ન જાણ્યુ જાનકી નાથે...:કાલે જ વતનથી આવેલા ભરવાડ પરિવારના ત્રણ સભ્યોને મીઠાની ફેકટરી ભરખી ગઈ, પુત્રી સામે જ માતા-પિતા-બહેન દટાયા; 3 બાળકો નોધારા થયા

મોરબીએક મહિનો પહેલાલેખક: ​​​​​​​મનીષ પારીક
  • ભરવાડ પરિવાર ગઈ કાલે જ વતનથી પરત હળવદ આવ્યો હતો

હળવદની GIDCમાં દીવાલ પડતા મોતને ભેટેલા 12 લોકોમાં 9 લોકો તો બે પરિવારના જ સભ્યો છે. એક પરિવારના છ લોકો અને બીજા પરિવારના ત્રણ લોકોનો સમાવેશ થાય છે. જે ત્રણ લોકો મોતને ભેટ્યા છે તે પરિવાર તો એક દિવસ પહેલા જ તેના વતનથી હળવદ આવ્યો હોવાનું સામે આવ્યું છે. દંપતી સહિત ત્રણના મોત થતા ત્રણ સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારજનોના મોતના પગલે પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો હતો.

ત્રણ સંતાનોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી
ત્રણ સંતાનોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી

ભરવાડ પરિવારની એક દીકરીનો ચમત્કારિક બચાવ
મીઠાના કારખાનામાં આજે જ્યારે દીવાલ ધરાશાયી થઈ ત્યારે આશા ભરવાડ પણ ઘટનાસ્થળ પર હાજર હતી. દીવાલનો કાટમાળ પગ પર પડતા આશાને ઈજાઓ પહોંચી હતી. આશાની નજર સામે જ તેના પિતા ડાયાભાઈ ભરવાડ, માતા રાજીબેન ભરવાડ અને બહેન દેવીબેન ભરવાડ કાટમાળમાં દટાઈ ગયા હતા અને મોતને ભેટ્યા હતા.

સમગ્ર ઘટનાની પ્રત્યક્ષદર્શી આશાએ કહ્યું હતું કે, અમે કુંભાળીયા ગામેથી ગઇકાલે જ મજૂરી કામ અર્થે આવ્યા બાદ આજે સવારે છ વાગ્યે ફેક્ટરીમાં પરિવારજનો સાથે મજૂરી કામ કરવા ગયા હતા. જેમાં અમે સૌ પરિવારજનો એક જગ્યાએ મજૂરી કામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક ધડાકાભેર દીવાલ પડી હતી. જેમાં હું ભાગવા જતા મારા પગમાં ઈજાઓ પહોંચી છે. મારા માતા-પિતા સહિતના ત્રણ સભ્યો મારી નજર સામેં જ દટાઇ ગયા હતા. આ ઘટનામાં મારા ડાબા પગે ઇજાઓ પહોંચતા કેટલાક લોકો મને દવાખાને લઇ ગયા હતા. એ પછીનું મને કાંઇ યાદ નથી એમ જણાવી આ માસુમ બાળા મોતને ભેટેલા પોતાના માતા-પિતા અને બહેનને યાદ કરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. ત્યારે હાજર સૌની આંખોના ખુણા ભીના થઇ ગયા હતા.

બે પરિવારના 9 લોકો સહિત 12 લોકોનાં મોત
હળવદના મીઠાના કારખાનામાં જે દુર્ઘટના ઘટી હતી તેમાં કચ્છના વાગડ પંથકમાંથી મજૂરી અર્થે આવેલા એક પરિવારના 6 લોકો અને બીજા પરિવારના 3 લોકો સહિત કુલ 12 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં એક બે વર્ષના માસુમ બાળકનો પણ સમાવેશ થાય છે.