• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • The Fragrance Of The Pearls Of The Mir People Reached Abroad, At One Time Those Who Had A Lot Of Work, Today They Spend Five To Seven Thousand Rupees A Month At Home.

પરંપરાગત હસ્તકલાને મળી પાંખો:મીર લોકોની મોતીકલાની સુવાસ પરદેશ પહોંચી, એક સમયે જેને કામના ફાંફા હતા એ આજે ઘરેબેઠા મહિને પાંચથી સાત હજાર રળી લે છે

સુરેન્દ્રનગર2 મહિનો પહેલાલેખક: મનીષ પારીક
  • અમેરિકા-કેનેડાથી મીણબત્તી મૂકવાના લાઇટ હોલ્ડર્સના 500 નંગના ઓર્ડર મીર બહેનોને મળ્યા હતા
  • બહેનો દ્વારા બનાવાયેલી બંગડી, બુટીયા, ચશ્માની દોરીઓ અને રાખડીઓની વ્યાપક માંગ
  • મીર જ્ઞાતિની મહિલાઓ માટે મોતી કામ દ્વારા રાખડીઓ બનાવવાના તાલીમ કેમ્પનું આયોજન કરાયું

દસાડામાં રહેતા મીર જ્ઞાતીના લોકોએ પહેલા પોતાના અસ્તિત્વ માટે જંગ ખેલવો પડ્યો હતો. જો કે હવે પોતાની પરંપરાગત હસ્તકલામાં માહેર મીર જ્ઞાતિની ઓળખ ભારતભરમાં જ નહીં, પણ હવે વિશ્વ ફલક સુધી પહોંચી છે. મીર બહેનો પરંપરાગત મોતી કામ કરે છે અને મોતીના ઘરેણાં પહેરે છે. તેમનું મોતીની બંગડીનું કામ ખૂબ વખણાય છે. આથી એમને આર્થિક સહાય આપવા વર્ષોથી રણ રાઇડર્સ તેમના ટુરિસ્ટને મોતીની બંગડી વહેચવા સહકાર આપે છે અને આ મોતીકામ માટેનો લોકોનો પ્રતિભાવ ઘણો સારો રહ્યો છે. જો કે આ બહેનોની કળાને પાંખો આપવા ગુજરાત સરકાર, ભારતીય ઉધ્યમિતા વિકાસ સંસ્થાન અને એકલવ્ય ફાઉન્ડેશનનો પણ સારો એવો સહકાર મળ્યો છે.

બીડવર્કની જ્વેલરી લંડન સુધી પહોંચી
ઓસ્ટ્રેલિયન કેરોલ ડગ્લાસની 'ડેઝર્ટ ટ્રેડીશન' ટીમેં અગાઉ દસાડાના મીર જ્ઞાતિના પરિવાર દીઠ 350 યુરો ફાળવી સ્થાનિક ડો. ભદ્રેશ પરીખ દ્વારા મીર જ્ઞાતિના તમામ સભ્યોનું નિયમીત મેડીકલ ચેકઅપની શરૂઆત કરાવી હતી. સાથે મીર જ્ઞાતિની મહિલાઓ દ્વારા બીડવર્કની હસ્તકળા દ્વારા તૈયાર કરેલી ઉત્કૃષ્ઠ જ્વેલરીઓને લંડનના વિક્ટોરીયા એન્ડ આલબર્ટ મ્યુઝીયમ સુધી પહોંચાડી હતી. સાથે કચ્છ-ભુજની એક ટુરિસ્ટ શોપે આ મહિલાઓ દ્વારા હસ્તકળાથી તૈયાર કરેલા બ્રેસલેટનો મોટો ઓર્ડર પણ આપ્યો હતો.

એકલવ્ય ફાઉન્ડેશન પાંચ વર્ષથી મીર મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટે કામ કરે છે
એકલવ્ય ફાઉન્ડેશન પાંચ વર્ષથી મીર મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટે કામ કરે છે

કેરોલ ડગ્લાસે 'ડેઝર્ટ ટ્રેડીશન' સંગઠન બનાવ્યું હતું
રણકાંઠાના દસાડા ગામે રાજસ્થાનથી રોજીરોટી રળવા પોતાના પરિવારજનો સાથે હિજરત કરીને ઘેટાં-બકરા અને ઊંટ સહિતના પ્રાણીઓને લઇને આવેલા મીર જ્ઞાતિના પરિવારોને શરૂ શરૂમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા રીતસરનો જંગ ખેલવો પડ્યો હતો. આજથી કેટલાક વર્ષો અગાઉ ઓસ્ટ્રેલિયાથી રણની મુલાકાતે આવેલા કેરોલ ડગ્લાસે ડેઝર્ટ ટ્રેડીશન નામનું સંગઠન બનાવી દસાડા રણ રાઇડરના મુજાહિદખાન મલિકના સહયોગથી એક ટીમ બનાવી મીર જ્ઞાતિના પરિવારોને જમીન ફાળવી અને એમને રહેવા માટેના આવાસો બનાવી આપ્યા હતા. જેમાં ઓસ્ટ્રેલિયન યુવાનની ટીમે આ પરિવારો માટે સુકા મેદાનમાં જગ્યા ફાળવી અને વોટરપ્રુફ કવર સાથેના (અત્યાધુનિક ટેન્ટ સાથેના) આવાસો બનાવી આપ્યા હતા. જેના આધારે રાજ્ય સરકારે આ પરિવારો માટે નાવા-ધોવા સહિતની પાણીની વ્યવસ્થા કરી આપી હતી.

