.પરમારને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ અમદાવાદ ખાતે રહેતા અરવિંદ સોલંકીને ટિકીટ આપી છે. ગત ચૂંટણીમાં નૌશાદભાઇ 3788 મતની પાતળી બહુમતીથી જીત્યા હતા. ઉપરાંત ગત ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરે મોટું કામ કર્યું હતું, જ્યારે આ ચૂંટણીમાં આપનો ઉમેદવાર સામે આવીને ઉભો છે. જીત થયા બાદ દસાડાના ધારાસભ્ય સતત લોકોના સંપર્કમાં રહ્યાં છે. જ્યારે સામે ભાજપના ઉમેદવાર સ્થાનિક હોવાથી, તેઓ પણ લોકો સાથે સીધો સંપર્ક ધરાવે છે. ત્યારે આ સ્થિતિમાં આપના આયાતી ઉમેદવારનું કેટલું ઉપજે છે, એ જોવું રહ્યું
ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા સીટ
ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા વિસ્તારમાં પાટીદારોની નોંધનીય વસ્તી છે. જિલ્લામાં એક ટિકીટ પાટીદારને આપવી પડે તેમ હતું.આથી ભાજપના વર્તમાન ધારાસભ્ય પરૂષોત્તમ સાબરિયાને કાપીને ઉદ્યોગપતિ પ્રકાશભાઇ વરમોરાને ટિકીટ આપી હતી. જ્યારે કોંગ્રેસે ત્રણ દિવસ પહેલા ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મોટી માલવણ બેઠકના સભ્ય છત્રસિંહ ઉર્ફે પપ્પુભાઇ ગુજરિયા ઠાકોરને ટિકીટ આપી છે. જ્યારે આપે વાગજીભાઇ પટેલને ટિકીટ આપી છે. પક્ષમાં જોડાયાના 3 દિવસમાં જ પપ્પુભાઇ ગુજરિયાને ટિકીટ મળતા પાટીદાર અને ઠાકોર વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.