રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસે ટેકાના ભાવથી ઘઉંની સીધી ખરીદીનું આયોજન કર્યું છે. આથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. દ્વારા રૂ. 403ના પ્રતિમણના ભાવે ખરીદી કરવામાં આવનાર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ વાવેતરમાં ખેડૂતોએ આ વર્ષ 46,759 હેક્ટરમાં ઘઉંનુ વાવેતર કર્યુ છે. તાલુકામાં સૌથી વધુ ધ્રાંગધ્રામાં 14500 હેક્ટર અને સૌથી ઓછુ થાનમાં 1158 હેક્ટરમાં વાવેતર થયુ છે.
સુરેન્દ્રનગર નાયબ જિલ્લા મેનેજરની યાદીમાં જણાવ્યા મુજબ ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2022-23માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદીનું આયોજન કર્યું છે. આથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2015 એટલે પ્રતિ મણ રૂપિયા 403ના ભાવથી ગુજરાત ખરીદી કરનાર છે.
આ લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર જિલ્લામાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસીઇ તથા તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉન ખાતે તા.31-3-2022 સુધી કરાશે. જેના માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો 7-12, 8-અની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રિના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.