મીર સમુદાયના આશરે 50-60 લોકો દસાડા ખાતે સ્થાયી થયા છે
મીર સમુદાયના આશરે 50-60 લોકો દસાડા ખાતે સ્થાયી થયા છે

મીર સમુદાયના 50-60 લોકો દસાડા સ્થાયી થયા
રણકાંઠાના વિચરતા લોકોમાંના એક મીર જાતિના લોકો હોય છે. જે સદીઓથી મધ્ય એશિયા અને ભારતીય ઉપખંડમાં વસેલા છે. મીર અથવા મિરાસી કેહવાતા લોકોનો પારંપરિક વ્યવસાય ગામેગામ ગીતો ગાઈ અને નાચીને લોકોનું મનોરંજન કરવાનું તથા રાજસ્થાની રબારીઓની વંશાવલી લખવાનું હતું. મીર સમુદાયના આશરે 50-60 લોકો દસાડા ખાતે સ્થાયી થયા છે. કારમી ગરીબીમાં જીવતા આ લોકો ઢોર બકરા રાખવાનું, મજૂરી કરવાનું અને રિક્ષા ચાલકોનું કામ કરી ગુજરાન ચલાવે છે.

30 મહિલાઓને રાખડીની તાલીમ અપાઇ
ગુજરાત સરકાર, ભારતીય ઉધ્યમિતા વિકાસ સંસ્થાન (EDII)ના સહયોગથી એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા મીર જ્ઞાતિની મહિલાઓ માટે મોતી કામ દ્વારા રાખડીઓ બનાવવાની તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત એકલવ્ય ફાઉન્ડેશનના માસ્ટર ટ્રેનર નિયતિ કુકાડીઆ અને નૈત્રી પટેલ અને દસાડા મીર જ્ઞાતિની સકીના મીર અને અમિના મીર દ્વારા મીર જ્ઞાતીની 30 જેટલી મહિલાઓને મોતી કામ દ્વારા અનોખી રાખડી બનાવવાનું પ્રશિક્ષણ અને કીટ આપવામાં આવી હતી.

અમેરિકા-કેનેડાથી લાઇટ હોલ્ડર્સના 500 નંગના ઓર્ડર મીર બહેનોને મળ્યા હતા
અમેરિકા-કેનેડાથી લાઇટ હોલ્ડર્સના 500 નંગના ઓર્ડર મીર બહેનોને મળ્યા હતા

એકલવ્ય ફાઉન્ડેશન મીર બહેનો માટે કામ કરે છે
એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી મીર જ્ઞાતિની મહિલાઓ સાથે મોતી કામ દ્વારા આર્થિક સ્વાવલંબન માટે કામ કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેનીંગ દ્વારા પહેલા મીર જ્ઞાતિની જે બહેનો આ પ્રોજેક્ટમાં નહોતી જોડાઇ એમને જોડવાની સાથે નવી પ્રોડક્ટો શીખવવાનું આયોજન છે. આ અંગે એકલવ્ય ફાઉન્ડેશનના નિયતિ કુકાડીઆએ જણાવ્યું હતું કે, ગત વર્ષે એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા જ આ બહેનો દ્વારા બનાવાયેલી 4000 રાખડીઓનું ઓનલાઇન તેમજ જુદા જુદા સ્ટોર્સમાં વેચાણ કરી મીર જ્ઞાતિની બહેનોને રોજગારી આપવાનું કામ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત મોતીની બંગડીઓ અને હસ્તકલાની બીજી ચીજવસ્તુઓનું યોગ્ય માર્કેટિંગ કરવામાં આવે તો એની વ્યાપક માંગ છે.

વધુ વિગત આપતા એકલવ્ય ફાઉન્ડેશનના નિયતિ કુકાડીઆએ જણાવ્યું હતું કે, અમારા ફાઉન્ડેશનની ઇચ્છા છે કે, આ બહેનોની વ્યવસ્થિત મંડળી બને અને આ મંડળી માટે એક વ્યવસ્થિત કામ કરવાની જગ્યા ઉભી થાય તો હજી વધુ સારૂ પરિણામ મળી શકે. કેમકે, હાલ આ બધી બહેનો સાવ કાચા મકાનમાં રહે છે, જેમાં મોતી કામ કરવું ખૂબ જ કઠીન છે.

