PM મોદીએ નવસારીમાં કહ્યું:'દિલ્હીમાં બધા નેતાઓ નવસારીનાં ચીકુ ખાતા થઈ ગયા છે, હવે એ કમનસીબી છે કે ચીકુ નવસારીના ખાય અને ગાળો અહીં આવીને આપે છે'

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓએ પોતાના સ્ટારપ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. વડાપ્રધાન મોદીએ પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે. ગઈકાલે વડાપ્રધાને સોમનાથ, રાજકોટના ધોરાજીમાં, અમરેલીમાં તેમજ બોટાદમાં જનમેદનીને સંબોધન કર્યું હતું. એ બાદ આજે વડાપ્રધાન સુરેન્દ્રનગર, ભરૂચના જંબુસર અને નવસારીમાં જાહેરસભાને સંબોધી હતી. નવસારીમાં વડાપ્રધાને મતદારોને કહ્યું હતું કે, તમારો વોટ છે તો મોદીનો વટ છે.

આ મોદીનો વટ તમારા વોટમાં છેઃ PM
નવસારીમાં સભાને સંબોધતા મતદારોને કહ્યું હતું કે, તમારા વોટની તાકાતથી આજે ગુજરાત નંબર વન છે. આ મોદીનો વટ પણ તમારા વોટમાં છે. તમારો વોટ છે તો મોદીનો વટ છે.

'દિલ્હીના નેતાઓ નવસારીનાં ચીકુ ખાતા થઈ ગયા'
નવસારીમાં સભાને સંબોધતા વડાપ્રધાને ચીકુ પકવતા ખેડૂતોને યાદ કર્યા હતા. PMએ કહ્યું હતું કે, નવસારીના ચીકુ દિલ્હીમાં વેચાઈ રહ્યા છે. દિલ્હીમાં ચીકુ પહોંચે તે માટે ખાસ ટ્રેન ચાલી રહી છે. નવસારીનાં ચીકુ દિલ્હીમાં ચમકારો મારે તે કામ આપણે કર્યું છે. દિલ્હીમાં બધા નેતાઓ નવસારીનાં ચીકુ ખાતા થઈ ગયા છે. હવે કમનસીબી એ છે કે, ચીકુ નવસારીના ખાય અને ગાળો અહીં આવીને આપે છે.'

'ભૂતકાળની સરકાર માછીમારોને તેના નસીબ પર છોડી દેતી હતી'
ગુજરાત પાસે લાંબામાં લાંબો સમુદ્ર કિનારો છે. પરંતુ, ગુજરાતમાં ભૂતકાળમાં સરકાર માછીમારાનો તેની હાલત પર છોડી દેતી હતી. અમે નક્કી કર્યું કે આ માછીમાર પણ દેશની તાકાત છે. બ્લ્યૂ ઈકોનોમીમાં આગળ વધવું હશે તો સમુદ્રશક્તિ સાથે જોડાયેલા લોકોની ચિંતા કરવી પડશે અને તેમની સમસ્યાને સમજીને કામ કરવું પડશે. હાથ પર હાથ રાખી કૉંગ્રેસની સરકાર બેસી રહેતી, કારણ કે તેમાં તેમને મલાઈ ખાવા મળતી ન હતી એટલે કંઈ કરતા ન હતા. અમે સાગરખેડૂની સર્વાંગી વિકાસ યોજના બનાવી. તેની પાછળ 30 હજાર કરોડ ખર્ચ કરી કામ કર્યું.

દાંડીયાત્રાને લઈ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા
નવસારીમાં વડાપ્રધાને કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, દાંડીયાત્રા એ હિન્દુસ્તાનની આઝાદીનું સ્વર્ણિમ પૃષ્ઠ છે. નમક સત્યાગ્રહની ઘટનાની આખી દુનિયાને ખબર હોવી જોઈએ. પણ જ્યાં સુધી ગાંધી ફિલ્મ ન બની ત્યાં સુધી કૉંગ્રેસવાળાઓને આની ફૂરસદ જ ન હતી. આજે 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે હજારો લોકો જઈ રહ્યા છે તેમ દાંડી સ્મારક જોવા જઈ રહ્યા છે.'

