શ્રધ્ધા, ભક્તિ અને માતૃત્વનો સમન્વય:આવતી કાલે પાટડીનો 946મો બર્થડે, ઝાલાકૂળના આદ્યસ્થાપક શક્તિમાતાના 946મા સ્થાપના દિને માંને ફૂલોનો શણગાર

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
ઝાલાકૂળના આદ્યસ્થાપક શક્તિમાતાના 946મા સ્થાપના દિને માંને ફૂલોનો શણગાર
  • રાજા હરપાળદેવ અને શક્તિમાતાએ એક રાતમાં 2300 ગામોને તોરણ બાંધ્યા હતા
  • ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા મંદિરમાં ભવ્ય હવનનું પણ આયોજન, છપ્પનભોગનો અન્નકૂટ ધરાવવામાં આવશે

રવિવારે કારતક સુદ-11ના રોજ ઝાલાકૂળના આદ્યસ્થાપક શક્તિમાતાનો 946મો સ્થાપના દિવસ છે. આથી પાટડી શક્તિમાતાના મંદિરને ફુલોથી અનોખી રીતે શણગારવાની સાથે બપોરે શક્તિમાતાને છપ્પનભોગ અન્નકૂટ પણ ધરાવવામાં આવશે. આ સિવાય ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા મંદિરમાં ભવ્ય હવનનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

પાટડી અને ધામાનું શક્તિ મંદિર એટલે શ્રધ્ધા, ભક્તિ અને માતૃત્વનો અનોખો સમન્વય. પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શક્તિમાતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો. રાજા કરણદેવે આપેલા વચન મુજબ હરપાળદેવ અને શક્તિમાતાએ એક રાતમાં 2300 ગામોને તોરણ બાંધ્યા હતા. જેમાં પહેલું તોરણ પાટડીના ટોડલે બાંધ્યું હતુ અને દિવસ ઉગતા પહેલા છેલ્લુ તોરણ દિગડીયા ગામે બાંધ્યુ હતું. આમ તેઓ 2300 ગામના ધણી કહેવાયા હતા. બિસંતીદેવી પ્રતાપસિંહ સોલંકીનાં કુંવરી હતા અને જ્યારે તેઓ હરપાળદેવને વર્યા ત્યારે શરત રાખી હતી કે, પોતાનું અસલ દૈવીસ્વરૂપ લોકો જ્યારે જાણશે ત્યારે તેઓ અહિંથી વિદાય લેશે.

વિ.સં. 1156માં મહાપરાક્રમી હરપાળદેવે પાટડીમાં મખવાન (મકવાણા) વંશની સ્થાપના કરી હતી. હરપાળદેવ અને શક્તિદેવી બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયુ હતું. ત્યારથી શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમી પાટડી અને સમાધિ સ્થળ ધામામાં દર વર્ષે ચૈત્ર વદ-13ના રોજ ઝાલા કુળનો વંશજ પોતાના પરિવારજનો સાથે માથે તિલક અને કેસરી સાફો તથા હાથમાં તલવાર લઇ પાટડી અને શક્તિધામ ધામા મંદિરમાં દર્શનાર્થે અચૂક જાય છે.

પાટડીમાં જે ટોડલે શક્તિમાતાએ અને હરપાળદેવે પ્રથમ તોરણ બાધ્યું હતું એ ટોડલા પાટડીના ભવ્ય ભૂતકાળની ગવાહી પુરતા આજે પણ પાટડીમાં અડીખમ ઉભા છે. રવિવારે કારતક સુદ 11ના રોજ ઝાલાકૂળના આદ્યસ્થાપક શક્તિમાતાનો 946મો સ્થાપના દિવસ છે. આથી પાટડી શક્તિમાતાના મંદિરને ફુલોથી અનોખી રીતે શણગારવાની સાથે બપોરે 12 કલાકે છપ્પનભોગ અન્નકૂટ ધરાવવામાં આવશે. તેમજ ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા મંદિરમાં ભવ્ય હવનનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...