સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથકમાં ત્રણ માસ પહેલા મારામારીની ઘટના સામે આવી છે. જેમાં સામાન્ય બાબતે એક વ્યક્તિએ બીજા વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યો હતો. જેથી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. જેથી મારામારીની આ ઘટના હત્યામાં પરિણમી છે.
પેટના ભાગે છરી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી
આજથી ત્રણ મહિના પહેલા ધ્રાંગધ્રાના શહેરી વિસ્તારમાં સામાન્ય બાબતે ઉસ્માન આદમભાઈ જેડા અને વિનોદભાઈ વચ્ચે બોલાચાલી સર્જાયા બાદ વિનોદભાઈ દ્વારા ઉસ્માનભાઈ આદમભાઈને પેટના ભાગે છરીના ઘા ઝીંકવામાં આવ્યાં હતા. જેને લઈને ઉસ્માનભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે તેમને પ્રાથમિક સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમની હાલત વધુ લથડતા સુરેન્દ્રનગર શહેરની ટીબી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જોકે, ત્યાં પણ તેમને રીકવરી ના આવતા રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યા ઉસ્માનભાઈ આદમભાઈ જેડાનું સારવાર દરમિયાન મોત થયું છે.
પરિવારમાં શોકનો માહોલ
ઉસ્માનભાઈને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઉસ્માનભાઈ છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા હતા. ત્યારે આજે તેમનું સવારે સારવાર દરમિયાન મોત થયું છે. જેને લઈને ધાંગધ્રા પંથકમાં ચકચાર મચી છે. તેમજ તેમના પરિવારમાં પણ શોકની લાગણી વ્યાપી છે. ઉસ્માનભાઈ પરણિત હોય અને તેમને પરિવારમાં બે દીકરા અને બે દીકરીઓ હોય ત્યારે ચાર સંતાનોએ પોતાના પિતાની છત્ર છાયા નાની ઉંમરે ગુમાવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સતત સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે મારામારી અને હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે, તે શહેરીજનો માટે ચિંતાનો વિષય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.