ફરિયાદ:સુરેન્દ્રનગરના નાયબ ઇજનેરને વીજદંડનું મનદુ:ખ રાખી માર માર્યો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારદ ગામે રેતી ચાળવાના 2 વોશ પ્લાન્ટ પર વીજચેકિંગ થયું હતું
  • 1 શખસ સહિત 3 સામે ફરિયાદ, અન્ય અધિકારીને પણ ફોનમાં ધમકી

ભારદ ગામે રેતી ચાળવાના બે વોશ પ્લાન્ટ પર વીજચેકિંગ બાદ વીજતંત્ર દ્વારા વીજદંડ કરવામાં આવ્યો હતો. આ બાબતનું દુ:ખ રાખી સુરેન્દ્રનગર નાયબ ઇજનેરના ઘરે જઇને માર મારી જાનથી મારી નાખવાની શખસોએ ધમકી તેમજ અન્ય એક અધિકારીને પણ ફોનમાં ધમકી આપ્યાની ત્રણ શખ્સો બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર ફેલાઇ હતી.

સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ ઘુઘરીપાર્ક સોસાયટીમાં રહેતા અને સુરેન્દ્રનગર પીજીવીસીએલ કચેરીમાં નાયબ ઇજનેર તરીકે ભરતભાઈ મનુભાઈ પટેલ ફરજ બજાવી રહ્યાં છે. તેમના ઘરે આવી માર મારી ધમકી આપતા તેઓએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા મુજબ ત્યારે તા. 8-9-2021ના રોજ ભરતભાઈ પટેલ અને ચેકિંગ સ્કોડના નાયબ ઇજનેર એસ.એન.પંચાલ, ધ્રાંગધ્રા વિભાગના એમ.પી.ચૌધરી, લીંબડી વિભાગના નાયબ ઇજનેર એમ.કે.તાબીયાળ, ધ્રાંગધ્રા વિભાગના જુનિયર ડી.એલ.રત્નુ સહિતના અધિકારીઓ જીયુવીએનએલ પોલીસની બે ટીમો સાથે રાખી રાજસીતાપુર પેટા વિભાગ કચેરી તાબાના ભારદ ગામે રેતી ચાળવાના બાપા સીતારામ વોશ પ્લાન્ટ તથા દિલીપસિંહ વજેસંગભાઈ ખેર નાઓના નામના વોશપ્લાન્ટ પર વીજચેકિંગ કર્યું હતું.

આથી આ બાબતનું મનદુ:ખ રાખી ખોડુ ગામના સિધ્ધરાજસિંહ ચંદુભા ખેર ભરતભાઈ પટેલના ઘરે જે વીજદંડ કરેલ છે તે પાંચેય ઇજનેરો મળીને ભરપાઇ કરી દેજો, અને પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની તેમજ તા.10-9-21ના રોજ ફરી ઘરે આવી ભરતભાઈ પટેલને માર મારી ઘર પર પથ્થરોના ઘા કરી ધમકી આપી હતી. આ ઉપરાંત એસ.એન.પંચાલને પણ ફોન પર ધમકી આપ્યાનું જણાવ્યું હતું. આ બનાવમાં ખોડુ ગામના સિધ્ધરાજસિંહ ચંદુભા ખેર તેમજ સુરેન્દ્રનગરના બે અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હેડકોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ટાંક ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...