તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:તાઉતે પછી ખેડૂતોને સરકારનો માર; સહાય નહીં મળે

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના લીંબડી, ચૂડા, સાયલા, ચોટીલા, લખતર અને પાટડી તાલુકામાં વધુ તારાજી છતાં સરવેમાં 15થી 20 ટકા નુકસાન
  • વાવાઝોડાની દિશા બદલાવાથી ફંકાયેલા પવન અને વરસાદને કારણે ખેતીપાકને ઓછું નુકસાન: ખેતીવાડી અધિકારી

ઝાલાવાડમાં સૌરાષ્ટ્ર તરફથી આવેલા તાઉતે વાવાઝોડાને કારણે ખૂબ મોટું નુકસાન થયું હતું. તેમાં ખાસ કરીને ખેતી પાકના નુકસાની સહાય મળવાની ખેડૂતોને આશા હતી. પરંતુ ખેડૂતોની તે આશા ઉપર પાણી ફરી જાય તેવી સ્થિતિ સર્જાઇ છે. જિલ્લામાં થયેલા સરવેમાં ખેતીપાકને 15 થી 20 ટકા જેટલું જ નુકસાન થયાનો અંદાજે આવતા હવે ખેડૂતોને સહાય નહીં મળે. જિલ્લામાં તાઉતે ત્રાટકવાનું હોવાની જાણ થતાની સાથે તંત્ર અને લોકો કામે લાગી ગયા હતા. વાવાઝોડામાં 140ની ઝડપે પવાન ફૂંકાવાની આગાહી કરી હતી. પરંતુ અમરેલી પાસેથી વાવાઝોડુ બે ભાગમાં ફંટાઇ ગયું હતું.

જેમાં લીંબડી અને સાયલા એમ બે બાજુથી વાવાઝોડાએ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. 60થી 70ની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે જિલ્લામાં અનેક વૃક્ષો ધરાશયી થઇ ગયા હતા. અનેક ગામોમાં લાઇટો ડુલ થઇ ગઇ હતી. અને વીજ પોલ પણ મોટી સંખ્યામાં પડી ગયા હતા. જેમાં સમગ્ર જિલ્લામાં ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન થયું હતું. ખાસ કરીને લીંબડી, ચુડા, લખતર, સાયલા, ચોટીલા અને પાટડી જેવા તાલુકામાં વધુ નુકસાન થયું હતું. ખેડૂતોને સહાય આપવા માટે ખેતીવાડી શાખા દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. જેમાં વાવાઝોડાને કારણે 15થી 20 ટકા જેટલું જ નુકસાન થયાનો ખેતીવાડી શાખાએ રિપોર્ટ સરકારને કર્યો હતો.

આથી નિયમ અનુસાર સુરેન્દ્રનગર જિલ્લો સહાય માટે ક્વોલિફાઇડ થયો નથી. જેથી ખેડૂતોને નુકસાનીની સહાય નહીં મળે. જેને લઇને ખેડૂતોમાં રોષ સાથે અસંતોષની લાગણી ફેલાઇ છે.

વાવાઝોડાની અસર ઓછી થતા નુકસાન ઓછું છે
વાવાઝોડુ જે ગતીએ જિલ્લામાં ત્રાટકવાનું હતુ તેની દિશા બદલાઇ ગઇ હતી. આથી જે પવન ફુંકાયો અને વરસાદ થયા તેમાં ખેતી પાકને પ્રમાણમાં ઓછુ નુકસાન થયુ છે. સર્વે પુર્ણ થઇ ગયો છે. સરકારની સહાયની ગાઇડ લાઇનમાં બીજા ઘણા જિલ્લાનો પણ સમાવેશ થયો નથી તેમ આપણે 15 થી 20 ટકા નુકસાન થયુ છે. > એચ.ડી. વાદી,ખેતીવાડી અધિકારી

ખેતરમાં ઉભેલા તલને મોટુ નુકસાન છે તેનું શુ?
વાવાઝોડામાં જે વરસાદ અને પવન ફુંકાયો તેને કારણે ખેતરમાં ઉભેલા તલના ઓઘા પડી ગયા હતા. જેને લઇને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. તો શું આ નુકસાની સર્વેની ટીમને દેખાઇ જ નહી હોય. આ ઉપરાંતુ પણ બીજા પાકને ઘણુ નુકસાન થયુ છે. યોગ્ય રીતે સર્વે કરવો જોઇએ. > હરૂભા ડોડીયા,ખેડૂત

ખેડૂતોને આ નુકસાન પણ મોઘું પડે તેમ છે
ખેતીવાડી શાખાના કર્મચારીઓએ જે સરવે કર્યો તેમાં 15થી 20 ટકા નુકસાની તો બતાવે જ છે. નાના ખેડૂતે કાળી મજૂરી કરીને પાક તૈયાર કર્યો હતો અને તેને આટલું નુકસાન જાય તે ખેડૂત કેવી રીતે સહન કરી શકે. > લગઘીરસિંહ ઝાલા,ખેડૂત

અન્ય સમાચારો પણ છે...