• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • The Son Of The Deceased Said In A Sobbing Voice, "I Pulled My Mother's Hand When The Wall Fell, But Unfortunately I Could Not Save My Sister And Father."

હળવદ દુર્ઘટના:મૃતકના પુત્રએ ગળગળા અવાજે કહ્યું- 'દીવાલ પડી ત્યારે મેં મારી માતાનો હાથ ખેંચી લીધો, પણ અફસોસ બહેન અને પિતાને ન બચાવી શક્યો'

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હળવદની ગોઝારી દુર્ઘટનામાં પિતા અને બહેનને ગુમાવનારાએ આખી ઘટના કેવી રીતે બની તેનો ચિતાર આપ્યો
  • જીઆઇડીસી વિસ્તારમાં આવેલા સાગર સોલ્ટ નામના કારખાનાની દીવાલ પડતા 12 લોકોના મોત થયા હતા

હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા સાગર સોલ્ટ નામના કારખાનાની દીવાલ પડતા 12 લોકોના મોત થયા હતા. કારખાનાની દિવાલે ત્રણથી વધુ પરિવારનો માળો વેરવિખેર કરી નાખ્યો હતો. આ ઘટના બની ત્યારે હાજર રહેલા અને સદભાગ્યે બચી ગયેલા લખનભાઈએ આખી ઘટના વર્ણવી હતી. ત્યારે તેમની આંખોમાં ઝણઝણીયા આવી ગયા હતા. લખનભાઈએ આ દુર્ઘટનામાં પિતા અને બહેનને ગુમાવ્યા છે. દીવાલ પડી ત્યારે તેઓએ માતાને તો હાથ ખેંચીને બચાવી લીધા પણ તેના પિતા અને બહેનને બચાવી ન શક્યા એનો વસવસો એમના ચહેરા પણ સ્પષ્ટ જોવા મળ્યો હતો.

હળવદની ગોઝારી ઘટનામાં બચી ગયેલા મૃતકના સ્વજનોને મળીને આખી દુઃખદ ઘટના કેવી રીતે બની તેનું સત્ય બહાર લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં આ ઘટના વખતે બચી ગયેલા લખનભાઈ નામના વ્યક્તિએ આ ઘટના વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, અમે સવારથી મીઠાના કારખાનામાં સમગ્ર પરિવાર જેમાં એક બહેન, પોતે અને માતા-પિતા કામ કરતા હતા. જે દીવાલ પડી ત્યાં આગળ માતા-પિતા અને બહેન મીઠાની બોરી ભરવાનું કામ કરતા હતા. ત્યારે તેઓ બપોરના સમયે મીઠાના કટ્ટા ભરવા માટે દીવાલ પાસેથી ઉઠ્યા હતા અને દીવાલની પાછળ જતા જ એટલી વારમાં મોટી દીવાલ પડી ગઈ હતી. જોકે, તેઓએ તરત જ માતાનો હાથ પકડીને ખેંચી લેતા માતા બચી ગઈ હતી. પણ દીવાલની લગોલગ કામ કરતા પિતા અને બહેન દીવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. મોટી દીવાલ પડવાની સાથે અસહ્ય વજન ધરાવતા મીઠાના કટ્ટા પણ દીવાલ પડી એના માથે પડ્યા હતા.

દીવાલનો કાટમાળ અને ઉપરથી મીઠાના કટ્ટાનો વજન પડતા નીચે દબાઈયેલા 12 વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જેમાં લખનભાઈના પિતા અને બહેનના પણ દટાઈ જવાથી અકાળે મોતને ભેટ્યા હતા. દીવાલ એક સાથે જ ધરાશાયી થઈ કે પોતે થોડે દુર દેખાતા હોવા છતાં નજર સામે દટાતા પિતા અને બહેનને બચાવવાની કોઈ તક જ ન મળી એનો એમને આજીવન વસવસો રહેશે એમ જણાવતા તેમણે કહ્યું કે, આ ગોઝારી ઘટનામાં એમને મોતના સાક્ષાત દર્શન થયા હતા. જોકે, મીઠાની ફેક્ટરીમાં દરરોજ 100 જેટલા લોકો કામ કરતા હોય છે. પણ હાલ લગ્નની સીઝન હોવાથી મોટા ભાગના લોકલ મજૂરો બહાર હોવાથી ઘટના સમયે બહુ જ ઓછો લોકો હતા. જો આટલા બધા લોકો હોત તો મોટી ખુવારી સર્જાઈ હોત. પણ સદભાગ્યે આવી આપતિ સ્હેજમાં અટકી છે. આ ઘટના પછી અડધી કલાકે તંત્ર રાહત અને બચાવ કામગીરીમાં પહોંચ્યું હતું. દીવાલ મોટી હોવાથી જાનહાની વધુ થઈ હતી.

કારખાનામાં મિત્રને મળવા આવેલો શખ્સ પણ મોતને ભેટ્યો
​​​​​​​
હળવદની ગોઝારી ઘટનાએ ત્રણથી ચાર પરિવારને હતા ન હતા કરી નાખ્યા છે. ત્યારે સૌથી કરુણતાએ છે કે, રાજુભાઇ ઠાકોર નામના એક વ્યક્તિનું પણ આ ઘટનામાં મોત થયું હતું. તેઓ આ કારખાનામાં કામ કરતા ન હતા. પરંતુ મિત્રને મળવા માટે ગયા હતા અને ચા આવે તે પહેલા જ કાળરૂપી દીવાલ ઘસી પડતા મિત્રના પરિવાર સાથે રાજુભાઇ ઠાકોર પણ મોતના ખપ્પરમાં હોમાઈ ગયા હતા. આથી તેમના ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી મચી ગઇ છે.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રાજુભાઇ જેરામભાઇ મકવાણા (ઠાકોર)ના પરિવારજનો સાથે મુલાકાત કરતા તેમણે રજૂ કરેલી વ્યથા સાંભળીને દરેકના આંખોના ખૂણા ભીના થઇ ગયા હતા. રાજુભાઈના પિતા અને ભાઈ તેમજ સંતાનોએ આ બનાવની આપવીતી રજૂ કરતા હૈયાફાટ આક્રંદ કરી મૂક્યું હતું. જેમાં સૌથી કરુણ બાબત એ છે કે, રાજુભાઇ જે મીઠાના કારખાનામાં ઘટના બની એ કારખાનામાં કામ જ કરતા ન હતા. તેમના મિત્ર ડાયાભાઈ ભરવાડ ઘટનાના આગલા દિવસે જ આ કારખાનામાં પરિવાર સાથે મજૂરી કામે આવ્યા હતા. ઘણા સમય બાદ મિત્ર અહીં આવતા રાજુભાઇ ઠાકોર તેમને મીઠાના કારખાનામાં મળવા ગયા હતા. ત્યારે તેમને સ્વપ્નેય કલ્પના ન હતી કે કાળ તેમની રાહ જોઈ રહ્યો છે અને મિત્ર સાથે જ તેઓએ મોતને ભેટશે.

અન્ય સમાચારો પણ છે...