પક્ષીના મોતનું કારણ શું?:મોરબીના હળવદના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ દિવસમાં 20થી વધુ હોલા પક્ષીના ભેદી મોત

સુરેન્દ્રનગર/હળવદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ દિવસમાં 20થી વધુ હોલા પક્ષીના ભેદી મોત - Divya Bhaskar
હળવદના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ દિવસમાં 20થી વધુ હોલા પક્ષીના ભેદી મોત
  • હોલાના મોત અંગે પશુપાલન વિભાગને જાણ કરવામા આવી

મોરબીના હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી શાંત અને ગભરુ પક્ષી ગણાતા હોલના ભેદી રીતે ટપોટપ મોત થઈ રહ્યા છે. ગળાના ભાગે સોજો આવ્યા બાદ મોતને ભેટી રહેલા હોલા અંગે પશુપાલન વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ખાસ કરીને માલણીયાદ ગામની સીમમાં હોલા પક્ષીના ભેદી રીતે ટપોટપ મોત થઈ રહ્યા છે. માલણીયાદ ગામની સીમમાં આવેલ મેલડી માતાજીના મંદિરના મહંતના જણાવ્યા પ્રમાણે મંદિરની જગ્યામાં લીલોતરી અને ઘટાટોપ વૃક્ષો હોવાથી અનેક પક્ષીઓ આશ્રય લ્યે છે જેમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી હોલા પક્ષી અચાનક જ મોતને ભેટી રહ્યા છે.

બીજી તરફ મંદિરના મહંત દ્વારા હોલા પક્ષીઓના મોત અંગે પશુપાલન વિભાગને જાણ પણ કરવામાં આવી છે. જો કે, પશુપાલન વિભાગે સ્થળ તપાસ કરવાને બદલે હોલના મૃતદેહને હળવદ ખાતે મોકલી આપવા રોકડો જવાબ પરખાવી દીધો હોવાથી પ્રકૃતિ પ્રેમીઓમાં કચવાટ જાગ્યો છે.

જો કે, પશુપાલન વિભાગની ઢીલી નીતિને કારણે હાલ તો હોલા પક્ષીના મોત અંગેનું રહસ્ય ઉકેલાયું નથી ત્યારે સીમ વિસ્તારમાં ઝેરી પદાર્થ ચણવાથી કે પછી કોઈ ભેદી રોગચાળાથી હોલાના મોત થઈ રહ્યા હોવાનું મનાય રહ્યું છે. નોંધનીય છે કે શિયાળામાં બર્ડ ફ્લુનો ખતરો વધતો હોય હોલા પક્ષીના ટપોટપ મૃત્યુ નિપજવા મામલે તપાસ થવી અત્યંત જરૂરી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...