ફરજનિષ્ઠા:પરિવારમાં માતાપિતા કોરોના સંક્રમિત હોવા છતા પાટડી કોવિડ કેર સેન્ટરના સ્ટાફ બ્રધર નથી ચૂક્યા પોતાની ફરજ

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરિવારમાં માતાપિતા કોરોના સંક્રમિત હોવા છતા પાટડી કોવિડ કેર સેન્ટરના સ્ટાફ બ્રધર નથી ચૂક્યા પોતાની ફરજ - Divya Bhaskar
પરિવારમાં માતાપિતા કોરોના સંક્રમિત હોવા છતા પાટડી કોવિડ કેર સેન્ટરના સ્ટાફ બ્રધર નથી ચૂક્યા પોતાની ફરજ
  • સાહરભાઈ શેખા છેલ્લા એક વર્ષથી કોરોના પેશન્ટની કરી રહ્યા છે સારવાર

કોરોનાના સમયગાળામાં બધાને પોતાના પરિવારની ચિંતા હોય છે, પરિવારમાં જો કોઈ વ્યક્તિ પોઝીટીવ આવે તો આખો પરિવાર ચિંતામા ગરકાવ થઈ જાય છે. કોરોનાની આવી વિકટ પરિસ્થિતિમાં પણ લોકોના આરોગ્ય સુખાકારી માટે ઝઝુમતા એવા કેટલાય કોરોના વોરિયર્સ છે, જેઓ પરિવારના લોકોના આરોગ્યની ચિંતા કર્યા વિના લોકોનું આરોગ્ય જળવાય તે માટેની તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહયાં છે.

આવા જ કોરોના વોરિયર્સ પૈકીના એક એટલે પાટડી કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવતા સ્ટાફ બ્રધર સાહરભાઈ શેખા. સાહરભાઈના પરિવારમાં માતા-પિતા બંને પોઝિટિવ આવ્યા હોવા છતાં પણ તેઓએ પોતાની ફરજ નિષ્ઠામાં ક્યારેય ચૂક કરી નથી.

સાહરભાઈ શેખા પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટાફ બ્રધર તરીકે છેલ્લા એક વર્ષથી કોવિડ વોર્ડમાં કામ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ પાટડી સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે કોવિડ કેર સેન્ટર બનાવાયું અને સાહરભાઈને ત્યાં ડ્યુટી સોંપવામાં આવી. આવા સમયે તેમના માતા-પિતા બંને એકસાથે પોઝિટિવ આવે છે, પરિવાર પર આવું સંકટ આવે ત્યારે માણસ ચિંતિત થાય એ સ્વાભાવિક છે. તેમ છતાં સાહરભાઈ પોતાની ફરજનિષ્ઠા ક્યારે ભૂલ્યા નથી. અને અચૂક કોવિડ વોર્ડમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ડ્યુટી સિવાયના સમયગાળામાં પણ જો કોઈનો ફોન આવે તો ત્યાં તરત જ પહોંચીને દર્દી ઝડપથી સાજો થઈ જાય તેવી તત્પરતાથી સેવા કરી રહ્યા છે.

સાહરભાઈ જણાવે છે કે, શરૂઆતમાં હું પાટડી સામૂહિક કેન્દ્ર ખાતે આવેલ કોવિડ વોર્ડમાં ફરજ બજાવતો હતો, ત્યારબાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે બનાવવામાં આવેલ કોવિડ કેર સેન્ટરમાં દિવસ અથવા રાત્રીના કોઈપણ સમયે બાર કલાકની ડ્યુટી કરું છું. અહીં આવનાર તમામ દર્દીઓને દવા, ઓક્સિજન લેવલ તપાસવા જેવી સારવાર અમે બધા આરોગ્ય કર્મી સાથે મળીને કરી રહ્યા છીએ.

પાટડી કોવિડ કેર સેન્ટરમાં ઘણા એવા દર્દીઓ પણ આવ્યા છે કે જેમનું ઓક્સિજન લેવલ 80 થઈ ગયું હોય અને ફેફસામાં 75 થી 80 ટકા જેટલું ઇન્ફેક્શન હોય તેમ છતાં આવા ઘણા દર્દીઓ સાજા થઈને પોતાને ઘેર પરત ફર્યા છે. કોરોનાની જો યોગ્ય સારવાર સમયસર મળી જાય તો તેમાંથી ઝડપથી સાજા થઇ જવાય છે, અને એવા ઘણા દાખલાઓ મારી ફરજ દરમિયાન મેં જોયા છે.

કોરોનાની આ મહામારીમાં આજે અનેક વ્યક્તિ માનસીક ભય અનુભવી રહયાં છે, તેવા સમયે લોકોના આરોગ્યની સુરક્ષા માટે કોઈપણ જાતના ભય વિના દિવસ - રાત સેવારત સાહરભાઈ શેખા જેવા અનેક કોરોના વોરિયર્સની સેવાને સાચા અર્થમાં બિરદાવીએ.

અન્ય સમાચારો પણ છે...