હાલમાં ગરમ મસાલા ભરવાની સિઝનમાં લોકો આખા વર્ષ માટે મસાલા ભરતા હોય છે. પરંતુ હાલમાં મરી મસાલાના ભાવમાં કમ્મરતોડ વધારો થતા ગરીબ અને મધ્યવર્ગ સાથે ગૃહિણીઓના બજેટને અસર કરી રહ્યો છે. ગત વર્ષ દરમિયાન થયેલા માવઠા સહિતના કારણોને લીધે મરચા, હળદર, ધારાજીરૂ સહિતના પાકને અસર થતા મસાલામાં રૂ. 50 થી લઇને રૂ. 210 નો વધારો થયો છે.
જેની સામે બજારમાં પણ હાલ 30 થી 40 ટકા જેટલી ખરીદી ઘટી ગઇ છે. ત્યારે દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 35 કરોડથી વધુના મરી મસાલાની ખરીદી થતી હોય છે જેમાં આ વર્ષે 10 ટકાનો વધારો આવતા મહિલાઓના માથે મરી મસાલાની ખરીદીનું રૂ.3.5 કરોડથી વધુનુ ભારણ વધ્યું છે .
આ વર્ષે હિંગનો પાક નિષ્ફળ ગયો હોવાનું બહાર આવ્યુ છે. જેના કારણે હિંગના ભાવમાં રૂ. 140 થી 150નો વધારો જોવા મળ્યો છે. આમ ભાવ વધારા સાથે હિંગ પણ જાણે કિંગ બની હોય તેવા ઘાટ સર્જાયો છે.કરીયાણા વેપારી એસો.ના પ્રમુખે જણાવ્યું મસાલામાં કિલોએ 5 થી 10 ટકા ભાવનો વધારો થયો છે.
જેની સીધી અસર મરી મસાલાની ખરીદી પર થતા હાલ 30 થી 40 ટકા ખરીદીની ઘટ વર્તાઇ છે. આ વર્ષે બજારમાં મરી મસાલાની આવક પણ ઘણી ઓછી છે. પ્રોડક્શન ઘટતા માલ આવવાનો ઓછો થતા બજારમાં માલની શોર્ટેજ છે. જેથી ભાવમાં વધારો થયો હોવાનું અમારૂ માનવુ છે. આથી લોકો તાજુ બનાવાયેલ ઉપયોગમાં લેતા થયા અને જે 12 માસના મસાલા ભરતા તેમને ન પોષાય તો કાપ મુકી થોડા થોડુ કરી લઇ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.