સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર કે.રાજેશ સામે સીબીઆઇએ દાખલ કરેલી ફરિયાદને લઇને જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. બુધવારે વહેલી સવારે સીબીઆઇના 5 અધિકારીએ શહેરમાં ધામા નાખ્યા હોવાની વિગતો મળી રહી છે. અધિકારીઓ ખાનગી રાહે કાગળોની તપાસ કરીને પુરાવા ભેગા કરી રહ્યા છે. કે.રાજેશે 39 સરકારી બાબુને માત્ર અરજીને આધારે જ હથિયારનો પરવાનો આપ્યાની ચોંકાવનારી પણ રજૂઆત થઇ છે.
હથિયાર, જમીન સહિતના કૌભાંડોની જે ફરિયાદો થઇ છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં જ થઇ હોય સીબીઆઇની ટીમ છેલ્લા 2 માસમાં કુલ 6 વખત સુરેન્દ્રનગર આવીને તપાસ કરી ગઇ છે. બુધવારની વહેલી સવારે 5 અધિકારીની ટીમ સુરેન્દ્રનગર આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે 2 અધિકારી આવે છે અને 2 અધિકારી બહાર તપાસ માટે જાય છે.
કે.રાજેશ પણ તેમની સાથે જ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સીબીઆઇની ટીમે હાલ તો કોઇ આધારભૂત વિગતો જાહેર કરી નથી. એવી ચોંકાવનારી વિગતો જાણવા મળી રહી છે કે, કે.રાજેશે અધિક કલેક્ટરથી લઇને ક્લાર્ક સુધીના સરકારીકર્મીઓને માત્ર અરજીના આધારે હથિયારના લાઈસન્સ આપી દીધા હતા. જેમાં મહિલા અધિકારીઓને પણ પરવાના આપી દીધા છે. ભાજપના આગેવાનોને પણ હથિયારના પરવાના બાબતની તપાસની માગ કરવામાં આવી છે.
કે.રાજેશે કાર્યકાળ દરમિયાન 14 બિનખેડૂતને ખેડૂત કર્યા
કે.રાજેશે મૂળીની 1 મહિલા, થાન વરમાધારના 3 શખસ, થાનના 2 શખસ, પાટડી કમાલપુરના શખસ, ધ્રાંગધ્રાનો 1 શખસ એમ અન્ય ગણીને 14 લોકો જે ખેડૂત ન હતા છતાં બિનખેડૂતને સત્તાનો દુરુપયોગ કરી ખેડૂત કરી દીધાની ફરિયાદ થઇ છે. જેની સીબીઆઇ તપાસમાં કૌભાંડ બહાર આવે તેમ છે.
3 સરકારી જમીનનું દબાણ પણ નિયમિત કરી આપ્યું
કાર્યકાળ દરમિયાન કે.રાજેશે 3 સરકારી જમીન પર કરાયેલા દબાણોને પોતાની સત્તાના દુરુપયોગ કરી નિયમિત કરી દીધા હોવાની પણ પૂર્વ સાંસદ સોમાભાઇએ કરેલી ફરિયાદમાં જણાવાયું છે. ખાસ કરીને 3 કેસની તપાસની માગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.