આ વર્ષે મોરબી જિલ્લામાં ખેતીનો ગઢ ગણાતા હળવદ પંથકમાં વરિયાળીનું મબલખ વાવેતર થયું છે. ત્યારે આજે બુધવારે હળવદ યાર્ડમાં વરિયાળીના ભાવમાં પ્રતિ એક મણે રૂપિયા 100થી વધુનું ગાબડું પડતા ખેડૂતો રોષે ભરાયા હતા અને હરાજી અટકાવી દેતા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દોડતા થયા હતા. જેમાં ખેડૂતો સાથે સમજાવટ બાદ મામલો થાળે પાડી વરિયાળી સિવાયની હરાજી પુન: શરૂ કરાવી હતી.
સૂત્રો અનુસાર નર્મદા કેનાલને કારણે લીલી નાઘેરમાં ફેરવાયેલા હળવદ પંથકમાં આ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં વરિયાળીનું વાવેતર કર્યું છે. ઉપરાંત સારી ક્વોલિટીની વરિયાળી ઉત્પન્ન થતા ખેડૂતોને સારા ભાવ મળવાની આશાએ હળવદ યાર્ડમાં દરરોજ 15 હજારથી 17 હજાર બોરી વરિયાળી ઠાલવવામાં આવી રહી છે. જેમાં ખેડૂતોને પ્રતિમણ વરિયાળીના રૂપિયા 1800થી 2100 જેટલા ભાવ મળી રહ્યા હતા.
દરમિયાન આજે સવારે હળવદ માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીની હરાજી શરૂ થતા જ વરિયાળીના ભાવમાં રૂપિયા 100ના ગાબડાં સાથે 1800ના ભાવે બોલી બોલવામાં આવતા પસીનો પાડી વરિયાળીની ખેતી કરતા ખેડૂતો રોષે ભરાયા હતા. તેમજ તમામ જણસોની હરાજી અટકાવી દેતાં હળવદ યાર્ડના સેક્રટરી સહિતના આગેવાનો દોડતા થયા હતા.
ઉલ્લેખનીય છે કે વરિયાળીનું મુખ્ય પીઠ્ઠુ ગણાતા ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં હાલમાં સારી ક્વોલિટીની વરિયાળી રૂપિયા 1900થી 3900ના ભાવે વેચાઈ રહી છે. ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના શોષણ સમાન નીચા ભાવે વરિયાળી પડાવી લેવામાં આવતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો. જો કે આજે હળવદ યાર્ડમાં વરિયાળીની હરાજી અટકાવી દેવામાં આવી છે અને આવતીકાલે ફરી હરાજી શરૂ કરાશે તેવું યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.