વિકાસ:વર્ષ પહેલાં બનેલી સંયુક્ત પાલિકા વર્ષ પછી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બને તેવી રાજકીય અટકળો તેજ થઈ

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • લીંબડીમાં રવિવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વ્યક્ત કરેલી લાગણી 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં સાકાર થઈ શકે!

સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકાને એક કરીને સંયુક્ત નગરપાલિકા બનાવી દીધા બાદ સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા બનાવવાની અટકળો તો વહેતી થઈ હતી ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રવિવારે લીંબડીમાં કરેલા નિવેદનથી આ મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. મહાનગરપાલિકાની જાહેરાત થાય તો શહેરમાં વિકાસ ખૂબ ઝડપી બને પરંતુ સાથેસાથે જનતાને ટેક્સનું ભારણ પણી વધી જાય છે. વર્તમાન સમયે ભાજપ અને કૉંગ્રેસ બંને મહાનગરપાલિકા બને તેને સમર્થન આપે છે ત્યારે આગામી સમયમાં નાયબ મુખ્યમંત્રીની જાહેરાત સાચી પડે તેવી વાતો વહેતી થઈ છે.

22 જૂન 2020એ સંયુક્ત પાલિકા બની હતી
સુરેન્દ્રનગર અને વઢાવણ બે જોડિયા શહેરોની અલગ અલગ નગરપાલિકાઓ હતી, જેમાં સુરેન્દ્રનગર એ ગ્રેડની અને વઢવાણ બી ગ્રેડની પાલિકા હતી. આથી આ બંને પાલિકા એક કરી સંયુક્ત પાલિકા તા. 22-6-20એ જાહેર કરવામાં આવી હતી. ત્યારથી સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા તરીકે ઓળખાય છે. આ 13 વોર્ડની સંયુક્ત પાલિકામાં ભાજપે બહુમતી સાથે ચૂંટણીમાં લોકમત મેળવી હાલ શાસન સંભાળી રહ્યા છે ત્યારે લીંબડીમાં શહેરીજન સુખાકારી દિવસ નિમિત્તે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સુરેન્દ્રનગર પાલિકા મહાનગરપાલિક બની શકે તેવું શહેર હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં સંયુક્ત પાલિકાને મહાનગરપાલિકા જાહેર કરે તેવી અટકળો રાજકીય વર્તુળોમાં વહેતી થતાં રાજકીય ગરમાટો ફેલાયો છે. બીજી તરફ લોકોને મહાનગરપાલિકા બને તો શું ફાયદા અને શું નુકસાની અને ટેક્સમાં કેટલો વધારો કે ઘટાડો થાય તે સહિત જાણવાણી ઉત્સુકતા જોવા મળી રહી છે.

કાંપ સ્ટેશનથી સંયુક્ત પાલિકા બનવા સુધીની તવારીખ

 • વઢવાણ સ્ટેટની આ જગ્યાને 1864માં કર્નલ હોવેઇના સુચનથી વઢવાણ સિવિલ સ્ટેશન માટે પસંદગી થતા પોલિટીકલ એજન્ટ કર્નલ કિટીઝે ભાડે પટ્ટે આ જમીન લીધી
 • સુરેન્દ્રનગરની સ્થાપના 1854માં થઇ હતી જે વઢવાણ કેમ્પ કે સીવીલ સ્ટેશન તરીકે જાણીતુ હતુ બ્રિટિશ પોલિટિકલ એજન્ટનું વડુંમથક હતું.
 • 1872માં કાર્યમથકે ગામડાના લોકો રોજગાર માટે આવવા લાગતા શહેર આકાર લેવા લાગ્યું.
 • 1946માં વઢવાણના રાજા સુરેન્દ્રસિંહજીના હાથમાં સોંપાતા 1947માં નવુનામકરણ સુરેન્દ્રનગર કરાયું હતું.
 • 1949માં સુરેન્દ્રનગરમાં પ્રથમ વાર રતનપર અને જોરાવરનગર અને સીમા પાસેના દુધરેજ ગામ જોડીને સુ.નગર-દુધરેજ પાલિકા બનાવાઈ.
 • તા-22-6-2020ના રોજ સુરેન્દ્રનગર-દુધરેજ પાલિકામાં વઢવાણ પાલિકા જોડી સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકા બનાવાઇ

મહાનગરપાલિકા બને તો લોકોને આટલા લાભો મળે

 • ચિફઓફિસરના સ્થાને આઇએએસ કક્ષાના કમીશ્નરની નિમણુંક થાય
 • પાલિકા પ્રમુખના સ્થાને મેયર સત્તા સંભાળે
 • રાજ્યની અને કેન્દ્રની મળતી ગ્રાન્ટોમાં વધારો થાય, વર્લ્ડ બેંકમાંથી ગ્રાન્ટ મળે
 • નવી ટાઉનપ્લાની઼ગ બનતા ટાઉન ફરતી વિકતા છેવાડાના વિસ્તારમાં વિકાસ થાય
 • પાણી, રસ્તા, સ્ટ્રીટલાઇટ, ગટર જેવી પ્રાથમિક સુવિધા સહિતની સુવિધામાં વધારો થાય
 • મહાનગરપાલિકા બનતા નવીઇન્ડસ્ટ્રીઝ અને રોકાણો આવતા રોજગારી વધે
 • શહેરમાં ગેરકાયદેસરપ્રવૃતિ, દબાણો હટાવવા સહિતના નિર્ણય અને કાર્યવાહીમાં ઝડપી થાય

કોઈ રજૂઆત કરાઈ નથી પણ સરકાર જાહેર કરે તો આવકાર્ય છે
સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકા પ્રમુખ વિરેન્દ્ર આચાર્યએ કહ્યું- સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિક એ ગ્રેડની નગરપાલિકા છે. મહાનગરપાલિકા જાહેર થાય તો ગ્રાન્ટ વધુ આવે, આઇએએસ કક્ષાના કમિશનર મળે. મહાનગરપાલિકામાં ટેક્સમાં વધારો થાય. મહાનગરપાલિકા માટે 3 લાખથી વધુની વસ્તી જોઈએ. સંયુક્ત પાલિકાની વસ્તી 3 લાખથી વધુ થાય છે. હાલ સંયુક્ત પાલિકાને 6 માસ જેટલો સમય થયો છે મહાનગર પાલિકા અંગે કોઇ રજૂઆત કરી નથી. જો સરકાર જાહેર કરે તો તે આવકાર્ય છે.

મહાનગરપાલિકા જાહેર થાય તો સારી વાત છે પણ વાયદો પૂરો કરે તો સારું
સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડે કહ્યું- અગાઉ વડાપ્રધાન આવ્યા ત્યારે ઝાલાવાડને કોટન હબ બનાવવાનું કહ્યુ પણ હજુ સુધી કાંઈ થયું નથી એટલે એ વાત માત્ર વાયદો બનીને રહી ગઈ છે. ભાજપ માત્ર વાયદા કરી લોકોને ગેરમાર્ગે દોરે છે. હાલ નાયબ મુખ્યમંત્રીએ મહાનગરપાલિકા બની શકે તેમ કહ્યું તે સારી વાત છે. સંયુક્ત પાલિકાને જો સરકાર મહાનગરપાલિકા જાહેર કરે તો વિકાસનાં કામો ઝડપી થાય અને નવા પ્રોજેક્ટ આવે પરંતુ તે વાત વાયદો માત્ર ન રહેવી જોઈએ. અને મહાનગરપાલિકાને વર્ધમાન મહાનગરપાલિકા નામ આપવા માંગ છે.