સિઝનમાં પોતાની હસ્તકળા થકી રોજના હજાર રળી લે છે
આગામી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે એમને મોતીની રાખડીઓ બનાવવાનું કામ મળ્યું છે. જેમાં એમને એક રાખડી બનાવવાની મજૂરી રૂ. 15થી 20 મળે છે. અને મીર જ્ઞાતિની એક મહિલા રોજની 40થી 50 જેટલી રાખડીઓ બનાવતી હોવાથી એમને રોજનું રૂ. 800થી 1000 જેટલું મહેનતાણું મળે છે. અને સીઝન સિવાય પણ મીર જ્ઞાતિની મહિલાઓ મજૂરી કામ સિવાય ઘેર બેઠા મહિને રૂ. 5,000થી 7,000 આરામથી રળી લે છે.

આ બહેનોની ઉત્કૃષ્ઠ જ્વેલરી લંડનના વિક્ટોરીયા & આલબર્ટ મ્યુઝીયમ સુધી પહોંચી હતી
આ બહેનોની ઉત્કૃષ્ઠ જ્વેલરી લંડનના વિક્ટોરીયા & આલબર્ટ મ્યુઝીયમ સુધી પહોંચી હતી

લાઇટ હોલ્ડર્સની અમેરિકા અને કેનેડામાં વ્યાપક માંગ
દસાડાની મીર જ્ઞાતિની મહિલાઓેએ બનાવેલી મીણબત્તી મૂકવાના લાઇટ હોલ્ડર્સની અમેરિકા અને કેનેડામાં વ્યાપક માંગ જોવા મળી હતી. ગત વર્ષે જ અમેરિકા અને કેનેડાથી આ મીણબત્તી મૂકવાના લાઇટ હોલ્ડર્સના 500-500 નંગના ઓર્ડર એમને મળ્યા હતા.

આગામી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનોને મોતીની રાખડીઓ બનાવવાનું કામ મળ્યું
આગામી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનોને મોતીની રાખડીઓ બનાવવાનું કામ મળ્યું

સરકારનું કૂટીર અને ગ્રામોદ્યોગ વિભાગ આગળ આવ્યું
દસાડા મીર જ્ઞાતિની 10 મહિલાઓએ ગત વર્ષે બનાવેલી મોતીની 4,000 રાખડીઓનું એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા ઓનલાઇન વેચાણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે આ મહિલાઓને મોતીની રાખડી કામ આપવા સરકારનું કૂટીર અને ગ્રામોદ્યોગ વિભાગના ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી (GMK&RTI) વિભાગ આગળ આવ્યું છે. જેમાં હાલમાં મીર જ્ઞાતિની 60 જેટલી મહિલાઓ દસાડા અને પાટણમાં પાંચ દિવસની ટ્રેનીંગ લઇ રહી છે.

બંગડી, બુટીયા, ચશ્માની દોરીઓ અને રાખડીઓની વ્યાપક માંગ
છેલ્લા બે વર્ષથી કોવિડના કારણે રણની મુલાકાતે આવતા સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશી પર્યટકોની સંખ્યા નહીંવત બનતા એમને રોજગારી પર ખુબ મોટો ફટકો પડ્યો હતો. અને પહેલા મીર જ્ઞાતિની આ મહિલાઓ અગાઉ સટકણિયા, બાજુબંધ સહિતની હસ્તકલાની વસ્તુઓ બનાવતી હતી. ત્યારે એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા સમય અને લોકમાંગને ધ્યાનમાં રાખીને હાલમાં મીર જ્ઞાતિની મહિલાઓ દ્વારા બનાવાયેલી બંગડી, બુટીયા, ચશ્માની દોરીઓ અને રાખડીઓની વ્યાપક માંગ જોવા મળી રહી છે.

ભારતભરમાં જ નહીં પણ વિદેશમાં પણ બોલબાલા
મીર જ્ઞાતિની મહિલાઓ આ મોતીકામ પેઢી દર પેઢી પરંપરાગતરીતે કરતા આવ્યા છે. એ લોકો ટ્રેડીશનલ વસ્તુઓ જ બનાવતા હતા. અને હવે તેઓ બંગડી, બુટીયા, રાખડી કે ચશ્માની દોરી જેવી બજારમાં ચાલતી મોર્ડન લોકોને ગમતી વસ્તુઓ બનાવતા થયા છે. જેમાં એ લોકો અમદાવાદની બજારમાંથી જથ્થાબંધ મોતીઓની એક સાથે ખરીદી કરી સોય દોરા વડે ઝીણવટભર્યું કામ કરે છે. એમની કોઇ સંસ્થા કે સંગઠન ન હોવાથી એમને હજી કોઇ એવોર્ડ કે સર્ટિફિકેટ મળ્યા નથી. પરંતુ એમણે મોતીકામથી બનાવેલી વસ્તુઓની ભારતભરમાં જ નહીં પણ વિદેશોમાં પણ જોરદાર બોલબાલા છે.

અન્ય સમાચારો પણ છે...