• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • The Wonder Of Engineering Is The Covered Pumping Station Of Surendranagar District, The Water Of Narmada Reaches From Here At The End Of Saurashtra Kutch.

એશિયાના સૌથી મોટા પમ્પીંગ સ્ટેશનની મુલાકાત:એન્જિનિયરિંગની કમાલ એટલે સુરેન્દ્રનગર જિલ્લાનું ઢાંકી પમ્પીંગ સ્ટેશન, સૌરાષ્ટ્ર-કચ્છના છેવાડે અહીંથી જ પહોંચે છે નર્મદાનું પાણી

સુરેન્દ્રનગર13 દિવસ પહેલાલેખક: મનીષ પારીક
  • લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશનની દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમે મુલાકાત કરી

નર્મદાના પાણી આજે સૌરાષ્ટ્રના છેવાડાના ગામો અને કચ્છના રણ સુધી પહોંચ્યા છે. અહીં સુધી પાણી પહોંચાડવા માટે સૌથી મહત્વનો ફાળો હોય તો તે સુરેન્દ્રનગરમાં આવેલા ઢાંકી પમ્પીંગ સ્ટેશનનો છે. એક સમયે જે વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચાડવાનું અશક્ય લાગતું હતું તે વિસ્તારમાં આ સ્ટેશનના કારણે નર્મદાનું પાણી પહોંચાડવામાં સફળતા મળી છે.

પાંચ પમ્પીંગ સ્ટેશનની મદદથી પાણી પહોંચાડવામાં આવે છે
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી પમ્પીંગ સ્ટેશનથી કુલ પાંચ પમ્પીંગ સ્ટેશનમાં હેવી વોલ્ટેજ મોટરોથી પાણી પમ્પીંગ કરીને સુરેન્દ્રનગર ધોળીધજા ડેમની સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને ભાવનગર સુધી પહોંચાડવામાં આવે છે. જેમાં તંત્ર નેવાના પાણી મોભે ચઢાવે તે વાત સાચી ઠરી છે. એશિયાના સૌથી મોટા લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પર દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમે મુલાકાત લઇને જાણ્યું કે એક સમયે વિરડા અને બેડાયુદ્ધ માટે જાણીતો સૌરાષ્ટ્ર-કચ્છનો વિસ્તાર નર્મદાના નીરથી કઈ રીતે પાણીદાર બન્યો.

ધોળીધજા ડેમની 66.43 મીટર ઊંચાઈએ પાણી પમ્પીંગ કરાય છે
સૌરાષ્ટ્રની મેઇન કેનાલમાંથી એશિયાના સૌથી મોટા ઢાંકી પમ્પીંગ સ્ટેશનના પાંચ વિવિધ પમ્પીંગ સ્ટેશન દ્વારા 59 કિ.મી.થી 104.46 કિ.મી.એરીયા કવર કરીને 66.43 મીટર ઉંચાઇ સુધી પાણી પમ્પીંગ કરવામાં આવે છે. કારણ કે, સુરેન્દ્રનગર ધોળીધજા ડેમની ઉંચાઇ 66.43 મીટર છે. જેમ‌ાં સુરેન્દ્રનગર જિલ્લાની લીલાપુર-ઢાંકી પમ્પીંગ સ્ટેશનથી 10.806 મીટર ઉપર, લખતર પમ્પીંગ સ્ટેશનથી 15.71 મીટર ઉપર, બાલા પમ્પીંગ સ્ટેશનથી 15.047 મીટર ઉપર, રાજપર પમ્પીંગ સ્ટેશનથી 12.047 મીટર ઉપર અને દૂધરેજ ખમીસાણા પમ્પીંગ સ્ટેશનથી 12.047 મીટર ઉપર મળી ધોળીધજા ડેમની 66.43 મીટર ઉંચાઇએ પમ્પીંગ કરીને પાણી પહોંચાડવામાં આવે છે.

આ સાત કેનાલો મારફતે પહોંચે છે સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણી
(1) નરસિંગપુરા બ્રાન્ચ
(2) માળીયા બ્રાન્ચ
(3) વલ્લભીપુર બ્રાન્ચ
(4) ધ્રાંગધ્રા બ્રાન્ચ
(5) લીંબડી બ્રાન્ચ
(6) મોરબી બ્રાન્ચ
(7) ધોળીધજા બ્રાન્ચ

દર સેકન્ડે 20 હજાર લીટર પાણી ફેંકે તેવા 19 પમ્પ કાર્યરત
ઢાંકી પમ્પીંગ સ્ટેશનમાં સીમેન્સ અને કિર્લોસ્કર કંપનીના કોલોબ્રેશનથી બનાવેલા 19 જેટલા પંપ મૂકવામાં આવ્યા છે. અહીં જે પંપ મૂકવામાં આવ્યા છે તે ઈટાલીથી આયાત કરવામાં આવ્યા હતા. એક પંપ એક સેકન્ડમાં 20000 લીટર પાણી ફેકવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે એક કલાકમાં 20,000 લીટર X 60 X 60 (MLD) પાણી ફેકવાની ક્ષમતા ધરાવે છે. દરરોજ 14000 ક્યૂસેક પાણી ફેંકવાની ક્ષમતા છે. પરંતુ જરુર મુજબ સપ્લાય કરવામાં આવે છે.

ઢાંકી પમ્પીંગ સ્ટેશન એશિયાનું સૌથી મોટું પમ્પીંગ સ્ટેશન
સુરેન્દ્રનગરના ઢાંકી પમ્પીંગ સ્ટેશનનું વર્ષ 2007માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 2001માં પમ્પીંગ સ્ટેશન માટે વર્કઓર્ડર અપાયા બાદ 6 વર્ષે સ્ટેશનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. 2001માં જ્યારે પમ્પીંગ સ્ટેશનનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે 442 કરોડ રૂપિયાનો અંદાજ હતો. પરંતુ પ્રોજેક્ટ પૂર્ણ થતાં તેનો ખર્ચ 614 કરોડ પર પહોંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...