કોઠારીયા ગામલોકો ખેતી સહિતની મજૂરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે. આ ગામમાં 4500ની વસ્તી વસાવટી કરે છે. કોઇ પણ ધાર્મિક કાર્યના યજ્ઞમાં ગામનો ફાળો અચૂક જોવા મળી રહ્યો છે. તેમાંય વજાબાપાના આશ્રમ થકી થતી અનેક સેવાઓના કારણે આ ગામની નામ પણ દેશ-વિદેશમાં ગૂંજી ઊઠ્યું છે.
વઢવાણ તાલુકાના દૂર કોઠારીયા ગામમાં એક સરકારી તેમજ એક ખાનગી એમ ધો. 1 થી 10 સુધીના અભ્યાસ માટે કુલ બે શાળાઓ જ આવેલી છે. તેમ છતા 10 બાદ કારર્કિદીને ઉજ્જવળ બનાવવા માટે ગામના યુવાનો સુરેન્દ્રનગર સહિતના સ્થળોએ અભ્યાસ માટે દોટ લગાવી રહ્યા છે.
જેના કારણે હાલમાં પણ આ ગામમાં 10 પોલીસકર્મી, તલાટી, આર્મી, રેલવે, શિક્ષક સહિતની જગ્યાઓ પર અંદાજે 30 જેટલા યુવાનો ફરજ બજાવીને ગામનું નામ રોશન કરી રહ્યા છે. બીજી આ ગામની ખાસ વાત એ છે કે, વજાબાપાના 42 વર્ષથી રામરોટી અન્નક્ષેત્ર આશ્રમની અનેક સેવા થકી ગામની સુવાસ દેશ-વિદેશમાં ફેલાઇ છે.
આ આશ્રમમાં 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ હોવાથ સવારે શુદ્ધ ઘીનો શીરો, દાળ-ભાત, શાક-રોટલી-રોટલા તેમજ રાત્રે રોટલી, રોટલા, ખીચડી-કઢી અને દૂધ પીરસવામાં આવતા અનેક લોકોમાં આશિર્વાદરૂપ બની રહ્યુ છે.કારણ કે, સવાર-સાંજ દરરોજ 200 થી 250 લોકો ભોજનનો લાભ લઇ રહ્યા છે.
જ્યારે પારેવાને દરરજો 60 કિલો જુવાર, 60 કિલો કિડીયાળુ પણ સંસ્થાના 6 જેટલા માણસો આજુબાજુના ગામડાઓમાં નાંખવા જાય છે. બીજી તરફ વઢવાણ -લખતર હાઇવે પરનું જ ગામ હોવાના કારણે ગામ તેમજ આશ્રમના દર્શનાર્થે પણ અનેક ભક્તો લાભ લઇ રહ્યા છે.
ગામમાં ભૂર્ગભ ગટરનું કામ ચાલુ છે અને પીવાના પાણી માટે વાસ્મોવાળા સરવે કરી રહ્યા છે
કોઠારિયા ગામના સરપંચ પ્રવીણભાઈ ટી.હડીયાલે જણાવ્યું કે, ગામમાં રસ્તા, વીજળી સહિતની સુવિધાઓ છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ભૂર્ગભ ગટરનો પ્રશ્ન છે તેના માટે હાલ તેનું કામ ચાલુ છે. પીવાના પાણી માટે કેનાલ થકી સમ્પમાં લાવીને પુરૂ પાડવામાં આવે છે. પરંતુ પાણીનો પ્રશ્ન કાયમ માટે હલ થાય તે માટે પણ રજૂઆતો કરાઇ હતી. 10-1-2023એ વાસ્મોવાળા પાણીની લાઈન બાબતે ગામનો સર્વે કરી રહ્યા છે. જેનો લાભ પણ ગામને મળશે.
ગૌશાળાની 1000 ગાયોનું એકપણ ટીંપુય વેચાવાનું નહી : દૈનિક 1800 લીટર નિ:શુલ્ક છાશનું વિતરણ
ગૌશાળામાં અંદાજે 1000 ગાયોનો દરરોજ 500 મણ ઘાસચારો, દાણ નાખીને નિભાવ કરવામાં આવે છે. ગાયનું એકપણ ટીંપુય દૂધ વેચવામાં આવતુ નથી. આ દૂધની છાશ એટલે કે, 700 લીટર દૂધમાંથી અંદાજે 1800 લીટર છાશ નિ:શુલ્ક આપવામાં આવે છે. જેનો લોકો લાભ લઇ રહ્યા છે.
દૈનિક 20 મણ બાજરાના રોટલાનું વિતરણ
ગામમાં આવેલા આ આશ્રમમાં વહેલી સવારે 3.30 કલાકે 15 થી 16 બહેનો દ્વારા બાજરાના રોટલા બનાવવાનું શરૂ કરાય છે. અને 4000 થી 4500 રોટલા 8.30 થી 9.00 કલાક દરમિયાન વિતરણ કરી દેવામાં આવે છે. આ રોટલા રિક્ષાચાલક તેમજ સાઇકલસવાર ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં પહોંચાડે છે. આ ઉપરાંત વઢવાણ, સુરેન્દ્રનગર જોરાવરનગર, રતનપર, જીઆઇડીસી વિસ્તારોમાં વૃદ્ધો, દિવ્યાંગો, સાધુ-સંતો, અંધજનો સહિતના જરૂરીયાતમંદ લોકો સુધી આ રોટલો પહોંચી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.