ગ્રાઉન્ડ રિપોર્ટ:ત્રિપાંખિયો જંગ, ત્રણેય પક્ષોમાં ડખો, 2 દિગ્ગજની અપક્ષ ઉમેદવારીથી ચૂંટણી મરચાં જેવી તીખી રહેશે

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વઢવાણ બેઠક 35 વર્ષથી ભાજપનો ગઢ, કૉંગ્રેસના જીત માટેના ધમપછાડા વચ્ચે આપ પણ કૂદી પડી

વિપુલ જોશી : વઢવાણ વિભાનસભા બેઠકની આ વખતની ચૂંટણી વઢવાણી મરચાં જેવી જ તીખીતમતમતી રહે તો નવાઈ નહીં! કારણ કે 35 વર્ષથી ભાજપને જીત અપાવતી આ બેઠક પર આ વખતે ભાજપ, કૉંગ્રેસ અને આપ વચ્ચે સીધો ત્રિપાંખિયો જંગ જામશે. લટકામાં, કૉંગ્રેસના બે દિગ્ગજ પાટીદાર આગેવાન મોહનભાઈ પટેલ અને કોળી આગેવાન સોમાભાઈ પટેલે અપક્ષ દાવેદારી નોંધાવી છે. બીજી તરફ ત્રણેય પક્ષમાં ઉમેદવાર પસંદગી મુદ્દે આંતરિક ડખો પણ છે. આ કારણે મતદારો કોને પસંદ કરે છે, તે જાણવું રસપ્રદ રહેશે.

સુરેન્દ્રનગર શહેરની સાથે વઢવાણ, જોરાવરનગર, રતનપર, 80 ફૂટ રોડ અને દૂધરેજ સહિતના સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાના સિટી વિસ્તારની સાથે તાલુકાનાં 45 ગામડાંનો સમાવેશ વઢવાણ બેઠકમાં થાય છે. સામાન્ય રીતે પચરંગી જ્ઞાતિની વસતી ધરાવતી આ બેઠક ઉપર સૌથી વધુ તળપદા અને ઠાકોર સમાજના મત છે. આ ઉપરાંત પાટીદાર, જૈન, બ્રાહ્મણ, દલવાડી, અનુસૂચિત જાતિ, ક્ષત્રીય, કારડિયા રાજપૂત, મુસ્લિમ અને માલધારી સહિતની જ્ઞાતિનું પણ સારું પ્રભુત્વ છે.

ભાજપ આ બેઠક 16000થી 20000ના મતની લીડથી જીતતો આવ્યો છે ત્યારે કૉંગ્રેસના કમીટેડ મતદારોમાંથી મોહનભાઈ અને સોમાભાઈની સાથે આપ કેટલું ગાબડું પાડે છે, તેના ઉપર હારજીતનો આધાર છે. આજે ઉમેદવારોએ ફોર્મ ભરી દીધાં છે, જેને કારણે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ઉમેદવારોનાં કાર્યાલયો ધમધમતાં થઈ ગયાં છે.

અહીંયાં મહત્ત્વની બાબત એ છે કે ભાજપમાં ટિકિટની ગડમથલને કારણે અંદરખાને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે તો કૉંગ્રેસમાં પણ ખુલ્લેઆમ વિરોધ કરીને ઉમેદવારો સામે આવી ગયા છે. તેવી રીતે આપના કાર્યકરોમાં પણ હિતેશ બજરંગની ટિકિટ જાહેર થયા બાદ બે ફાંટા પડી ગયા છે અને એક જૂથ ચૂંટણીના ખરા સમયે સાવ શાંત થઈ ગયું છે. આમ ત્રણેય પક્ષના ઘરમાં લાગેલી આગ કોને દઝાડે છે, તેના ઉપર સૌ કોઈની મીટ છે.

સમસ્યાઓ જેવી કે...
1. ખેડૂતોને રાતના સમયે વીજળી અપાતી હોવાથી રાત્રે પાણી વાળવા જવું પડે છે. આ માગણી વર્ષોથી સંતોષાઈ નથી.
2. ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળે છે, પરંતુ પૂરતા પ્રમાણેમાં નહીં. યોગ્ય પુરવઠો મળે, તે માગણી પણ
સંતોષાઈ નથી.
3. ગામોને મુખ્ય ધોરી માર્ગોથી જોડતા રસ્તા ખૂબ જ બિસમાર છે.
4. શહેરી વિસ્તારોમાં રસ્તા બને છે પણ સમય પહેલાં તૂટી જાય છે.
5. પાણી, સફાઈ આંતરિક રસ્તાની સમસ્યા પણ વર્ષો જૂની છે.
6. ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ સફાઇને નામે મીંડું છે.
7. ઘેર ઘેર પાણી પહોંચાડવાની સુવિધા છતાં મોટાભાગના ગામડાં અને શહેરી વિસ્તારોમાં પણ પીવાનું પાણી ગંદુ મળે છે.

વિકાસના નામે...
1. સુરેન્દ્રનગરમાં આર્ટ્સ કૉલેજથી ગેબનશા પીર સુધીનો બાયપાસ બન્યો છે.
2. તાજેતરમાં જ રેલવે અંડર પાસ બન્યો છે.
3. જિલ્લા પંચાયત પાસે પુલનું કામ ચાલી રહ્યું છે.
4. શહેરમાં નલ સે જલ યોજનાનું અમલીકરણ.

અન્ય સમાચારો પણ છે...