રાજકોટ-મોરબી હાઇવે ઉપર છતર જીઆઇડીસી નજીક સાંજના સુમારે કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઇ ગઈ હતી. જેથી કારમાં સવાર રાજકોટના કારીયા પરીવારના પાંચ સભ્યોને ઈજા પહોંચી હતી. જોકે, સદભાગ્યે જાનહાની ટળી હતી.
આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ-મોરબી હાઇવે ઉપર છતર જીઆઇડીસી નજીક સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં રાજકોટ તરફ જતી હ્યુન્ડાઇ કાર અચાનક પલ્ટી ખાઇ જતા કારમાં સવાર રાજકોટના મિત દિપકભાઇ કારીયા, દિપકભાઇ કારીયા, હિનાબેન કારીયા, ચાંદનીબેન કારીયા અને દિશાબેન કારીયાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
વધુમાં આ કારીયા પરિવાર મોરબી તરફ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં ટંકારા 108ની ટીમના પાઈલોટ રણજીત આહિર ઈએમટી ઈકબાલભાઈ સહિતનો કાફલો બે એમ્બ્યુલન્સ સહિત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.