રાહત:લાપતા હેડ કોન્સ્ટેબલ નાટ્યાત્મક રીતે 3 દિવસે વાછડાદાદાનાં દર્શન કરી પાછા ફર્યા

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીમાં રજા ન મળવાની હોવાથી બાધા પૂરી કરવા કોઈને કહ્યા વિના ગયા હતા

વઢવાણ પોલીસ મથકમાંથી જ હેડ કોન્સ્ટેબલ લાપતા થતાં અને તેમના પિતાએ પીએસઆઇ સામે આક્ષેપો સાથે રજૂઆત કરતાં ચકચાર ફેલાઈ હતી. આ બનાવમાં વળાંક આવતાં ખુદ હેડ કોન્સ્ટેબલ પાટડીના રણમાં આવેલા વાછડાદાદાનાં દર્શન કરીને પરત ફરતાં પરિવાર સાથે પોલીસ તંત્રે પણ રાહતનો દમ લીધો હતો.વઢવાણ પોલીસ મથકમાંથી 7 નવેમ્બરને સોમવારે રાત્રે અંદાજે 8.15 કલાકે હેડ કોન્સ્ટેબલ રણજિતસિંહ દિપસંગભાઈ સોલંકી લાપતા થયાની ઘટનાથી ચકચાર ફેલાઈ હતી. આ મામલે વઢવાણ પીએસઆઇ પર આક્ષેપો સાથે જિલ્લા પોલીસવડાને દિપસંગભાઈ સોલંકીએ રજૂઆત કરી હતી.

પરંતુ બુધવારે રાત્રે અંદાજે 9 કલાકે રણજિતસિંહ પરત ફરતાં પરિવાર તેમજ પોલીસ તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. આ બાબતે રણજિતસિંહના સીપીઆઇ સમક્ષ નિવેદનો પણ લેવામાં આવ્યાં હતાં, જેમાં તેમણે જણાવ્યું કે મારે બાધા હોવાથી પાટડી રણમાં આવેલા વછડાદાદાનાં દર્શને જવું હતું. અને ફોન મારી જોડે હતો તે પણ સ્વિચ ઑફ થઈ ગયો હતો. ચૂંટણી સમયે રજા પર પ્રતિબંધ હોવાથી મને રજા નહીં મળે, તેવું વિચારીને કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. મારા પપ્પાએ પીએસઆઇ વિરુદ્ધ રજૂઆત કરી તેની મને જાણ નહોતી અને પીએસઆઇનો કોઈ ત્રાસ નથી.

અમારા જમાદાર હેમખેમ પાછા આવી ગયા, તે સારી બાબત
અત્યારે રજા પર પ્રતિબંધ છે ત્યારે હેડ કોન્સ્ટેબલ મનસ્વી રીતે રજા લીધા વગર નીકળી ગયા હતા તે વ્યાજબી ન કહેવાય. અમારા જમાદાર હેમખેમ પાછા આવી ગયા તે સારી બાબત છે. આ બનાવમાં અમારા ઉપર અધિકારી હેડ કોન્સ્ટેબલ સામે જે કાર્યવાહી કરશે, તે માન્ય રહેશે. - ડી. ડી. ચુડાસમા, પીએસઆઇ, વઢવાણ

દીકરાએ ફોન ચાલુ કર્યો તો સંપર્ક થયો
દિપસંગભાઈએ પોલીસ સમક્ષ લખાવેલા નિવેદન પ્રમાણે દીકરાએ વછડાદાદાએ જઈને ફોન ચાલુ કર્યો ત્યારે તેનો સંપર્ક થયો હતો. દીકરો ઘરે આવ્યો તો પૂછ્યું કે શું થયું હતું તો કહ્યું કે વાછડાદાદાએ પગપાળા જવાની ટેક હતી. પીએસઆઇ સામે અમારે કોઈ વિરોધ કે કાંઈ નથી. અમારો દીકરો આ મથકમાં નોકરી કરવા લાગી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...