35 વર્ષની પ્રથમ ઘટના:ચોટીલા ધામમાં પ્રથમ નવરાત્રિએ બપોર બાદ એકદમ ઓછો ટ્રાફિક, લગભગ છેલ્લા 30થી 35 વર્ષમાં આવું પ્રથમવાર થયું

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા ધામમાં પ્રથમ નવરાત્રિએ બપોર બાદ એકદમ ઓછું ટ્રાફિક - Divya Bhaskar
ચોટીલા ધામમાં પ્રથમ નવરાત્રિએ બપોર બાદ એકદમ ઓછું ટ્રાફિક
  • ઇતિહાસમાં આ પ્રથમ નવરાત્રિ એવી છે કે, જેમાં પહેલા નોરતાએ સામાન્ય દિવસોના રવિવાર કરતા પણ એકદમ ઓછું ટ્રાફિક જોવા મળ્યું

ચોટીલા ધામમાં પ્રથમ નવરાત્રીએ બપોર બાદ એકદમ ઓછું ટ્રાફિક જોવા મળ્યુ છે. ચોટીલાના ઇતિહાસમાં આ પ્રથમ નવરાત્રિ એવી છે કે, જેમાં પહેલા નોરતાએ સામાન્ય દિવસોના રવિવાર કરતા પણ એકદમ ઓછું ટ્રાફિક જોવા મળ્યું છે. લગભગ છેલ્લા 30થી 35 વર્ષમાં આવું પ્રથમવાર જોવા મળ્યું છે. બપોરના બે વાગ્યા પછી તો મંદિરના રોડ એકદમ સૂના થઈ ગયા હતા. જ્યારે દર વર્ષે પહેલા નોરતામાં આ જ રોડ પર ચાલવા માટેની પણ જગ્યા પણ ઓછી પડતી હોય છે.

અહીંના દુકાનદારોએ નોરતા માટેની ભરપૂર તૈયારીઓ કરી હતી દુકાનદારોએ અગાઉથી છોલીને રાખેલા નાળિયેર જેમના તેમ પડ્યા રહ્યા હતા. તેઓને ડર છે કે, હવે જો બાકીના નોરતાના દિવસોમાં ટ્રાફિક નહીં રહે તો તેમના આ નાળિયર ખરાબ થઇ જવાની શક્યતા છે. દર વર્ષે નવરાત્રી માટે મીઠાઈના દુકાનદારો મોટા પ્રમાણમાં પેંડા અને લાડુ જેવો પ્રસાદ બનાવીને રાખતા હોય છે તેમનો આ પ્રસાદ પણ આ પ્રથમ નવરાત્રીએ જેમનો તેમ પડ્યો રહ્યો છે.

દર વખતે નવરાત્રિમાં સૌથી વધારે ટ્રાફિક પહેલા નોરતામાં તથા નવરાત્રિમાં આવનારા રવિવાર તથા હવનાષ્ટમીના દિવસે ખૂબ જ ટ્રાફિક જોવા મળતું હોય છે. જ્યારે આ વર્ષે ગમે તે કારણોસર પહેલા નોરતે બિલકુલ ટ્રાફિક જોવા મળ્યું નથી. ધંધાદારીઓ માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે.

પ્રથમ નોરતામાં જ ઓછું ટ્રાફિક રહેવાથી દુકાનદારોમાં તથા હોટેલ અને ગેસ્ટ હાઉસના માલિકોમાં પણ ચિંતાની લાગણી જોવા મળી રહી છે. ચામુંડા રોડના દુકાનદારો અને સ્થાનિકો સાથે આ બાબતનું કારણ પૂછતા એવું જણાવ્યું છે કે, કદાચ થોડા દિવસો પહેલા મંદિર ટ્રસ્ટ તરફથી દર્શન માટે ફરજિયાત કોરોનાની રસીનું સર્ટી. આપવું જરૂરી કર્યુ હોવાથી આવું બની શકે. કેમ કે, જ્યારથી દર્શન માટે કોરોનાની રસીના સર્ટી જરૂરી હોવાની જાહેરાત થઈ છે ત્યારથી યાત્રાળુોની સંખ્યામાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે...!!

દર વર્ષે નવરાત્રીમાં મુંબઈથી ખૂબ જ યાત્રાળુઓ આવતા હોય છે જ્યારે આ નવરાત્રિમાં એવું પ્રથમવાર બન્યું છે કે મુંબઈથી ખુબજ નહીવત યાત્રાળુઓ આવ્યા છે. દર વર્ષે નવરાત્રી શરૂ થાય તે પહેલાં એક દિવસ અગાઉથી જ ઉત્તર ગુજરાતમાંથી ખાસ કરીને મહેસાણા જિલ્લામાંથી મોટી સંખ્યામાં પગપાળા સંઘો ચોટીલા પહોંચી જતા હોય છે. જ્યારે આ વર્ષે નહિવત સંઘો જ આવ્યા છે.હવે એ જોવાનું રહ્યું કે નોરતાના બાકીના દિવસોમાં કેવી યાત્રાળુઓની સંખ્યા રહે છે.

અન્ય સમાચારો પણ છે...