આજના યુવાનો કર્ફ્યુૂ શબ્દને જ ભૂલી ગયા: PM મોદી
જંબુસરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તમને એવો પ્રધનમંત્રી મળ્યો છે, જેને ખબર છે કે જંબુસર ક્યાં આવ્યું, ભરૂચ ક્યાં આવ્યું, આમોદ ક્યાં આવ્યું, ઝઘડિયા ક્યાં આવ્યું. જે આ અહીંનો સ્થાનિક છે એટલે એને અહીંના લોકોની વેદના ખબર હોય. બાકી બહારના વ્યક્તિને ખબર ન પડે. ઘરનો માણસ હોય તો સુખ-દુ:ખ જોડે ઊભો રહે. એટલે જ એક એક ગુજરાતી કહે છે ફીર એકબાર મોદી સરકાર. ભરૂચનો આત્મવિશ્વાસ અને વિકાસ ગુજરાતના ખૂણે ખૂણે દેખાઇ રહ્યો છે. એક એક ગુજરાતી બોલે છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે. ભાજપે ગુજરાતમાં એવો ઝંડો રોપી દીધો છે કે તમામ પાર્ટી આવે તો પણ ગુજરાતીઓ ભાજપને જ મત આપે, બાકીની પાર્ટીઓને રવાના કરી દે. 20 વર્ષમાં ભરૂચ જિલ્લો કેટલો બધો બદલાયો છે, જે ભરૂચવાસીઓ જાણે જ છે. બે દસકા પહેલાં બહેન દીકરીઓ બહાર નહોતી નીકળી શકતી, 20 વર્ષ પહેલાં ભરૂચમાં છોકરું જન્મે એટલે એને કાકા મામાનું નામ ખબર ન હોય પણ કર્ફ્યૂ ખબર હોય, આજના યુવાનો આ શબ્દને જ ભૂલી ગયા છે.

ભરૂચમાં હુ સાઇકલ લઇને ફરતો: PM મોદી
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, દરેક ક્ષેત્રે ભરૂચ દેશના તમામ રાજ્યોથી આગળ છે. તમે ભરૂચ જિલ્લામાં વિકાસની કોઇપણ બાબત લઇ લો જે અગ્રેસર જ હશે. ફર્ટિલાઇઝરનું મોટામાં મોટું કારખાનું ભરૂચમાં છે, દવાઓનું હબ ભરૂચ બની ગયું છે. આ જોઇને દેશભરમાં ભરૂચનો વટ પડે છે. જંબુસરમાં બનેલી દવાઓએ કોરોનામાં દુનિયાભરના કરોડો લોકોના જીવ બચાવ્યા છે. ભરૂચમાં હું સાઇકલ લઇને ફરતો હતો, પછી રાજકારણમાં આવ્યો તો લોકો પર્સનલી મને રજૂઆત કરતા હતા. ક્યાંક લાઇટ જતી રહે તો પણ મને કહેતા, કારણ કે મને ઓળખતા હતા .પહેલાં અહિંયા રોડની માંગણી કરે તો કોઇ સાંભળતું નહોતું, હવે તમે જિલ્લાના રસ્તા જોઇ લો, રાજ્યમાં સૌથી વધુ વિકાસ ભરૂચમાં છે.

જેને કટકી કરવા ન મળી એ લોકો તો મોદીનો વિરોધ કરવાના જ: PM મોદી
કોંગ્રેસ પર આક્ષેપ કરતા વડાપ્રધાને કહ્યું કે, પહેલાં અહિંયા વચેટિયાઓ ગરીબોના રાશનમાંથી પણ કટકી કરતા હતા અને કોંગ્રેસના નેતાઓ મોટા મોટા ઝભ્ભા પહેરીને બસ બધું જોયે જ રાખતા હતા. અમે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા આવ્યા કોઇને કટકી કરવા ના મળી. જેમને કટકી કરવા ન મળી એ લોકો તો મોદીનો વિરોધ કરવાના જ. પણ જનતા બધું જાણે છે. આ સરકાર તમારા માટે દોડવાવાળી સરકાર છે. અમે કોઇને રસ્તા પર નથી રહેવા દીધા, ગુજરાતમાં લાખો લોકોને પોતાનાં ઘર મળ્યાં, માતાઓ માલિક બની. ગુજરાતમાં સખી મંડળને બેંકોમાંથી ઓછા વ્યાજે પૈસા મળે તે માટે અમે પ્રયત્ન કર્યા.

