મતદારોનો ઉત્સાહ ઘટ્યો:પેટા ચૂંટણી એટલી નિરસ હતી કે બુથમાં ગાય આવી પહોંચી

સુરેન્દ્રનગર, લીંબડી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
મતદાન મથકે ગૌવંશ પહોંચ્યું, મતદાતાઓ ન આવે તો હું મત આપી દઉં. - Divya Bhaskar
મતદાન મથકે ગૌવંશ પહોંચ્યું, મતદાતાઓ ન આવે તો હું મત આપી દઉં.
  • સુરેન્દ્રનગર વોર્ડ નં. 6માં 12802, લીંબડી વોર્ડ નં. 5માં 1951એ મતદાન કરવાનું ટાળ્યું
  • રેગ્યુલર ચૂંટણીમાં 48% મતદાન પેટા ચૂંટણીમાં 19.26 ટકા ઘટ્યું
  • ​​​​​​​મંગળવારે પરિણામ : રાજકીય પક્ષોએ જીતના દાવા કર્યા
  • ​​​​​​​સવારથી મતદાન મથકો ખાલી રહ્યાં

સુરેન્દ્રનગર અને લીંબડી આ બે પાલિકાના વોર્ડ માટે પેટા ચૂંટણી જાહેર થતાની સાથે રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. સુરેન્દ્રનગરમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર હતી.આવા સમયે પ્રચાર પ્રસારમાં માટે કોઇ કસર ન છોડનાર ભાજપે પોતાના કાર્યકર્તાઓની ફૌજ ઉતારી દીધી હતી. ત્યારે રવિવારે સવારથી ચાલુ થયેલા મતદાનમાં મતદારોની ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો.

આથી જ સુરેન્દ્રનગરમાં 28.74 અને લીંબડીમાં 41.61 ટકા મતદાન થયું હતું. કુલ મતદારોની સંખ્યાની દૃષ્ટિએ જોઇએ તો સુરેન્દ્રનગરમાં 12730, લીંબડીમાં 1951 મતદારોએ મતદાન કરવાનું ટાળ્યું હતું. સુરેન્દ્રનગરમાં વઢવાણ મામલતદાર ઓફિસ ખાતે અને લીંબડીમાં તાલુકા સદન ખાતે મંગળવારે મતગણતરી યોજાનાર છે.

સુરેન્દ્રનગરમાં ઘટેલું મતદાન ભાજપના મત તોડશે

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાની જયારે રેગ્યુલર ચૂંટણી યોજાઇ હતી ત્યારે વોર્ડ નં. 6મા 48 ટકા જેટલું મતદાન થયું હતું ત્યારે ભાજપના ચારેય ઉમેદવારો સરેરાશ 2000 હજારથી વધુની લીડથી જીત્યા હતા. આ પેટા ચૂંટણીમાં વોર્ડનું કુલ 28.74 ટકા જ મતદાન થયું છે. જે જોતા રેગ્યુલર ચૂંટણીની સરખામણીએ આ પેટા ચૂંટણીમાં મતદાનમાં 19.26 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ વોર્ડમાં કુલ 17866 મતદાર છે જે પૈકી 5136 મતદારે રવિવારે મતનો ઉપયોગ કર્યો હતો. સામાન્ય રીતે વધુ મતદાન થાય તો તેનો સીધો ફોયદો ભાજપને થતો હોય છે. પરંતુ આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસની સાથે આપ પણ ભાજપ માટે પડકારરૂપ બની સામે આવ્યું હતું. પેટા ચૂંટણીમાં આમ તો સત્તાધારી પક્ષનો ઉમેદવાર જીતતો હોય છે. આ પેટા ચૂંટણીમાં ભાજપના મત કપાઇ શકે છે. છતાં ભાજપનું પલડુ ભારી રહી શકે છે.

લીંબડીમાં ભાજપની ચિંતા વધી છતાં વિજયનો વિશ્વાસ
લીંબડી વોર્ડ નં-5ની 1 બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં 4,696માંથી 1,951 મતદારે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લીંબડી પાલિકાની ગત ચૂંટણીમાં વોર્ડ નં-5માં 55.85 ટકા મતદાન થયું હતું. પરંતુ પેટા ચૂંટણીમાં 41.61 ટકા જ મતદાન થયું હતું. ગત ચૂંટણી કરતા પેટા ચૂંટણીમાં 14.24 ટકા ઓછું મતદાન થયું હતું. લીંબડી વોર્ડ નં-5ની બેઠકમાં 2366 પુરુષ, 2323 સ્ત્રી અને 7 પોસ્ટના થઈ કુલ 4,696 મતદાર છે.

જેમાંથી 1104 પુરુષ, 847 સ્ત્રીએ મતાધિકારનો ઉપયોગ કર્યો. 46.66 ટકા પુરુષ અને 36.46 ટકા સ્ત્રી મતદાન કર્યું હતું. સવારથી જ મતદારોમાં મતદાન પ્રત્યે નિરસતા જોવા મળી હતી. ઓછું મતદાન થતા ભાજપની લલાટમાં ચિંતાની રેખા દેખાતી જોવા મળી હતી. જોકે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...