કફોડી હાલત:ભોજનને મીઠા દ્વારા સ્વાદિષ્ટ બનાવતા અગરિયાઓના જીવનમાં હવે ખારાશ આવી

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
સુરેન્દ્રનગરના રણમાં 15 દિ'માં બીજી વખત વરસાદ ખાબકતા અગરિયાઓ પાયમાલ
  • સુરેન્દ્રનગરના રણમાં 15 દિ'માં બીજી વખત વરસાદ ખાબકતા અગરિયાઓ પાયમાલ
  • મીઠું પકવતા અગરિયાઓનો મોઢામાં આવેલો કોળીયો ઝુંટવાયો
  • કોરોનાની કહેર વચ્ચે માંડ બેઠા થયેલા મીઠા ઉદ્યોગની કમર તૂટી

દેશના કુલ મીઠા ઉત્પાદનનું 70% મીઠું તો એકમાત્ર ગુજરાતમાં પાકે છે. જેમાંનું 35% મીઠું તો સુરેન્દ્રનગર જીલ્લાને અડીને આવેલા કચ્છના નાના રણમાં પાકે છે. ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં અત્યાર સુધીમાં અંદાજે 10 લાખ મેટ્રિક ટન મીઠું તો રણમાંથી ખેંચીને ખારાઘોડા ગંજે આવી પણ ગયું છે. જ્યારે હજી પણ રણમાં અંદાજે 2 થી 2.5 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં છે. એવામાં 15 દિ'અગાઉ 'તાઉ-તે' વાવાઝોડાના પગલે ઝીંઝુવાડા રણમાં, ધ્રાંગધ્રાના કૂડા રણમાં અને ખારાઘોડા રણમાં મુશળધાર વરસાદ ખાબકતા ઝીંઝુવાડા રણમાં 100થી વધુ મીઠાના પાટામાં વરસાદી પાણી ફરતા અગરિયા પરિવારોની રાત-દિવસની અથાગ મહેનત પર પાણી ફરી વળ્યું હતુ. જેમાં અગરિયાઓને લાખોનું નુકસાન આવતા મીઠું પકવતા અગરિયાઓ પાયમાલ છે.

વરસાદી પાણી ફરી વળતા અગરિયાઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

દેશના લોકોના ભોજનને મીઠા દ્વારા સ્વાદિષ્ટ બનાવતા અગરિયાઓના જીવનમાં હવે ખારાશ આવી ગઇ છે. ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં આ વર્ષે અંદાજે વિક્રમ જનક 14 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થયું છે. જેમાંથી અત્યાર સુધીમાં અંદાજે 10 લાખ મેટ્રિક ટન મીઠું તો ખારાઘોડા અને ઝીંઝુવાડામાં ગંજે આવી પણ ચુક્યું છે. એવામાં 15 દિ'અગાઉ ગુજરાત પર ત્રાટકેલા 'તાઉ-તે' વાવાઝોડાના પગલે રણમાં બે દિવસથી ખાબકેલા વરસાદના પગલે મીઠું પકવતા અગરિયાઓના પાટામાં વરસાદી પાણી ફરી વળતા અગરિયાઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. વેરાન રણ ભારે વરસાદના કારણે મીની સમુદ્રમાં ફેરવાઇ જતાં રણમાં આવવા-જવાનો રસ્તો ઠપ્પ થઇ જવા પામ્યો હતો.

વેપારીઓએ ટ્રેક્ટર લઇને રણમાં જઇને સ્થિતીની સમીક્ષા કરી

આ કુદરતી પ્રકોપનો સામનો કરીને માંડ બેઠા થયેલા અગરીયા સમુદાયને ફરી ગત રાત્રે વાવાઝોડા સાથે મુશળધાર વરસાદનો સામનો કરવાની નોબત આવી છે. હજી કચ્છના નાના રણમાં 2 થી 2.5 લાખ મેટ્રિક ટન મીઠું પડ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરના રણમાં 15 દિ'માં બીજી વખત વરસાદ ખાબકતા મીઠું પકવતા અગરિયાઓની "પડ્યા પર પાટું મારવાના ઘા" જેવી કફોડી હાલત થવા પામી છે. રણમાં ચિક્કાર પાણી વચ્ચે મીઠાના વેપારીઓએ ટ્રેક્ટર લઇને રણમાં જઇને સ્થિતીની સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...