ફાયર વિભાગની કામગીરી:સુરેન્દ્રનગરની ફાયર વિભાગની ટીમે એક વર્ષમાં તળાવો, કેનાલ સહિતમાથી 48 મૃતદેહો બહાર કાઢ્યાં

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં આવેલા તળાવો, કેનાલો, ડેમ, પાણી ભરેલી ખાડ જેવા જળાશયોમાં આપધાત કે અકસ્માતોના બનાવ સ્વરૂપે છેલ્લા એક વર્ષમાં 48 વ્યક્તિના મોત થયા છે. સુરેન્દ્રનગર ફાયર વિભાગોની ટીમો દ્વારા જુદી જુદી જગ્યાએથી એક વર્ષમાં 48 જેટલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે.

સુરેન્દ્રનગર દુધરેજ રોડ ઉપર આવેલી નર્મદા વિભાગની મુખ્ય કેનાલમાં અકસ્માતે પડી જવાથી આપઘાત કરવા પડતું મુકવાથી માનવ મોતની અવાર-નવાર ઘટના બનતી રહે છે. આ ઉપરાંત જિલ્લામાં આવેલા તળાવો, કેનાલો, ડેમ જેવા જળાશયોમાં પણ આ પ્રકારની અવાર-નવાર ઘટના બનતી રહે છે. સુરેન્દ્રનગર જિલ્લામા આવેલી નગરપાલિકાઓ પૈકી સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા પાસે ટ્રેઈન્ડ તરવૈયા, આધુનિક સાધનો સાથેનો ફાયર વિભાગનો સ્ટાફ છે. જેને કારણે જિલ્લામાં ક્યાંય પણ ડુબી જવાની ઘટના બની હોય ત્યારે સુરેન્દ્રનગર નગરપાલીકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જાય છે. આ ટીમ દ્વારા છેલ્લા એક વર્ષમાં 48 જેટલા મૃતદેહ ઉંડા પાણીમાં શોધખોળ કરીને બહાર કાઢ્યા છે.

આધુનિક સાધનો ધરાવતા સુરેન્દ્રનગર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમને ટર્ન ટેબલ લેડર (ટી.ટી.એલ.) રેસ્ક્યુ વેનની જરૂર છે. હાઈરાઈઝ બિલ્ડીંગમાં આગ લાગે ત્યારે આ ટી.ટી.એલ. રેસ્ક્યુવેન અસરકારક કામગીરીમાં ખુબ જ ઉપયોગી બની શકે તેમ છે. આ માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, સુરેન્દ્રનગર-દુધરેજ નજીક આવેલ કેનાલમાં આપઘાત કે અકસ્માતનાં બનાવોમાં ડુબી જવાથી મોતની ઘટના વારંવાર બને છે. ત્યારે તંત્ર દ્વારા કેનાલ ફરતે લોખંડની ફેન્સીંગ નાંખવામાં આવે તો આવા બનાવો અટકાવી શકાય તેમ છે. લોકોની અવર-જવર હોય તેવી કેનાલો કે જળાશયો ફરતી ફેન્સીંગ, ગ્રીલ જેવી આડશ મુકવામાં આવે, દેખરેખ માટે જવાબદાર વ્યક્તિ મુકવામાં આવે તો આવા બનાવો અટકાવી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...