આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા લોકો પોતાના ઘરનું ઘર બનાવે તે માટે સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવી છે. જેમાં આ યોજનામાં સામેલ થયેલા વઢવાણના 121 લાભાર્થીને મકાન બનાવવા માટે પહેલા હપ્તાના રૂ.30 હજાર ચૂકવી આપ્યા હોવા છતા લાભાર્થીઓએ મકાન બનાવવાનું ચાલુ નહીં કરતા સંયુક્ત પાલિકાએ આવા લાભાર્થીઓને પૈસા પરત કરવા માટે નોટિસ ફટકારી છે.
સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે લોકો પાસે પોતાની માલિકીનો પ્લોટ છે પરંતુ તેના ઉપર બાંધકામ કરીને મકાન બનાવવાની આર્થિક સગવડતા નથી તેવા લોકોનો સરવે કરીને તેમને આ યોજનામાં મકાન બનાવવા લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં કુલ 1074 લોકોના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
જે અંતર્ગત તમામ લાભાર્થીઓને મકાનનું કામ ચાલુ કરવા માટેનો પહેલો હપ્તો રૂ.30 હજારનો સંયુક્ત પાલિકાએ ચૂકવી આપ્યો હતો. જે પૈકી મોટાભાગના લોકોએ પોતાના પ્લોટમાં મકાન બનાવવાની શરૂઆત કરી દીધી છે. અમુક મકાન તો પૂર્ણ થવા આવ્યા છે.પરંતુ 121 લાભાર્થી એવા છે જેમણે પાલિકાએ આપેલો રૂ.30 હજારનો પહેલો હપ્તો તો લઇ લીધી છે પરંતુ મકાન બનાવવાની કામગીરી હાથ ધરી નથી.
આવા લાભાર્થીઓની યાદી તૈયાર કરીને પાલિકાએ તેમને નોટિસ ફટકારીને મકાનનું કામ ચાલુ કરવા માટે તાકીદ કરી છે. તેમ છતાં જો મકાનનું કામ ચાલુ કરવામાં ન આવે તો પૈસા પરત કરવા પણ સૂચના અપાઈ છે. પરંતુ લાભાર્થીઓ પાલિકાએ આપેલી આવી 3 નોટિસને ઘોળીને પી ગયા છે. આથી જ પાલિકા હવે આ લાભાર્થીઓ સામે કાયદેસર કાર્યવાહી કરશે. અને આથી પૈસા લઇને મકાન ન બનાવનાર લોકોમાં દોડધામ મચી છે.
મકાનનું કામ કરે તેમ હપ્તાની રકમ ચૂકવવાની હોય છે
આ યોજનામાં લાભાર્થી જેમ જેમ પોતાના મકાનનું કામ ચાલુ કરે એટલે તેમને તે મજુબના પૈસા આપવામાં આવે છે.પહેલા રૂ.30 હજારના હપ્તાથી કામ ચાલુ કરવાનું હોય છે. પછી પ્લિન્થ, લિન્ટર, ધાબુ એમ જેમ જેમ કામ થાય તેમ પૈસા ચૂકવવામાં આવે છે.
પૈસા પરત નહીં કરે તો પોલીસ કેસ કરવાની જોગવાઇ
વઢવાણમાં જે લોકોએ પહેલો હપ્તો લીધા બાદ મકાનનું કામ ચાલુ નથી કર્યું તેમને નોટિસ આપવામાં આવી છે. અને પૈસા પરત કરવા તાકીદ કારાઇ છે. 3 નોટિસ આપવા છતા પૈસા પરત નથી કર્યાં. આથી નિયમ અનુસાર લાભાર્થીઓ સામે પોલીસ કેસ પણ થઇ શકે છે. > રાકેશભાઇ રાડીયા, ચીફ ઓફિસર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.