આદિવાસીઓ માટે સ્કૃલોની વ્યવસ્થા કરી: PM મોદી
આદિવાસીઓ વિષે વાત કરતાં મોદીએ જણાવ્યું કે, ભગવાન રામના જમાનામાં આદિવાસીઓ હતા, કૃષ્ણના જમાનામાં હતા, રાણાપ્રતાપ સાથે પણ હતા. તમામ વખતે આદિવાસીઓ દેશ માટે લડ્યા છે, જેમને હજુપણ લડવું પડશે. કોંગ્રેસ સરકાર વાર-તહેવારે આદિવાસીઓની અને તેમના પહેરવેશ પર મજાક ઉડાવતી હતી, હું આદિવાસીઓની પાઘડી પહેરું તો પણ મારી મજાક ઉડાવતા, હવે આદિવાસીઓનું કલ્યાણ થઇ રહ્યું છે. હવે આદિવાસીઓનું સન્માન થઇ રહ્યું છે. આદિવાસીઓ માટે વાજપેયીજીએ અલગ મંત્રાલય બનાવ્યું, દીકરીઓ ભણે તે માટે અમે આદિવાસીઓ માટે સ્કૂલોની વ્યવસ્થા કરી, આદિવાસીઓ માટે બે યુનિવર્સિટી બનાવી. કોંગ્રેસે બિરસા મુંડાને ભુલવાડી દીધા હતા, અમે 15 નવેમ્બર તેમની જન્મજયંતીની ઉજવણી શરૂ કરી અને નામ ઉજાગર કર્યું. ઘોઘા-દહેજ રોરો ફેરીથી સૌરાષ્ટ્ર સાથે ભરૂચને અમે જોડી દીધું છે. ઘરે ઘરે જઇને મતદાતાઓને કહેજો કે નરેન્દ્રભાઇ જંબુસર આવ્યા હતા અને તમને ખાસ પ્રણામ કર્યા છે, વધુમાં વધુ મતાદાન કરાવજો, ઘરે જઇને વડીલોના મારા પ્રણામ કરજો.

'કોંગ્રેસીઓ વિકાસની ચર્ચા કરવાને બદલે મને મારી ઓકાત બતાવવાની વાત કરે છે'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજમાં સભા સંબોધતી વખતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીમાં વિકાસની ચર્ચા થવી જોઈએ, પરંતુ કોંગ્રેસીઓ વિકાસની ચર્ચા કરવાના બદલે મને મારી ઓકાત બતાવવાની વાત કરે છે. અરે, તમે તો બધા રાજપરિવારના છો, હું તો એક સામાન્ય પરિવારનો છું, મારી કોઈ ઓકાત નથી. હું તો સેવક છું અને સેવક કે સેવાદારની ઓકાત થોડી હોય. અરે, તમે મને નીચ કહ્યો, નીચી જાતિનો કહ્યો, તમે મને મોતનો સોદાગર પણ કહ્યો, તમે મને ગંદી નાળીનો કીડો પણ કહ્યો અને હવે તમે ઓકાત બતાવવાનું કહો છો... અરે, અમારી કોઈ ઓકાત નથી, વિકાસના મુદ્દાની ચર્ચા કરો અને ગુજરાતને વિકસિત બનાવવા મેદાનમાં આવો. આ ઓકાત બતાવવાના ખેલ રહેવા દો.

આ વખતેની ચૂંટણી અમે નથી લડતા, પરંતુ આ ચૂંટણી તો ગુજરાતની જનતા લડી રહી છેઃ મોદી
વડાપ્રધાને કહ્યું, આજે મારું સદભાગ્ય છે કે ઝાલાવડની ધરતી પર પહોંચતાં જ સંતોના આશીર્વાદ મળ્યા અને મને ભવ્ય વિજયની શુભકામનાઓ આપી હતી. જ્યાં જ્યાં મારી નજર પડે છે ત્યાં ત્યાં કેસરિયો સાગર દેખાય છે. આ જ બતાવે છે કે તમે ભાજપની સરકાર બનાવવાનું નક્કી કરી દીધું છે. આ વખતની ચૂંટણી અમે નથી લડતા, પરંતુ આ તો ગુજરાતની જનતા લડી રહી છે. આ ચૂંટણી નર્મદા જિલ્લાના વિરોધ કરવાવાળાને સજા મળે એ માટેની હોવી જોઈએ.

