કોરોનાની અસર!:ઘૂડખર અભ્યારણમાં દર વર્ષની સરખામણીએ પ્રવાસીઓની સંખ્યા ઘટી, દિવાળી વેકેશનમાં ફક્ત 600 પ્રવાસીઓએ મુલાકાત લીધી

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘૂડખર અભ્યારણમાં દર વર્ષની સરખામણીએ પ્રવાસીઓની સંખ્યા ઘટી - Divya Bhaskar
ઘૂડખર અભ્યારણમાં દર વર્ષની સરખામણીએ પ્રવાસીઓની સંખ્યા ઘટી
  • ઘૂડખર અભ્યારણ્યમાં બે નવી ચેકપોસ્ટ શરૂ કરાઈ તેમજ ગાઇડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી
  • કોરોનાના ડરથી પ્રવાસીઓ ઘટ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું

સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં આવેલા સુપ્રસિદ્ધ ઘુડખર અભ્યારણ્ય કોરોના કાળમાં બે વર્ષ બંધ રહ્યો હતો. જે બાદ તાજેતરમાં પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જોકે, અગાઉની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સખ્યાં ઘટી છે. ફોરેસ્ટ વિભાગે પ્રવાસીઓની સુવિધા માટે બે નવી ચેકપોસ્ટ શરૂ કરવાની સાથે ગાઈડની સેવા પણ ઉપલબ્ધ કરાવી છે.

આ અંગેની વિગત મુજબ કચ્છના નાના રણમાં 5000 ચો.કિ.મીના એરીયામાં ફેલાયેલા ઘુડખર અભ્યારણ્યમાં 6 હજારથી વધારે ઘુડખરો વસવાટ કરે છે. આ દુર્લભ પ્રાણીને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. પ્રવાસીઓ રણ સફારીની મોજ માણતા હોય છે. જોકે, કોરોનાના કારણે બે વર્ષ સુધી અભ્યારણને બંધ રાખવામાં આવ્યું હતું. જે બાદ તાજેતરમાં પ્રવાસીઓ માટે અભ્યારણને ખુલ્લા મુકાયું છે. ત્યારે આ અભ્યારણ્યમાં દિવાળી દરમિયાન અંદાજે 600 પ્રવાસીઓએ મુલાકાત કરી હતી.

દર વર્ષ કરતા પ્રવાસીઓની સંખ્યા આ વખતે ઓછી હોવાનું જાણકારોનુ માનવુ છે. કોરોનાના ડરથી પ્રવાસીઓ ઘટ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ બાબતે બજાણા આર.એફ.ઓ. અનિલ રાઠવાએ જણાવ્યું હતું કે, કોઈ પ્રવાસી પરમીટ લીધા વિના રણમાં ન જાય અને કેટલા પ્રવાસીઓ રણમાં ગયા છે તેની માહિતી ઉપલબ્ધ રહે તે માટે આ વર્ષે બજાણા ચેક પોસ્ટ ઉપરાંત ખારાઘોડા અને જૈનાબાદમાં પણ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવ્યાં છે. તેમજ પ્રવાસીઓને ગાઈડની જરૂર હોય તો નિયત ફી ભરવાથી ગાઈડની સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, રણ વિસ્તારમાં પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે વન વિભાગ દ્વારા પુરી તકેદારી રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...