• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • The Brother's Longing To Be Dispersed In The Desert Particles Is Fulfilled, The Sister Came From America To The Small Desert Of Kutch To Dissect His Brother's Bones.

રણમાં કરાયું અસ્થિ વિસર્જન:રણના કણ-કણમાં વિખેરાઈ જવાની ભાઈની ઝંખના થઈ પૂર્ણ, ભાઇના અસ્થિ વિસર્જન માટે બહેન અમેરિકાથી કચ્છના નાના રણમાં આવી

સુરેન્દ્રનગર10 દિવસ પહેલાલેખક: મનીષ પારીક
  • કૉપી લિંક
ભાઇના અસ્થિ વિસર્જન માટે બહેન અમેરિકાથી કચ્છના નાના રણમાં આવી - Divya Bhaskar
ભાઇના અસ્થિ વિસર્જન માટે બહેન અમેરિકાથી કચ્છના નાના રણમાં આવી
  • ભાઇના ખાસ મિત્રોની હાજરીમાં રણમાં કર્યું અસ્થિનું વિસર્જન
  • ભાઈના રણ માટેના આકર્ષણ અને પ્રેમથી પ્રેરાઇને બહેને સાત સમંદર પાર કર્યા
  • મૃતક ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર અને બાઈકર હતા, તેમની રાઇડીંગ સોલો નામની ડોક્યુમેન્ટરીને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે

ભાઈ-બહેનનો સંબંધ અને તેના લાગણીના તાંતણાઓ કેટલા મજબૂત હોય છે તેનું ઉદાહરણ 46 વર્ષના ભાઇનું મૃત્યુ થયા પછી તેનું અસ્થિ વિસર્જન કરવા છેક અમેરિકાથી આવેલી લાડકી બહેને પુરૂ પાડ્યું હતું. ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર મૃતક ભાઇ ગૌરવ જાનીને બાઇક રાઇડીંગનો ખુબ શોખ હતો. તેમની રાઇડીંગ સોલો નામની ડોક્યુમેન્ટરી ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. તેઓ બાઇક પર વિવિધ સ્થળોએ ફરવા નીકળી પડતા હતા. એમાં પણ અગરિયા સમુદાય જ્યાં મીઠાની ખેતી કરે છે તે કચ્છનું નાનું રણ ગૌરવને અનહદ પ્રિય હતું. રણની રેતી સાથે મમતા બંધાઇ ગઇ હોવાથી અમદાવાદથી વારંવાર તે બાઇક પર અહીં આવતા હતા.

ગૌરવે સૌ પ્રથમવાર 1999ના વર્ષમાં રણની મુલાકાત લીધી હતી. રણના એકાંત અને રણના સૌંદર્યનું તેઓ પરિવારના સભ્યોને પણ વર્ણન કરતા હતા. અમેરિકા ખાતે રહેતી બહેન કૃપા અને ગૌરવ ટ્વીન ભાઇ-બહેન હતા. કૃપા રણમાં કણ-કણ બનીને વિખેરાઇ જવાની ભાઇની ઝંખના વિશે જાણતી હતી. રણ પ્રત્યે ભાઇનો લગાવ અને તેમની ચાહનાને લીધે બહેને રણમાં આવીને પરિવારજનો અને સ્વર્ગીય ભાઇના ખાસ મિત્રોની હાજરીમાં રણમાં અસ્થિનું વિસર્જન કર્યું હતું. રણ માટેના ભાઈના આકર્ષણ અને પ્રેમથી પ્રેરાઇને જ બહેન સાત સમંદર પાર કરીને અહિ આવી હતી. આ પ્રસંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે રણ માટેનો ગૌરવનો પ્રેમ જ અહીં સુધી અમને ખેંચી લાવ્યો છે અને તેની રણના કણ-કણમાં સમાઇ જવાની ઇચ્છાને અને પૂર્ણ કરવા પ્રેરાયા છીએ.

આ અંગે રણના જાણીતા ફોટોગ્રાફર અંબુ પટેલે જણાવ્યું હતું કે, ગૌરવ જાની નામના એક ફિલ્મ મેકરનું તાજેતરમાં અમેરિકા ખાતે અવસાન થયું હતુ. ગૌરવ જાની પ્રથમ વાર કચ્છના નાના રણમાં 1999માં આવ્યા ત્યારે તેમને આ રણ ગમી ગયું હતું. ગૌરવ જાની પોતે બાઈકર હતા અને બાઇક લઈને આખું ભારત ઘૂમતા હતા. પરંતુ તેમને આ રણ સાથે વિશેષ લગાવ થઇ ગયો હતો. અહીંયા ગૌરવ કલાકો સુધી રણ સામું જોઈ બેસી રહેતા. પરિવારજનોને પણ એ રણની ખૂબ વાત કરતા. જેથી એમનું અવસાન થતાં તેમની બહેન કૃપા જાની અને તેમના ભાઈ સહિત પરિવારજનો અને ગૌરવનું મિત્ર વર્તુળ કચ્છના નાના રણમાં આવી પહોંચ્યું હતું. સ્વર્ગીય ગૌરવને ગમતા રણમાં તેમના અસ્થિ પધરાવતાં ગૌરવ પોતાના ગમતા રણમાં કણ કણ બનીને પથરાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...