અકસ્માત:બજાણા પાસે ટ્રેલરની અડફેટે ઇકો પલ્ટી ખાતા ચાલક સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટડી તાલુકાના બજાણા માલવણ હાઇવે પર પુરઝડપે આવતા ટ્રેલરના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી સામેથી આવતી ઇકોકારને અડફેટે લેતા ઇકો પલ્ટી ખાઇ હતી. આ અકસ્માતમાં ઇકો કાર ચાલક સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્રણેય ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે પાટડી હોસ્પિટલ લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ લઇ જવાયા હતા.

પાટડી તાલુકાના બજાણા માલવણ હાઇવે પર સરકારી ગોડાઉન પાસે પુરઝડપે માંતેલા સાંઢની માફક આવતા ટ્રેલરના ચાલકે ખોટી રીતે ઓવરટેક કરવા જતા સામેથી આવતી ઇકો ગાડી અને ટ્રેલર ધડાકાભેર અથડાતા ઇકો ગાડી પલ્ટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતની ઘટનામાં ઇકો કારના ચાલક હબીબખાન કેસરખાન મલેક સહિત ઇકો કારમાં સવાર અશરફખાન જેમલજી અને વિશાલભાઇ કાળુભાઇ ઠાકોરને હાથે, પગે અને કમરના ભાગે ઇજાઓ પહોંચતા એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી દવાખાને લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ શિવ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ અકસ્માતના બનાવ અંગે ઇકો કારના ચાલક હબીબખાન કેસરખાન મલેકે ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...