સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના વિકાસમાં અનેક નામી-અનામી વ્યક્તિઓએ પ્રબળ પુરુષાર્થ કરીને અન્યને પ્રેરણા મળે તે હેતુથી પોતાનું સંપૂર્ણ જીવન ન્યોછાવર કર્યું છે. શહેરના આવા અદકેરા 31 વડીલને સન્માનવાનો પાલિકા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોતાનું સન્માન થતા વડીલોએ લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે સમાજ માટે સદપ્રવૃત્તિ કરનારનું સન્માન કરવાથી બીજા લોકોને પણ સારા કાર્યો કરવાની પ્રેરણા મળે છે.
સુરેન્દ્રનગરમાં આરોગ્ય, શિક્ષણ હોય કે સમાજસેવાના ક્ષેત્રોમાં પોતાના 40થી 50 વર્ષ ખરચીને કોઇ પણ સ્વાર્થ કે અપેક્ષા રાખ્યા વગર કામ કરીને અનેકના જીવનમાં દુ:ખના સમયે મદદરૂપ થઇને શિક્ષણ થકી ઘણા લોકોના જીવનને નિખારનાર લોકોનું સંયુક્ત પાલિકા દ્વારા સૌ પ્રથમવાર સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં ખાસ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી ડો.મુંજપરાએ શહેર માટે કામ કરનાર વડીલોને વંદન કરીને સેવાના કાર્યને શર આંખો પર ચડાવ્યા હતા.
આ કાર્યક્રમમાં વઢવાણના નામદાર ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહજી સુરેન્દ્રસિંહજી, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા,મહામંત્રી જયેશભાઇ પટેલ, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ,પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, કારોબારી ચેરમેન મનોહરસિંહ રાણા સહિતના શહેરના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ખાસ કરીને આરોગ્યની સેવા આપનાર ડો.પી.સી. શાહ,ડો.શકુંતલાબેન શાહ, શિક્ષણના ક્ષેત્ર માટે વિનોદીની બહેન શાહ, સમાજ સેવા માટે શાંતાબહેન દેસાઇ, સાહિત્ય ક્ષેત્રે રમેશભાઇ આચાર્ય અને કલા માટે અરૂણાબેન દવે સહિત કુલ 31 મહાનુભાવનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના વિકાસ માટે જેમણે કાર્ય કર્યા છે તેવા અગ્રણીઓના પરિચય સાથેની એક બુક પણ પ્રકાશિત કરવામાં આવી હતી. જેથી આવા સેવકોને લોકો ઓળખી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.