ગુજરાતને તરસ્યું રાખ્યું હતું તેવા લોકોને ખભે હાથ મૂકીને નેતા યાત્રા કરે છેઃ નરેન્દ્ર મોદી
PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે જેમણે ગુજરાતને તરસ્યું રાખ્યું હતું તેવા લોકોને ખભે હાથ મૂકીને નેતા યાત્રા કરે છે. ટેન્ડર માફિયાનું રાજ સુરેન્દ્રનગરે જોયું છે. મેં પહેલાં કહ્યું હતું કે નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ જો કોઈ જિલ્લાને મળશે તો એ સુરેન્દ્રનગર જિલ્લાને મળશે. આજે એ લાભ મળી રહ્યો છે. મુખ્યમંત્રી હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે ગુજરાતને 24 કલાક વીજળી આપીશ. એ સમયે કોંગ્રેસના નેતાઓ કહેતા કે આ શક્ય જ નથી, પરંતુ મને અઘરાં કામ કરવા લોકોએ બેસાડ્યો હતો તેથી જ મેં 10 વર્ષ પહેલાં જ ગુજરાતનાં ગામે ગામે 24 કલાક વીજળી પહોંચાડી હતી.
અમે ખેડૂતોને 270 રૂપિયામાં યુરિયા આપીએ છીએ:મોદી
ખેડૂતોને લઈને તેમણે કહ્યું હતું કે એક જમાનો હતો, યુરિયા લેવા જાવ તો રાત્રે લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. એક જમાનામાં યુરિયા બારોબાર વેચાઈ જતું હતું. આજે યુરિયા ખેડૂતોને સમયસર મળી રહ્યું છે. યુરિયા આપણે બહારથી લાવવું પડે છે, કેન્દ્ર સરકારને યુરિયા 2 હજારમાં પડે છે અને અમે ખેડૂતોને 270 રૂપિયામાં આપીએ છીએ. અમે હવે નેનો ખાતર લાવ્યા છીએ. પદયાત્રા કરવાવાળાને કપાસ અને મગફળીની ખબર ના હોય તેમજ કહ્યું, દેશનું 80 ટકા નમક ગુજરાતમાં બને છે. અમે આવીને અગરિયાઓની સ્થિતિ બદલી છે. અમે નાના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું છે. સુરેન્દ્રનગરના આગામી દિવસો સુવર્ણ હશે.
​​​​​​ગુજરાતમાં પહેલાં સાઇકલ નહોતી બનતી, હવે વિમાન બનશેઃ નરેન્દ્ર મોદી
શિક્ષણને લઈને મોદીએ કહ્યું, પહેલાં વાલીઓ બાળકોને કેવી રીતે ભણાવવા એ અંગે ચિંતિત હતા, હવે ગુજરાતમાં જ તમામને એડમિશન મળી જાય છે. પહેલાં ગુજરાતના યુવાનને બીજા રાજ્યમાં અભ્યાસ અર્થે જવું પડતું હતું, હવે બીજા રાજ્યના યુવાનો ગુજરાતમાં શિક્ષણ માટે આવે છે. ગુજરાતમાં 4000 જેટલી કોલેજો બનાવી, શિક્ષણ વ્યવસ્થામાં વધારો કર્યો, આજે ગુજરાતમાં 600 જેટલી ITI કોલેજો છે. પહેલાં ગુજરાતમાં સાઇકલ પણ નહોતી બનતી, હવે વિમાન બનવાનાં છે. આને કહેવાય વિકાસ તેમજ છેલ્લે, વડાપ્રધાને કહ્યું, તમારૂં સુરેન્દ્ર અને હું નરેન્દ્ર અને આ ભૂપેન્દ્ર આ ત્રિવેણી સંગમ છે આપણો.

ગઈકાલે વડાપ્રધાને સોમનાથ, અમરેલી, ધોરાજી અને બોટાદમાં સભા સંબોધી હતી

વિકાસ બોલો એટલે ગુજરાત અને ગુજરાત બોલો એટલે વિકાસ: PM મોદી
અમરેલીમાં કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગઈકાલે વડાપ્રધાને જનમેદનીને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે અમરેલીની ધરા સંતો અને સુરાઓની છે, અહીંની કલમ અને તલવાર બંનેમાં ધાર છે. વિકાસની વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિકાસ બોલો એટલે ગુજરાત દેખાય અને ગુજરાત બોલો એટલે વિકાસ દેખાય. અમરેલીમાં એટલો બધો વિકાસ થયો છે કે કૃષિ વિભાગ જાણે અમરેલી માટે રિઝર્વ થઈ ગયો હોય. અમરેલીએ ઉદ્યોગમાં નવી છબિ બનાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે નામ ઊભું કર્યું છે. છેલ્લાં 20 વર્ષમાં અમરેલીમાં ઘણા બદલાવ આવ્યા છે. ભૂતકાળમાં પાણી માટે અમરેલી વલખાં મારતું હતું, પણ હવેની સ્થિતિ કંઈક અલગ છે. પાણીની પૂજા કરો તો પરમાત્મા પણ પાણી વરસાવે છે એમ આપણા બધાની મહેનત જોઈ વરુણ દેવતા પણ અમરેલી પર રાજી થી ગયા છે. હવે પાઇપથી ઘરે ઘરે પાણી પહોંચતું થયું છે.

