ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સુરસાગર ડેરી ઝાલાવાડની દૂધ ગંગા તરીકેની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. સુરસાગર ડેરી હાલમાં 725 જેટલી દૂધ સહકારી મંડળીઓ દૂધ ખરીદ કેન્દ્રો દ્વારા દૈનિક સરેરાશ 5.0 લાખ લીટર દૂધ સંપાદન કરે છે. ત્યારે સુરસાગર ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 20નો વધારો કરાયો છે. ટુંકા ગાળામાં જ બીજી વખત દૂધના ખરીદ ભાવમાં વધારો કરાતા પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
સુરસાગર ડેરી દૈનિક સરેરાશ 5.0 લાખ લીટર દૂધ સંપાદન કરે છે
ભારત વિશ્વમાં સૌથી વધારે દૂધનું ઉત્પાદન કરતો દેશ છે. સહકારી ધોરણે દૂધના વ્યવસાયમાં ગુજરાતનું નામ મોખરે છે. ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સુરસાગર ડેરી ઝાલાવાડની દૂધ ગંગા તરીકેની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. સુરસાગર ડેરી હાલમાં 725 જેટલી દૂધ સહકારી મંડળીઓ દૂધ ખરીદ કેન્દ્રો દ્વારા દૈનિક સરેરાશ 5.0 લાખ લીટર દૂધ સંપાદન કરે છે. દર દસ દિવસે 20 કરોડ રૂપિયા સુરસાગર ડેરી દ્વારા ગામડાના દૂધ ઉત્પાદકોને દૂધ ખરીદ કિંમત પેટે ચુકવવામાં આવે છે. પશુપાલન દ્વારા જિલ્લામાં 1.25 લાખ જેટલા કુટુંબોને રોજગારી ઉપલબ્ધ થાય છે.
ટુંકા ગાળામાં બીજી વખત દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો
જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ઘાસચારાના તથા ખાણદાણના ભાવમાં તીવ્ર વધારાના કારણે દૂધ ઉત્પાદક પશુપાલકોની હાલત ખુબ જ કફોડી થઇ છે. આવા કપરા સંજોગોમાં પશુપાલકોને મદદરૂપ થવા માટે દૂધ સંઘના ચેરમેન બાબા ભરવાડ તથા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા તા. 11-6થી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂા.20નો વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ ટુંકા ગાળામાં બીજી વખત દૂધના ખરીદ ભાવમાં વધારો કરી કુલ પ્રતિ કિલો ફેટે રૂા. 30નો વધારો કરવામાં આવ્યો છે. દૂધના ખરીદ ભાવ વધતા સમગ્ર ઝાલાવાડના પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે.
આગામી સમયમાં હજુ વધુ ભાવ ચુકવાય તેવો નિર્ધાર વ્યકત કર્યો
સુરેન્દ્રનગર જિલ્લાના દૂધ ઉત્પાદક પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળે તે માટે દૂધ સંઘના ચેરમેન તથા બોર્ડ ઓફ ડિરેકટરો સતત પ્રયત્નશીલ રહે છે. હજુ પણ આવનારા સમયમાં દૂધ ઉત્પાદકોને શક્ય તેટલા વધુ ભાવ ચુકવાય તેવો દ્રઢ નિર્ધાર વ્યકત કર્યો છે. દૂધ સંઘના સ્વભંડોળમાંથી ચલાવવામાં આવતી મરણોતર સહાય યોજના અંતર્ગત વર્ષ 2021-22માં કુલ 367 ગ્રાહકોના વારસદારોને રૂા.1,63,45,000 તથા ચાલુ વર્ષ 2022-23માં અત્યાર સુધીમાં 53 ગ્રાહકોના વારસદારોને રૂા.23,85,000ની મરણોતર સહાય ચૂકવી દૂધ સંઘના ચેરમેન બાબા ભરવાડ તથા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.