ચોટીલામાં બેસ્ટ આંગડિયા પેઢીના માલિકની આંખમાં મરચાંની ભૂકી નાખીને રૂ. 79.67 લાખની લૂંટ કરવાના ચકચારી ગુનાનો એલસીબી ટીમે ભેદ ઉકેલી નાખ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીને પકડી લેવાયા છે જ્યારે ભાગતા ફરતા 1 આરોપીને પકડવા દોડધામ ચાલુ છે. આરોપીઓ પાસેથી કુલ રૂ. 44.03 લાખથી વધુની રોકડ સાથે રૂ. 44.76 લાખનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.
આ ઘટનામાં પોલીસ પાસે કોઈ મહત્ત્વની કડી નહોતી પરંતુ ફરિયાદીએ કહ્યું હતું કે આંખમાં ભૂકી નાખ્યા બાદ મેં પ્રતિકાર કર્યો ત્યારે ‘અય થેલો મૂકી દે નહીંતર ભડાકે દઈશ’ તેવું બોલવાની સ્ટાઇલ અને કૅમેરામાં કેદ થયેલા મુખ્ય આરોપીના બાઇક ઉપર લગાવેલી સ્ટીલની ડિકીના સહારે જ એલસીબીએ જીવ સટોસટની બાજી લગાવીને મુખ્ય આરોપીને સાળંગપુર મંદિરના દરવાજા પાસેથી પકડી લીધો હતો.
પોલીસને જોઈને આરોપીએ ભાગવા પ્રયાસ કર્યો હતો પરંતુ સંપૂર્ણ તૈયારી સાથે આવેલી પોલીસે રીતસરની બાથ ભીડીને આરોપીને પકડી લીધો હતો. બાદમાં એક પછી એક આરોપીને ઉપાડીને ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
આરોપીઓનાં નામ, ભૂમિકા
કાળાસરમાં હિંગળાજ માતાના મંદિર પાસે લૂંટની રકમના સરખા ભાગ કર્યા
આરોપીઓએ લૂંટ કરીને જલારામ મંદિર પાસેના રસ્તાથી સર્કિટ હાઉસ થઈને કાળાસર પહોંચ્યા હતા. જ્યાં હિંગળાજ માતાના મંદિર પાસેના ડુંગર પર બેસીને પહેલાં પૈસા ગણ્યા હતા. બાદમાં 5 સરખા ભાગ કર્યા હતા, જેમાં દરેકને ભાગ રૂ. 15.70 લાખ ભાગમાં આવ્યા હતા. ભાગ પાડીને તમામ પોતાની રીતે અલગ થઈ ગયા હતા.
પોલીસે સારી કામગીરી કરી છે, ઇનામ આપીશું
‘સુરેન્દ્રનગર પોલીસે ટીમવર્કથી ખૂબ સારી સફળતા મેળવી છે. આવડી મોટી લૂંટની ઘટના અને આટલા મોટા અને તે પણ લૂંટ કરીને ભાગનાર ગુનેગારને પકડીને રોકડ રકમ રીકવર કરી છે ત્યારે પોલીસની સારી કામગીરીને ઇનામ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરાશે.
100 જગ્યાના CCTV ફૂટેજ, 800 મોબાઇલ નં. ચેક કરવા પોલીસે 12 કલાકની મહેનત કરી
આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં અમુક ટીમ ફિલ્ડમાં ફરતી હતી પરંતુ એક ટીમ એવી હતી કે જેમણે બનાવના સ્થળથી લઈને જુદી જુદી 100થી વધુ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને 800થી વધુ મોબાઇલ નંબર ચેક કરવા માટે દિવસના 12 કલાક સુધી મહેનત કરી હતી.
16 વર્ષથી ભાગતા આરોપીનો કોઈ પાસે સંપર્ક નંબર કે ફોટો પણ નહોતો
મુખ્ય આરોપી લખુ આજીવન કેદમાં 10 વર્ષથી જેલમાં હતો. ત્યાર બાદ પેરોલ જમ્પ કરીને 6 વર્ષથી પેરોલ જમ્પ કરીને ભાગતો ફરતો હતો. દરમિયાન પણ હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી અને દારૂ જેવા ઘણા ગુના આચર્યા હતા. 16 વર્ષથી બહાર હોઈ આરોપીનો તાજેતરનો ફોટો કે સંપર્ક નંબર કોઈની પાસે નહોતો. પરંતુ એક મોબાઇલ નંબરને આધારે પોલીસ આરોપી સુધી પહોંચી.
થેલામાં 4 દિવસનાં કપડાં ભરીને પોલીસે બોટાદ પંથકમાં ધામા નાખ્યાં હતાં
જે આરોપીને પકડવા જતા હતા તે પોતાની પાસે કાયમ હથિયાર રાખતો હતો અને હાલ તે બોટાદ અને ચોટીલા વચ્ચે ફરતો હોવાની વિગતો મળી હતી. સ્કૂટરની ડિકીમાં કપડાં રાખવાં, એક જગ્યાએ વધુ સમય ન રોકાવું અને રાત્રીના સમયે કોઈ અવાવરૂં જગ્યામાં સૂઈ જવાની આદત ધરાવતા આરોપીને પકડવા માટે પોલીસે હથિયારોથી સજ્જ થઈને થેલામાં 4 જોડી કપડાં નાખીને બોટાદમાં ધામા નાખ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.