મારા માટે ધોરાજી આવવું એ રોજનું કામ કહેવાય: PM મોદી
ધોરાજીમાં ગઈકાલે સભા સંબોધતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે બપોરનો સમય હોય, અમારા રાજકોટનો સ્વભાવ છે બપોર એટલે. તેમ છતાં મોટી સંખ્યામાં આવ્યા છો. આજે પ્રત્યેક ગુજરાતી સિંહગર્જના કરી રહ્યો છે કે ફીર એકબાર મોદી સરકાર.... સરવેનો પણ આંકડો કહે છે ફીર એક બાર....મોદી સરકાર. ભાજપની સરકાર ભારે બહુમતિથી બનવાની છે. આનું મૂળ કારણ આ પ્રેમ અને આશીર્વાદ છે. ગત દસકામાં અનેકવાર મને તમારી વચ્ચે આવવાનો મોકો મળ્યો છે. મારા માટે ધોરાજી આવવું એ રોજનું કામ કહેવાય, સાથેસાથે મત માગવા અને હિસાબ આપવા આવ્યો છું. કચ્છ-કાઠિયાવાડના લોકો મારા ટીચર છે, મને ટ્રેનિંગ આપી છે, 2017માં ધોરાજી ચૂકી ગયા'તા, શું ફાયદો થયો?, શું મળ્યું?

પોલિંગ બૂથના જૂના બધા રેકોર્ડ તોડવા છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવનાં દર્શન કરીને જનમેદનીને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં મારી પહેલી રેલી છે અને એ પણ સોમનાથ દાદની પવિત્ર ભૂમિ પર છે. દાદાના આશીવાર્દ હોય એટલે જીત પાક્કી જ હોય. હું દોડાદોડ કરું છું એ મારું કર્તવ્ય છે. આ વખતનો આપણો લક્ષ્યાંક જુદો છે. આ વખતે નવા નવા રેકોર્ડો તોડવા છે. પહેલો રેકોર્ડ પોલિંગ બૂથનો છે, જેમાં આપણે વધુ પ્રમાણમાં મતદાન કરીને જૂના બધા રેકોર્ડ તોડવા છે. તમે સ્પોર્ટ કરો તો મારું આવેલું લેખે લાગે. આ વખતે નરેન્દ્રના રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે અને નરેન્દ્ર એને સપોર્ટ કરે એવું કામ તમારે કરવાનું છે. પહેલાં બધા કહેતા હતા કે ગુજરાતના વેપારીઓ શું કરી શકે, માલ લઇને વેચે અને વચ્ચે દલાલી કરે, પણ આ બધી ધારણાઓ ગુજરાતીઓએ ખોટી પાડી છે.

ભારતીય જનતા પાર્ટી તે વિકાસની ગેરંટી છેઃ વડાપ્રધાન
બોટાદમાં ગઈકાલે વડાપ્રધાને સભા સંબોધતાં જણાવ્યું હતું કે ભાજપે દીકરીઓ અને બાળકો માટે અભિયાન ચલાવ્યું છે. 20 વર્ષ પહેલાં 11 મેડિકલ કોલેજ હતી, અત્યારે 36 મેડિકલ કોલેજ છે. 20 વર્ષ પહેલાં સરકારી હોસ્પિટલોમાં 15 હજાર નર્સ હતી, આજે 60 હજાર છે. 20 વર્ષ પહેલાં 25 હજાર આંગણવાડીઓ હતી, આજે 50 હજાર છે. 20 વર્ષ પહેલાં ત્રણ હજાર મેડિકલની સીટો હતી, આજે 6 હજાર 300 જેટલી સીટો છે. ભાજપ સરકારે ગુજરાતમાં એઇમ્સ જેવી હોલ્પિટલ બને એ માટે પ્રયત્નો કર્યા છે. ભારતીય જનતા પાર્ટી તે વિકાસની ગેરંટી છે, અમે વિકાસના રસ્તે આગળ વધવા માગીએ છીએ. આ બધા લોકો જે બહારથી આવીને ગુજરાતને બદનામ કરવાનું જે અભિયાન ઉપાડ્યું છે એ નકારાત્મકતાથી કોઈનું ભલુ નથી થવાનું. ગુજરાતને બદનામ કરવાવાળા, વારતહેવારે ગુજરાતને ગાળો દેવાવાળા તે આખી જમાતને અહીં વિદાય કરવાની છે, જેથી ગુજરાત આપણી વિકાસની નવી ઊંચાઈ પ્રાપ્ત કરે. એ માટે મારે તમારો સાથ અને સહયોગની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...