પેટા ચૂંટણી:સંયુક્ત પાલિકાની વોર્ડ નં.6ની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપમાંથી ચૂંટાયેલા પાટીદાર આગેવાને રાજીનામું આપ્યું હતું

સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકાને એક કરીને સંયુક્ત પાલિકા જાહેર કર્યા બાદ યોજાયેલી પહેલી ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનો સફાયો કરીને સત્તા મેળવી હતી. જેમાં વોર્ડ નં. 6માં ભાજપમાંથી ચૂંટાયેલા પાટીદાર આગેવાને રાજીનામું દઇને આપમાં જોડાયા હતા. આથી વોર્ડ નં. 6ના એક સદસ્ય માટેની પેટા ચૂંટણી જાહેર થઇ છે. જેમાં ભાજપ કોંગ્રેસની સાથે આપ પણ મેદાનમાં આવશે. જેને લઇને ત્રિપાંખીયો જંગ જામશે. સંયુક્ત પાલિકાની ચૂંટણીમાં 52 સદસ્યમાંથી 49 સદસ્યની જીત સાથે ભાજપે પાલિકાની સત્તા સંભાળી હતી. કોંગ્રેસના માત્ર 2 અને 1 અપક્ષ સભ્ય ચૂંટાયા હતા.

પરંતુ ભાજપની બોડીમાં ચેરમેનોની કરેલી રચનામાં પોતાને સ્થાન ન મળતા અને પોતાના કામ ન થતા હોવાની રાવ સાથે વોર્ડ નં. 6માંથી ચૂંટાયેલા ભાજપના સદસ્ય હિતેશભાઇ બજરંગે પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું અને આપમાં જોડાયા હતા. આપે હાલ તેમને જિલ્લા પ્રમુખની પણ જવાબદારી સોપી છે. હિતેશભાઇની ખાલી પડેલી જગ્યા ઉપર પેટા ચૂંટણી યોજાનાર છે. જેને લઇને ફરીથી રાજકારણ ગરમાયું છે. સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો જ જંગ હોય છે. પરંતુ આ પેટા ચૂંટણીમાં આપની પણ ભૂમિકા મહત્ત્વની રહેશે. કારણ કે રાજીનામું આપનાર અને હાલ આપના જિલ્લા પ્રમુખ રહેલા હિતેશભાઇ પોતાનો આ વોર્ડ છે. જો તેમના વોર્ડમાં જ આપને જીત ન અપાવી શકે તો જિલ્લામાં પક્ષને શું મજબૂત કરી શકશે. આથી પેટા ચૂંટણીમાં તેમની આબરું દાવ ઉપર લાગી જશે.

સામાન્ય રીતે પાટીદાર, દલિત, રબારી, મુસ્લિમ, બ્રાહમણ અને પ્રજાપતી સહિતની જ્ઞાતીનુ પ્રભુત્વ ધરાવતા આ વોર્ડમાં આપ દલીત કે બ્રાહમણ સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવી શકયતા છે. જ્યારે ભાજપ પાટીદાર સમાજના ઉમેદવારને મેદાનમાં લાવશે. પેટા ચૂંટણીને લઇને કોંગ્રેસ પણ એકસન મૂડમાં આવી ગઇ છે.

જોકે પેટા ચૂંટણીમાં જીતવું તે ભાજપ માટે સામાન્ય રીતે સરળ હોય છે. પરંતુ આ વોર્ડમાં અગાઉ આપનો પ્રભાવ રહી ચૂક્યો છે. ઘણા પાટીદારો આપના સંપર્કમાં આવેલા છે અને આપ માટે કામ પણ કરી ચૂક્યા છે. આથી ભાજપે પોતાના મજબૂત ઉમેદવાર આપવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. હાલ તો પેટા ચૂંટણીને લઇને ત્રણેય પક્ષોએ રાજનીતિ ઘડવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ પરિણામમાં સૌનું પાણી મપાઇ જશે.

અન્ય સમાચારો પણ છે...