હવામાન ખાતાની આગાહી મુજબ સુરેન્દ્રનગર શહેર સહિત ઝાલાવાડના કેટલાક વિસ્તારોમા છુટો છવાયો છાંટારૂપે વરસાદ પડ્યો છે. તો કયાંક માવઠારૂપે રોડ-રસ્તા પલાળી દે તેવો વરસાદ પડયો છે. માવઠાને કારણે ખેડુતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. સવારે વરસાદી છાંટા પડ્યા હતા. ત્યારબાદ ગાજવીજ સાથે સાંજે પણ વરસાદ પડયો હતો. પાટડી તાલુકાના વણોદ ગામે કરા સાથેના વરસાદથી ખેતીમાં નુકસાન પહોંચ્યું છે.
આ અંગેની વધુ વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જીલ્લામાં ધીમેધીમે માર્ચની શરૂઆત સાથે ઉનાળો તપી રહ્યો છે. અને તાપમાનનો પારો ઉંચે ચડતો જાય છે. સરેરાશ 38 ડીગ્રી તાપમાનમા જનજીવન શેકાઈ રહ્યુ છે. બીજી તરફ હવામાન ખાતાની આગાહી મુજબ ગઈકાલે વાતાવરણમાં પલ્ટો આવતા સવારે ઠંડક જેવુ વાતાવરણ અનુભવાયુ હતુ. સુરેન્દ્રનગર, લખતર, રાજપર સહીત અનેક વિસ્તારોમાં માવઠા રૂપે વરસાદી છાંટા પડયા હતા.
લખતર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડતા ખેડુતો ચિંતીત બન્યા હતા. અનેક જગ્યાએ પશુપાલકોએ પોતાના પશુ જીવો માટે રાખેલી કડબ પલળી ગઈ હતી. લખતર એ.પી.એમ.સી. દ્વારા આગાહીને અનુસરીને ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભરઉનાળે વરસાદી માવઠાથી ઘઉ, જીરૂ, બીટીકપાસ, વરીયાળી, ધાણા જેવા પાકોને નુકશાનની ભીતી સેવાઈ રહી છે અને ખેડુતોમાં ઉચાટ-ચિંતાની લાગણી જોવા મળી રહી છે. પાટડી તાલુકાના વણોદ ગામે કરા સાથેના વરસાદથી ખેતીમાં નુકશાન પહોંચ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.