કાર્યવાહી કરવા માંગ:પાટડીના ધામામાં કેનાલનું પાણી ખેતરના ઉભા પાકમાં ફરી વળતા ખેડૂતને મોટું નુકસાન, આત્મ વિલોપનની ખેડૂતે ચિમકી ઉચ્ચારી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડીના ધામામાં કેનાલનું પાણી ખેતરના ઉભા પાકમાં ફરી વળતા ખેડૂતને મોટું નુકસાન - Divya Bhaskar
પાટડીના ધામામાં કેનાલનું પાણી ખેતરના ઉભા પાકમાં ફરી વળતા ખેડૂતને મોટું નુકસાન
  • નર્મદાના જવાબદાર અધિકારી અને ગેટ પર ફરજ બજાવતા કર્મચારી વિરુદ્ધ પગલા ભરવાની ખેડૂતે કરી માંગ
  • કેનાલનું પાણી 15 વીઘાના ઇસબગુલના પાકમાં ફરી વળ્યું

પાટડી તાલુકાના ધામા ગામમાં કેનાલનું પાણી 15 વીઘાના ઇસબગુલના પાકમાં ફરી વળતા ખેડૂતનો મોટું નુકસાન પહોંચ્યું હતું. જેને લઈ ખેડૂતે તંત્ર સામે ફરીયાદ કરવા ઝીંઝુવાડા પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં ખેડૂતે નર્મદાના જવાબદાર અધિકારી અને ગેટ પર ફરજ બજાવતા કર્મચારી વિરુદ્ધ પગલા નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની સાથે આત્મ વિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. જેથી ચકચાર મચી છે.

ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને અને એમાય પાટડી તાલુકાને થયો હોવાની તંત્ર દ્વારા ગુલબાંગો ફેંકવામાં આવી રહી છે. એમાય પાટડી તાલુકાના 89 ગામોમાંથી 87 ગામો સુધી નર્મદાના નીર ખેતરે ખેતરે પહોંચ્યાના નર્મદા વિભાગ દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે નર્મદા કેનાલમાં વારંવાર પડતા મસમોટા ગાબડા અને તંત્રની અણ આવડતના કારણે કેનાલો ઉભરાવવાની ઘટનાથી રણકાંઠાના ખેડૂતો પાયમાલની સ્થિતિમાં આવી ગયા છે એ પણ નરી વાસ્તવિકતા છે.

પાટડી તાલુકાના ભલગામ અને આદરીયાણા ગામ વચ્ચેથી પસાર થતી કેનાલ નં-7ની એક માયનોર કેનાલ પાટડી તાલુકાના ધામા ગામમાંથી પસાર થાય છે. ત્યારે આ માયનોર કેનાલમાં અજાણ્યા શખ્સો દ્વારા પાણી એકાએક વધારી દેવાતા ધામા ગામના ખેડૂત આગેવાન રાઠોડ ભગાભાઇ દેવાભાઇના સર્વે નં. 764ના 15 વીઘાના ખેતરમાં વાવેલા ઇસબગુલના પાકમાં નર્મદાનું પાણી ફરી વળ્યું હતું. જેથી પાકનો સોંથ બોલી ગયો હતો અને ઇસબગુલનો પાક સંપૂર્ણ નાશ પામ્યો હતો. અગાઉ પણ આ કેનાલનું પાણી ઓવરફ્લો થઇને અવારનવાર ખેતરમાં ફરી વળતા ખેડૂતને ભારે નુકસાની ઉઠાવવાનો વારો આવ્યો હતો.

આથી આ કેનાલ પર પાળ બાંધવા ખેડૂત રાઠોડ હિતેશ ભગવાનભાઇ દ્વારા અગાઉ અનેકો વખત લેખીત અને મૌખીક રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી હાથ ધરાઇ નહોંતી. આથી આજે ફરી કેનાલના પાણીથી 15 વીઘાના ખેતરમાં વાવેલા ઇસબગુલના પાકનો સંપૂર્ણ સફાયો થતાં ખેડૂત નર્મદા વિભાગના જે તે જવાબદાર અધિકારી અને ગેટ પર ફરજ બજાવતા કર્મચારી વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવા ઝીંઝુવાડા પોલીસ મથકે દોડી ગયો હતો. આ નુકસાની બાબતે તંત્ર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની સાથે જરૂર પડ્યે આત્મ વિલોપનની લેખિત ચિમકી પણ ઉચ્ચારી હતી. જેથી તંત્રમાં ભરશિયાળે દોડધામ મચી હતી.

અન્ય સમાચારો પણ છે...