નવલકથાકારની યાદમાં પુસ્તકાલય:75થી વધુ પુસ્તકોનું માતબર સર્જન કરનારા સ્વ. દેવશંકર મહેતાના નામથી લીંબડીમાં પુસ્તકાલય બનાવાયું

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડો. જગદીશ ત્રિવેદી તરફથી એક લાખ રુપિયાના પુસ્તકો અને ફર્નિચરની ભેટ આપવામાં આવી
  • દેવશંકર મહેતાની ત્રણેય દીકરીઓના વરદ હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર જિલ્લાનાં ગુજરવદી ગામના રહીશ સ્વ. દેવશંકર મહેતા તળપદી ભાષાનાં સુવિખ્યાત નવલકથાકાર હતા. ત્યારે આજરોજ લીંબડી ખાતે આવેલા પરશુરામ ધામમાં નવલકથાકાર દેવશંકર મહેતાના નામથી એક પુસ્તકાલયનું ભવ્ય ઉદ્ધઘાટન થયું હતું.

આ ગ્રંથાલયનું ઉદ્ધઘાટન દેવશંકર મહેતાની ત્રણેય દીકરીઓ સરોજબેન, નીલાબહેન અને ઉર્મિલાબેનના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

દેવશંકર મહેતાના દોહીત્ર અને જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી તરફથી આ ગ્રંથાલયમાં એક લાખ રુપિયાના પુસ્તકો અને ફર્નિચરની ભેટ આપવામાં આવી હતી.

કથાકાર મોરારિબાપુ અવારનવાર પોતાની કથામાં દેવશંકર મહેતાને યાદ કરતા કહે છે કે, દેવશંકર મહેતાની કલમ એટલે ચલમ, બલમ અને મલમનો ત્રિવેણીસંગમ. આ અગાઉ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દેવશંકર મહેતાની નવલિકાઓનું સંપાદન પણ પ્રગટ કરવામાં આવ્યું હતું. આજથી 38 વર્ષ પહેલા અવસાન પામેલા આ લોકલેખક આજે પણ વાચકોના હદયમાં જીવે છે એનો બોલતો પુરાવો આ એમના નામે ઉદ્ધઘાટીત થયેલું ગ્રંથાલય છે. દેવશંકર મહેતાએ ગુજરવદી જેવા ગામડામાં રહીને 27 સામાજીક નવલકથાઓ, 25 ઐતિહાસીક નવલકથાઓ અને 11 દરિયાઈ નવલકથાઓ ઉપરાંત દસ જેટલાં નવલિકાસંગ્રહો મળીને 75 થી વધું પુસ્તકોનું માતબર સર્જન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...