મિનિટોના સમયમાં પર્દાફાશ:કર્મચારીએ કહ્યું, લુંટારુઓ ઑફિસમાં આવી હુમલો કરી 71.44 લાખ લૂંટી ગયા : પોલીસે કડકાઈથી પૂછ્યું તો ગુનો કબૂલી લીધો

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગરની એમ.પી. આંગડિયા પેઢીના કર્મચારીએ હાથ પર જાતે મારેલા ચેકા જોઈ પોલીસને શંકા ગઈ

વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં આવેલી પી એમ આંગડિયા પેઢીના કર્મચારીએ રચેલા લૂં઼ટના તરકટનો પોલીસે મિનિટોના સમયમાં પર્દાફાશ કરી દીધો હતો.ગુરુવારે બપોરના સમયે પેઢીની ઓફિસમાં લૂંટારાઓ ત્રાટક્યા હતા. હુમલો કરીને પૈસા લઇ ગયાની ખોટી કહાની ઊભી કરી હતી. પરંતુ મારેલા ચેકા અને વર્તનથી પોલીસને કર્મચારી ઉપર જ શંકા ગઇ હતી. મિનિટોના સમયમાં આરોપીએ કબૂલાત કરી લીધી હતી. તપાસ કરતા આંગડિયા પેઢીમાંથી કુલ રૂ.71.44 લાખની ગોલમાલ કરી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જ્યારે આ કેસમાં સંડાવાયેલા કુલ 2 આરોપીની ધરપકડ કરાઈ હતી.

પેઢીમાં યશપાલસિંહ ઉર્ફે ભાણો નામનો વ્યક્તિ કામ કરતો
વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં પી.એમ.આંગડીયા પેઢી આવેલી છે. આ પેઢીમાં યશપાલસિંહ ઉર્ફે ભાણો નામનો વ્યક્તિ કામ કરતો હતો. ગુરુવારે બપોરના સમયે આંગડિયાની ઓફિસમાં લૂંટારુઓ આવ્યા હતા અને તેને માર મારીને રૂપિયાની લૂંટ કરીને જતા રહ્યા હોવાની વાત કરતા માલિક સહિતના લોકો ઓફિસે દોડી આવ્યા હતા. એક સાથે લાખો રૂપિયાની લૂંટ થવાના બનાવની ગંભીરતાને સમજી ડીવાયએસપી એચ.પી.દોશી, એસઓજી પીઆઇ વી.વી.ત્રિવેદી, પીએસઆઇ વી.એન.જાડેજા તથા એલસબીની ટીમ પણ ઘટનાસ્થળે દોડી પહોચી હતી.

વર્તણૂક જોતા પોલીસને તેનો જ હાથ હોવાની શંકા ગઇ
ઓફિસનું બારીકાઇથી નિરીક્ષણ કર્યા બાદ આજુબાજુના લોકોની પણ પૂછપરછ કરી હતી. પૂછપરછ તથા પેઢીના કર્મચારીના શરીર ઉપર રહેલા ચેકા તથા તેની વર્તણૂક જોતા પોલીસને આ બનાવમાં તેનો જ હાથ હોવાની શંકા ગઇ હતી. આથી કર્મચારીની આગવી રીતે કરેલી પૂછપરછમાં તેણે લૂંટનું તરકટ રચ્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું.

ગોલમાલ હોવાનો ભાંડો ફૂટ્યો ​​​​​​​
​​​​​​​
આથી પોલીસે યશપાલસિંહ ઉર્ફે ભાણાની ધરપકડ કરી હતી. બાદમાં પેઢીમાં રહેલી સિલક અને કરવામાં આવેલા આંગડિયાના રકમનો હિસાબ કર્યો હતો. જેમાં જેમાં રૂ.71.44 લાખથી વધુની ગોલમાલ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાકીના રૂપિયા લઇને ભાગેલા અન્ય શખસની પોલીસને તલાસ
પ્રાથમિક પૂછપરછમાં સમગ્ર ઘટનામાં પેઢીના કર્મચારી સાથે અન્ય 4 આરોપી પણ હોવાની વિગતો બહાર આવી રહી છે. બાકીના 3 આરોપી અન્ય આંગડિયામાંથી રોકડા રૂપિયા લઇ આવ્યા હતા. જે રકમ તેમની પાસે જ છે. આ રકમ લઇને આરોપીઓ ભાગી ગયા છે. તેમની ભાળ મેળવવા માટે પોલીસે દોડધામ શરૂ કરી છે.

સ્કૂટરની ડેકીમાંથી રૂ.11 લાખથી વધુ રોકડા મળી આવ્યા
આંગડિયા પેઢીના કર્મચારી પાસે એક્ટિવા હતું. પોલીસે તે એક્ટિવાની તપાસ કરી હતી. જેની ડેકીમાંથી 11 લાખથી વધુ રોકડા મળી આવ્યા હતા. આ રૂપિયા ક્યાંથી અને કેવી રીતે આવ્યા તે અંગે આરોપીએ ગલ્લા તલ્લા કર્યાં હતા. આથી પોલીસની શંકા વધુ મજબૂત બની હતી. પોલીસે પૈસા અને એક્ટિવા બંને પણ કબજે લીધું હતું.

આવી રીતે ગોલમાલ કરી
માલિકો બપોરના સમયે જમવા માટે ઘરે જતા હતા ત્યારે કર્મચારી ઓફિસમાં એકલો જ હતો. તે સમયે પહેલા પેઢીમાંથી રૂ.25 લાખ ભાવનગરના આંગડિયામાં નાખી દીધા હતા. ત્યારબાદ તે જ રૂ.25 લાખનું સુરેન્દ્રનગરમાં અન્ય આંગડિયામાં નખાવીને મિત્રોને રૂપિયા આંગડિયામાં લેવા મોકલ્યા. આમ અલગ અલગ વ્યવહાર કરી ગોલમાલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...