મોરબીના લખધીરપુર ગામે લગ્ન પ્રસંગ દરમિયાન કરુણ ઘટના બની હતી. જેમાં લગ્ન મંડપમાં કન્યાની બહેનને ઓચિંતા જ હાર્ટ એટેક આવતા તેણીને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. આથી લગ્નના આનંદનો અવસર શોકમાં ફેરવાતા પરમાર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મોરબી તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના લખધીરપુર ગામે રહેતા પરમાર પરિવારની એક પુત્રીના ગઈકાલે લગ્ન હતા. લગ્ન મંડપમાં લગ્નની વિધિઓ ચાલી રહી હતી અને સમગ્ર પરિવારમાં ખુશીની કોઈ સીમા ન હતી. લગ્નમાં આવેલી મહિલાઓ મંગળ ગીતો ગાઇ રહી હતી. તે દરમિયાન કન્યાની નાની બહેન હેતલબેન જગદીશભાઈ પરમાર (ઉ.વ.22)ને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા બેભાન બની ગઈ હતી. આથી લગ્ન મંડપમાં દોડાદોડી થઈ પડી હતી.
બાદમાં તાત્કાલિક હેતલબેન જગદીશભાઈ પરમાર (ઉ.વ.22)ને સારવાર અર્થે મોરબીની ખાનગી અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પણ સારવાર મળે તે પહેલાં જ તેણીનું મોત નીપજ્યું હતું. ડોક્ટરના કહેવા મુજબ આ યુવતીનું હાર્ટએકેટથી મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હેતલબેનના માતાનું કોરોનામાં અવસાન થયું હતું અને હવે મોટી બહેનના લગ્ન થતા આઘાતમાંને આઘાતમાં લગ્ન દરમિયાન કન્યાની નાની બહેનનું હાર્ટ એટેકથી મોત થતા બન્ને પરિવારમાં ખુશીઓ શોકમાં ફેરવાઇ ગઈ હતી અને ભારે અરેરાટી મચી ગઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.