શંકાસ્પદ મોત:પાટડીના વડગામ ત્રણ રસ્તા પાસેથી આદરીયાણાની મહિલાની લાશ મળી આવી, પોલીસે તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા વાહન અડફેટે મોત નિપજ્યાના અનુમાન

પાટડી તાલુકાના વડગામ ત્રણ રસ્તા પાસેથી આદરીયાણાની મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાસ્થળે દોડી ગયેલી દસાડા પોલીસે આ મૃત મહિલાનું પાટડી સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતુ. ત્યારે રાત્રીના સમયે કોઇ અજાણ્યા વાહનની અડફેટે આ મહિલાની મોત નિપજ્યું હોવાના અનુમાનના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પાટડી તાલુકાના દસાડા આદરીયાણા ગામ વચ્ચે વડગામ ત્રણ રસ્તા પાસેથી એક આધેડ મહિલાની લાશ રોડ નીચેથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે હાઇવે પર મહિલાની લાશ પડી હોવાની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યારે આ ઘટના અંગે દસાડા પોલીસને જાણ કરવામાં આવતા દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર, મનીષભાઇ અઘારા અને નિલેશભાઇ રથવી સહિતનો સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ત્યારે આ મૃત મહિલા પાટડી તાલુકાના આદરીયાણા ગામની 51 વર્ષની એકલવાયું જીવન જીવતી લીલીબેન ભીખાભાઇ બજાણીયા હોવાનું ખુલવા પામ્યું હતુ. અને પોસ્ટ મોર્ટમ કરનારા દસાડાના ડોક્ટરના જણાવ્યાનુસાર આ મહિલાનું મોત 24 કલાકની અંદર થયું હોવાનું જણાવ્યું હતુ. આથી દસાડા પોલીસે રાત્રીના સમયે કોઇ અજાણ્યા વાહનની અડફેટે આ મહિલાની મોત નિપજ્યું હોવાના અનુમાનના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...