હળવદના સુંદરીભવાની ગામે આજે સાંજના સમયે ભારે વરસાદને કારણે કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે દીવાલ પડતા બે સગાભાઈ અને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિના કાટમાળ હેઠળ દટાઈ જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યોના મોતથી અરેરાટી મચી ગઇ છે.
આ કરુણ દુર્ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પંથકમાં આજે સિઝનના પ્રથમ વરસાદે એક પરિવાર માટે આફત નોતરી હતી. જેમાં હળવદના સુંદરીભવાની ગામે કેનાલ કાંઠે વાડી વિસ્તારમાં વરસાદને કારણે દીવાલ પડતા એક જ પરિવારના ત્રણ સભ્યો દટાઈ ગયા હતા.
વધુમાં મળતી વિગતો અનુસાર હળવદના સુંદરીભવાની ગામની સીમમાં કેનાલ કાંઠે આવેલ ગફલભાઈ સુરાભાઈ દેગામાની વાડીએ દીવાલ ધારાશાયી થતા તેમના બે દીકરા અને પુત્રવધૂને દીવાલના કાટમાળ હેઠળ દટાઈ જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં છેલાભાઈ ગફલભાઈ દેગામાં, વાઘજીભાઈ ગફલભાઈ દેગામાં એમ આ બન્ને ભાઈ તેમજ પુત્રવધૂનું મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, એક માસ પૂર્વે હળવદ જીઆઈડીસીમાં દીવાલ ધસી પડતા 12-12 લોકોના મૃત્યુ નિપજતા સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ હતી ત્યારે આવી જ આ બીજી દુર્ઘટના સર્જાતા નાના એવા સુંદરીભવાની ગામમાં શોકની કાલીમા છવાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.