સુવિધા કરવા જતા સર્જાઈ સમસ્યા:વઢવાણના વડોદ ડેમના બે દરવાજા ખોલાતા સૌકા-લીંબડી વચ્ચેનો પુલ ધોવાયો, ત્રણ ગામના દસ હજાર લોકો થયા સંપર્ક વિહોણા

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
વડોદ ડેમમાંથી પાણી છોડાતા સૌકા-લીંબડી વચ્ચેનો પુલ ધોવાયો
  • 13 ગામોનો ચેકડેમો ભરવા અને ડેમની મરામત માટે પાણી છોડાયું હતું

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વડોદ ગામ પાસે આવેલા ડેમમાંથી આજે હેઠવાસમાં આવેલા ગામના ચેકડેમ ભરવા માટે પાણી છોડાયું હતું. જો કે, સુવિધા માટે છોડાયેલા પાણીના કારણે સમસ્યા સર્જાઈ છે.નદીમાં છોડાયેલા પાણીના કારણે સૌકા-લીંબડી પાસેનો પુલ ધોવાઈ જતા લીંબડીના સૌકા, લીયાદ અને લાલીયાદ ગામના દસ હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા છે.

વઢવાણ તાલુકાના વડોદ ગામે આવેલા ડેમના બે દરવાજા એક ફૂટ ખોલી 960 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય ડેમ વિભાગના અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો અને ડેમનું પાણી લીંબડી ભોગાવા-2 નદીમાં છોડવામાં આવ્યું હતુ. 13 ગામોનો ચેકડેમો ભરવા માટે અને ડેમની મરામત કરવા પાણી છોડવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ વઢવાણના વડોદ ડેમના બે દરવાજા ખોલી લીંબડીના ભોગાવા નદીમાં 960 ક્યુસેક પાણી છોડાતા સૌકા-લીંબડી વચ્ચેનો પુલ તૂટ્યો હતો અને લીંબડીના સૌકા, લીયાદ અને લાલીયાદ ગામના અંદાજે 10 હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા છે.

પાણી છોડાતાં વડોદ ડેમની નીચાણવાળા વિસ્તારમાં આવતા બલદાણા, ઉઘલ, લીયાદ, સૌકા, બોડીયા, લીંબડી, ઉંટડી, ચોકી, જાખણ, ચોરણીયા, ખંભલાવ, પાણશીણા, દેવપરા અને કાનપરા સુધીના ગામોના લોકોને નદીમાં અવરજવર નહીં કરવા માટે તાકેદ કરી દેવામાં આવ્યા હતા. આ અંગે વડોદ ડેમના ડે.ઈજનેર આકાશ પટેલે જણાવ્યું હતું કે, વડોદ ડેમની સિંચાઈ યોજનામાંથી નીચાણ વાળા ચેકડેમો ભરવા માટે પાણી છોડવાનું આયોજન છે. સાથોસાથ ડેમનું મરામત પણ કરવાનું હોવાથી ડેમ ખાલી કરવો જરૂરી બની ગયો છે.

ઉનાળું સીઝન લેવાઈ ગઈ છે. ચોમાસા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સિંચાઈ માટે પાણી છોડવાની વાત કોઈના ગળે ઉતરે તેમ નથી. કારણ કે, વડોદ ડેમનું પાણી છોડવામાં આવશે તો સૌકા-લીંબડીને જોડતો એકમાત્ર માટીનો કાચો પુલ તૂટી જવાની પુરેપુરી શક્યતા હતી. સૌકા-લીંબડી વચ્ચેનો પુલ તૂટશે તો સૌકા, લીયાદ અને લાલીયાદ ગામના 10 હજારથી વધુ લોકો સંપર્ક વિહોણા બની જશે તેવો ભય પણ સતાવી રહ્યો હતો.

