તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પંચાયતના બોરની મોટર બળી જતા 10 દિવસથી ગ્રામજનો પીવાના પાણીની એક એક બુંદ માટે તરસ્યા

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
પાટડી તાલુકાની 4,000ની વસ્તી ધરાવતા પાનવા ગામે ભરઉનાળે પાણીનો પોકાર
  • પાટડી તાલુકાની 4,000ની વસ્તી ધરાવતા પાનવા ગામે ભરઉનાળે પાણીનો પોકાર

પાટડી તાલુકાના 4,000ની વસ્તી ધરાવતા પાનવા ગામે 2015માં ખાસ અંગભૂત યોજનામાં બનાવવામાં આવેલો બોર તો છેલ્લા બે વર્ષથી બંધ છે. જ્યારે ગ્રામ પંચાયતના બીજા બોરની મોટર 10 દિવસ અગાઉ બળી જતાં ગામમાં આકરા ઉનાળામાં પાણીનો પોકાર શરૂ થયો છે. ગામની મહિલાઓને ભર બપોરે 45 ડીગ્રી તાપમાનમાં ગામને છેવાડે આવેલા કુવે પીવાનું પાણી ભરવા જવા મજબૂર બન્યા છે.

ગામમાં પીવાના પાણીની સમસ્યા અતિ વિકટ

પાટડી તાલુકાના છેવાડે આવેલા પાનવા ગામની વસ્તી અંદાજે 4,000 લોકોની છે. પાનવા ગામે 2015માં ખાસ અંગભૂત યોજનામાં બનાવવામાં આવેલો બોર છેલ્લા બે વર્ષથી પણ વધારે સમયથી બંધ હાલતમાં છે. જ્યારે બીજી બાજુ પાનવા ગ્રામ પંચાયતના બોરમાં 10 દિવસ અગાઉ પેનલ બોર્ડમાં ખામી થવાની સાથે બોરની મોટર બળી જવાના લીધે પાનવા ગામમાં પીવાના પાણીની સમસ્યા અતિ વિકટ બનવા પામી છે.

મહિલાઓ ગામના છેવાડે આવેલા કુવે પાણી ભરવા મજબૂર

પાનવા ગામની મહિલાઓને 45 ડીગ્રી તાપમાનમાં ભર બપોરે માથે બેડા ઉંચકી પીવાના પાણીની એક એક બુંદ માટે વલખાં મારવા પડી રહ્યાં છે. ગામની મહિલાઓ ગામના છેવાડે આવેલા કુવે પાણી ભરવા મજબૂર બની છે. આ અંગે પાનવા ગામના રમેશભાઇએ જણાવ્યું કે, ગામનો બીજો એક કુવો તૂટેલો છે. જેમાં ગ્રાનજનો નહાવા-ધોવા અને કપડાં ધોવા માટે જ ઉપયોગ કરે છે. અને બીજા એક કુવામાંથી ગામની તમામ મહિલાઓ પીવાનું પાણી વાપરે છે. જ્યારે ગામનો બોર તો છેલ્લા બે વર્ષથી પણ વધારે સમયથી બંધ હાલતમાં છે.

રીપેરીંગ કરેલી મોટર બોરમાં ઉતારવાની છે

આ અંગે પાનવા ગામના તલાટી કમ મંત્રી મહેશભાઇએ જણાવ્યું કે, ગ્રામ પંચાયતના બોરની મોટર બળી જવાની સાથે પેનલ બોર્ડમાં ખામી સર્જાતા આ સમસ્યા ઉદ્ભવી હતી. જે પાણી પુરવઠા વિભાગને સાથે રાખી રીપેરીંગ કરાવી લીધી છે. આજે બપોર બાદ રીપેરીંગ કરેલી મોટર બોરમાં ઉતારવાની છે. અને કાલથી પાનવા ગ્રામજનોને રાબેતા મુજબ પીવાનું પાણી પુરૂ પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...