રણકાંઠાના સેંકડો અગરિયા પરિવારો રણમાં મીઠું પકવવા ગયા છે. ત્યારે રણમાં જોરદાર વાવાઝોડા સાથે પવન અને આંધીની સાથે કમોસમી માવઠાથી રણમાં અગરિયાઓની સોલાર પેનલો તૂટી જતાં લાખો રૂ.નુ નુકશાન આવ્યું હતુ. જેમાં રણના અંદાજે 20થી વધુ પેનલોને નુકશાન પહોંચતા અગરિયાઓને એકથી દોઢ લાખ રૂ.નું નુકસાન આવતા અગરિયાઓ પાયમાલ બની ગયા હતા.
દર વર્ષે રણમાં અંદાજે 2000 અગરિયા પરિવારો મીઠું પકવવાનું કામ કરે છે. આ વર્ષે ચોમાસામાં ખુબ જ ઓછો વરસાદ થતાં આખુ રણ સુકુભઠ્ઠ છે. આથી રણકાંઠાના સેંકડો અગરિયા પરિવારો નવરાત્રીના બદલે વહેલા ટ્રેક્ટરમાં સરસામાન સાથે રણમાં મીઠું પકવવા ગયા હતા. અને રણમાં મીઠાના પાટામાં પગલી આપવાનું કામ કરી પાટા ભરવા રણમાં સોલાર પેનલો ફીટ કરી કામેં લાગી ગયા હતા. અને હાલ અગરિયાઓની મીઠું પકવવાની સીઝન પુર્ણતાના આરે છે.ત્યારે રણમાં વાતાવરણમાં અચાનક જોરદાર પલટો આવ્યા બાદ વાવાઝોડા સાથે પવન અને આંધીના વંટોળ સાથે વરસાદ ખાબકતા મીઠું પકવવા રણમાં ગયેલા અગરિયા પરિવારોમાં અફડાતફડી મચી જવા પામી હતી. જેમાં પાણી ખેંચવા માટેની સોલાર પેનલો ઉડીને તૂટી ગઇ હતી.
સોલાર પંપમાં સોલાર પેનલ અને કન્ટ્રોલરમાં વરસાદી પાણી ઘૂસી જવાથી મસમોટું નુકશાન આવ્યું હતુ. આ અંગે રણમાં અગરિયાઓ માટે સોલાર પેનલ ફિટ કરવાનું કામ કરતા સંદિપભાઇએ જણાવ્યું કે રણમાં અંદાજે 20થી વધુ સોલાર પેનલો જોરદાર પવન અને વાવાઝોડા સાથેના વરસાદથી ફંગોળાતા એક એક અગરિયાને અંદાજે એકથી દોઢ લાખ રૂ.નું અણધાર્યું નુકશાન આવતા અનેક અગરિયા પરિવારો પાયમાલ થઇ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.