કોરોના રસીકરણ:આજે જિલ્લાની 333 શાળામાં 15થી 18 વર્ષના 30,000 વિદ્યાર્થીને રસી અપાશે

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્યના 680 કર્મચારી અભિયાનમાં જોડાશે: ગેરહાજર હશે તેની યાદી બનાવીને રસી અભિયાન 7 દિવસમાં પૂર્ણ કરાશે

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 3 જાન્યુઆરીને સોમવારથી 15થી 18 વર્ષના કિશોર-કિશોરીઓને રસી દેવા માટે આરોગ્ય તંત્રે તૈયારી કરી નાખી છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી અને સરકારી શાળાના 15થી 18 વર્ષના 33800ની સંખ્યા આરોગ્ય વિભાગને મળી છે. પરિણામે આજે જિલ્લાની 333 જેટલી શાળાઓમાં અંદાજે 30,000 કિશોર-કિશોરીઓને રસી આપવામાં આવશે. આ ઉપરાંત જે વિદ્યાર્થી ગેરહાજર હશે તેની યાદી બનાવની આગામી સાત દિવસમાં જે અંદાજે 50 હજાર જેટલા કિશોર-કિશોરીઓ માટે આ રસી અભિયાન પૂર્ણ કરવાનું આરોગ્ય તંત્રે જણાવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં 18થી ઉપરની વય ધરાવતા લોકોને પ્રથમ તેમજ બીજા ડોઝની કામગીરી ચાલી રહી અને આ રસીકરણ ઝડપથી પૂર્ણ થાય તે માટે આરોગ્ય તંત્ર દોડધામ કરી રહ્યું છે. ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં તા.3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોર કિશોરીઓની કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 2 દિવસમાં અંદાજે 50 હજાર વિદ્યાર્થીઓને શાળામાં રસી દેવાનો લક્ષ્યાંક છે.

બીજી તરફ જિલ્લાના શિક્ષણ વિભાગ તરફથી આરોગ્ય વિભાગને સરકારી તેમજ ખાનગી શાળાઓના કિશોર-કિશોરીઓની 33,800ની સંખ્યા મળી છે. આગામી દિવસોમાં વેક્સિન માટે મેગા ડ્રાઈવ પણ યોજાશે. જેમાં બાકી રહી ગયેલા બાળકોને રસી અપાશે.

300થી વધુ ટીમ સાથે અંદાજે 1200 કર્મચારી કામગીરી કરશે
​​​​​​​
અગાઉ 18થી ઉપરની વયના લોકોને જે રીતે રસી આપવામાં આવતી હતી તે પ્રમાણે જ નિયમોના પાલન સાથે કિશોર-કિશોરીઓને શાળામાં રસી દેવામાં આવશે. શાળા ઉપરાંત આઇટીઆઈ, પોલીટેક્નિક સહિતના સ્થળોએ 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓ સહિત જિલ્લામાં અંદાજે 50,000થી વધુની સંખ્યા છે. ત્યારે આજે અંદાજે 333 જેટલી શાળામાં ધો. 10, 11 અને 12ના 30,000 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને સરકારી કે ખાનગી સ્કૂલમાં જઇને રસી અપાશે. જેના માટે આરોગ્યની 300થી વધુ ટીમો સાથે અંદાજે 1200 જેટલા કર્મચારીઓ રસીની કામગીરી કરશે. બાકી રહેતા વિદ્યાર્થીઓને રસી દેવા માટે સોમવારે મોડી સાંજે આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત શાળામાં કિશોર-કિશોરીઓ ગેરહાજર હશે તો તેઓની પણ યાદી બનાવીને આગામી 7 દિવસમાં આ રસીનું કામ પૂર્ણ કરવામાં આવશે. > ડૉ. ચંદ્રમણિકુમાર પ્રસાદ, જિલ્લા આરોગ્ય અધિકારી

રવિવારે 719એ રસી લીધી
સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 2 જાન્યુઆરીને રવિવારે 9 કેન્દ્રો પર 719 લોકોએ રસી લીધી હતી. જેના કારણે અત્યાર સુધીમાં કુલ 24,24,188 લોકોનું રસીકરણ થયુ હતુ. જેમાં 12,14,786 લોકોએ પ્રથમ અને 12,09,402 લોકોએ બીજો ડોઝ પૂર્ણ કર્યો હતો. કુલ રસીકરણનો અત્યાર સુધીમાં 12,89,121 પુરૂષો અને 11,34,682 મહિલાઓએ લાભ લીધો હતો. જેમાં કોવિશિલ્ડની 21,58,402 અને કોવેક્સિનની 2,65,786 રસી લોકોએ મૂકાવી હતી. હાલમાં જિલ્લામાં 18-44 વયના 15,06,880, 45-60ની ઉંમરના 5,81,169 અને 60થી ઉપરની વયના 3,36,139 લોકો કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે રસી મૂકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...