ડિલિવરી દરમિયાન પ્રસૂતાના મોતનો મામલો:ચોટીલાની ઓચવાણી હોસ્પિટલના તબીબની બેદરકારીથી મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ, પ્રાંત કચેરીએ સૂત્રોચ્ચાર કર્યા

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા

સુરેન્દ્રનગરના ચોટીલાની ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન પ્રસૂતાનું મોત નિપજતા પરિવારજનોએ તબીબ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ આજે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવી ચોટીલા પ્રાંત કચેરીએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તબીબ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માગ કરી હતી. તો બીજી તરફ તબીબે કહ્યું હતું કે, ડિલિવર દરમિયાન બ્લિડિંગ થવાથી પ્રસૂતાની તબિયત લથડી હતી અને મૃત્યુ નિપજ્યું હતું. તબીબે તમામ કાયદાકીય કાર્યવાહીમાં સહયોગ આપવાની વાત કરી હતી.

શું છે સમગ્ર મામલો?
ચોટીલાના દેવસર ગામમાં રહેતા ચકુબેન દેત્રોજાને પ્રસૂતિની પીડા ઉપડતા ચોટીલાની ઓચવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં બાળકને જન્મ આપ્યા બાદ પ્રસૂતાની તબિયત લથડી હતી. ત્યારબાદ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને પ્રસૂતાનું મોત નિપજ્યું હતું.

ડોકટરની બેદરકારીથી મોત થયાનો પરિજનોનો આક્ષેપ
મૃતક મહિલાના પરિવારજનોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે, ઓચવાણી હોસ્પિટલમાં ડિલિવરી થયા બાદ મહિલાની તબિયત લથડી હોવા છતા તબીબે પરિવારજનોને જાણ કરવામાં સમય લગાડ્યો હતો. તબિયત વધુ લથડ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવા કહ્યું હતું. પ્રસૂતાનું મોત હોસ્પિટલના તબીબ અને સ્ટાફની બેદરકારીના કારણે થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે અને તબીબ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. પરિવારજનોએ આજે ચોટીલા પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવી સૂત્રોચ્ચાર કર્યા હતા.

શું કહી રહ્યા છે હોસ્પિટલના તબીબ?
ઓચવાણી હોસ્પિટલના તબીબે કહ્યું હતું કે, પ્રસૂતાની ડિલિવરી દરમિયાન બ્લિડિંગ થયું હતું. ત્યારબાદ વધુ સારવારની જરુર જણાતા તેને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે અમને ખૂબજ દુઃખ છે. પરિવારજનોએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની જરુર હતી જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું હોત.

દુનિયામાં આવતા જ બાળકે માતાની છત્રછાયા ગુમાવી
ઓચવાણી હોસ્પિટલમાં ચકુબેનની ડિલિવરી થતા બાળકને જન્મ આપ્યો હતો. હોસ્પિટલ દ્વારા પરિવારજનોને તેની જાણ કરાતા પરિવારજનો ખુશ હતા. પરંતુ, ગણતરીની મિનિટોમાં જ બાળકીની માતાની તબિયત લથડ્યાની જાણ કરાતા પરિવારજનોની ખુશી લાંબી ટકી ન હતી. ગણતરીના કલાકોમાં જ પ્રસૂતાનું મોત નિપજતા બાળકે માતાની છત્રછાયા ગુમાવી હતી.

અન્ય સમાચારો પણ છે...