આ અંગે વડોદ ડેમના આસિસ્ટન્ટ ઇજનેર સ્નેહલ પટેલે જણાવ્યું હતુ કે, અમે સૌકાના સરપંચના સતત સંપર્કમાં રહીશું અને કાચા પુલને કોઇ ક્ષતિ ન પહોંચે એ રીતે પાણી છોડવાનો પ્રયાસ કરીશું. પરંતુ વઢવાણના વડોદ ડેમના બે દરવાજા ખોલી લીંબડીના ભોગાવા નદીમાં 960 ક્યુસેક પાણી છોડાતા સૌકા-લીંબડી વચ્ચેનો પુલ તૂટ્યો હતો અને લીંબડીના સૌકા, લીયાદ અને લાલીયાદ ગામના અંદાજે 10 હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા હતા. જ્યારે બીજી બાજુ તંત્ર માટે "આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવા" જેવો ગોઝારો ઘાટ સર્જાતા તંત્ર માટે 'ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા મારવા' જેવી કફોડી હાલત બનવા પામી છે.

મામલતદાર અને R&Bને પુલ તૂટવાનું કારણ જાણવા તપાસ સોંપી છે
સૌકા-લીંબડીનો કોઝવે તૂટવાથી લોકોને જે તકલીફ પડી છે તે કલ્પી શકું છું. પુલ તૂટવાનું કારણ જાણવા મામલતદાર અને R&Bને તપાસ સોંપી છે. તપાસ બાદ ખ્યાલ આવશે કે વધુ પાણી છોડતા કોઝવે તૂટ્યો છે કે અન્ય કારણસર જે કારણ સામે આવશે તેનો રિપોર્ટ કલેક્ટરને મોકલી આપીશ. > હર્ષવર્ધનસિંહ સોલંકી. ડે.કલેક્ટર. લીંબડી

ધીરેધીરે પાણી છોડાયું હોત તો કોઝવે બચી જાત
વડોદ ડેમના અધિકારી દ્વારા પાણી છોડવામાં ઉતાવળ કરાઈ હોય તેવું તો લાગી રહ્યું છે. જો 8 દિવસ પહેલા ધીરે ધીરે પાણી છોડાયું હોત તો નદીમાં પાણી જમતુ-જમતુ આવેત કુવાના તળ પણ ઉંચા આવી જાત અને સૌકા-લીંબડી વચ્ચેનો કોઝવે બચી જાત. > આર.એમ.ચૌહાણ નાયબ મામલતદાર. લીંબડી

શિયાળુ પાક માટે અમે તો 3 માસ પહેલા પાણી માંગ્યું હતું
શિયાળુ પાક લીધા પછી ઉઘલ, બોડીયા સહિતના ચેકડેમો ભરવા માટે 3 મહિના પહેલા પાણી માંગ્યું હતું. તે સમયે વડોદ ડેમના અધિકારીઓએ પાણી નો આપ્યું. ત્યારે જો અડધો ફુટ દરવાજા ખોલી પાણી ચાલુ રાખ્યું હોત તો કદાચ સૌકા, લીયાદ અને લાલીયાદના લોકોને હાલાકીનો ભોગવવી પડેત. ચોમાસું નજીક જ છે પણ ડેમ ભર્યો હશે તો કામ લાગશે.
> કિરીટસિંહ ઝાલા. લીંબડી તા.પંચાયત સભ્ય.

એકપણ અધિકારીએ મને ફોન કર્યો નથી
વડોદ ડેમના અધિકારીએ પાણી છોડતી વખતે મારાં સંપર્કમાં રહેવાની વાત સાવ ખોટી છે. એકપણ અધિકારી કે કર્મીએ મને ફોન કર્યો નથી. રેવન્યુ તલાટીનો ફોન આવ્યો હતો. ધાર્યા બહાર પાણી છોડી દીધું એટલે પુલ તૂટ્યો. > દયાબેન પી. રાઠોડ સરપંચ. સૌકા

અન્ય સમાચારો પણ છે...