અમેરિકાની ટેકસાસ યુનિવર્સિટીમાં સુરેન્દ્રનગર જિલ્લાની દીકરીએ એડમીશન મેળવતા સમગ્ર જીલ્લાવાસીઓમાં હર્ષની લાગણી ફેલાવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાંથી માત્ર 10 વિદ્યાર્થીને જ આ સ્કોલરશીપ આપવામાં આવે છે.
ધ્રાંગધ્રાના હોલસેલ ગ્રેઇન એન્ડ ઓઇલ મરચન્ટ એસોસીએશનના પ્રમુખ અને અગ્રગણ્ય વેપારી સંજીવકુમાર રસિકલાલ ગોવાણીની સુપુત્રી કુ. સૃષ્ટિએ ચેન્નાઇ (મદ્રાસ)ની યુનિવર્સિટીમાં બાયોટેકનોલોજીમાં 96.25 % માર્કસ સાથે ગ્રેજ્યુએશનની ડીગ્રી પ્રાપ્ત કરી હવે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રી પ્રાપ્ત કરવા ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકાની ટેકસાસ યુનિવર્સિટીમાં એડમીશન મેળવ્યું છે.જેમાં વિશ્વભરમાંથી માત્ર 10 વિદ્યાર્થીને જ સ્કોલરશીપ આપે છે તે સ્કોલરશીપ પણ મેળવી છે. આમ ખોબા જેવડા ધ્રાંગધ્રાને વિશ્વ ફલક પર મૂકી સમગ્ર ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર જીલ્લા સહિત પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે કુ. સૃષ્ટિ ધ્રાંગધ્રાના સિનિયર સિટીઝન અને સત્સંગી રસિકલાલ જેઠાલાલ ગોવાણીની પ્રપૌત્રી થાય છે જેને લઈ ધ્રાંગધ્રાના ગોવાણી પરિવાર સહિત પંથકમાં ગૌરવની લાગણી છવાઈ જવા પામી છે. અને તેઓને પણ સોશિયલ મીડિયાથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.