થાનગઢના સરકારી દવાખાના સામે રહેતા નીતાબેન ભરતભાઇ ઝીંઝુવાડિયા તા.4-3-2018ના રોજ રાત્રી દરમિયાન ખાખરાથળ વાડી વિસ્તાર રામાપીરના મંદિર પાસે રહેતા સગર્ભા લાખુબેન હકુભાઇ રંગપરાને ડિલિવરી કરાવી હતી.તે દરમિયાન સગર્ભાને ઇન્જેક્શનો અને બાટલા ચઢાવ્યા હતા તે દરમિયાન લાખુબેનનું મોત થયું હતું. બેદરકારી છૂપાવવા નીતાબેને ડિલિવરી દરમિયાન આપેલી દવા, ઇન્જેક્શનો ચડાવેલા બાટલા પુરાવાનો નાશ કર્યો હતો. આ બનાવની ફરિયાદ થતા નીતાબેનની ધરપકડ કરી હતી.
જેનો કેસ સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં વકીલ પી.જી.રાવલે દલીલ કરી કે આરોગ્ય અધિકારીએ ફરિયાદ કરી હતી જેના પુરાવામાં જણાવ્યું છે કે લાખુબેનને સુવાવડ 5-3-18ના રોજ ઘરે થઇ હતી. તે કરનાર નીતાબેન હતા સગર્ભાને સુવાવડ બાદ વધુ બ્લિડિંગ થતા મૃત્યુ થયું હતું. જિલ્લા આરોગ્ય અધિકારીની મૃતકના સાસુ રાજુબેનની પૂછપરછમાં સુવાવડ માટે થાનથી નીતાબેનને બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે સગર્ભાને બાટલા અને ઇન્જેક્શન આપ્યા હતા સવારે મૃત બાળક જન્મ્યું હતું. રક્તસ્ત્રાવ થતા નીતાબેને ઇન્જેક્શન આપી પરત જતા રહ્યા હતા.
લાખુબેનની તબિયત બગડતા રાજકોટ રિફર કરાયા પરંતુ તેમનું મૃત્યુ થયું. આ સારવાર કરનાર નીતાબેન પાસે કોઇ તબીબી ડિગ્રી ન હોવા છતા સુવાવડ કરી અતે તેમની બેદરકારીથી સર્ગભાનું મૃત્યુ થયું હતું. પુરાવામાં પણ નીતાબેન ડીલિવરી માટે આવ્યાનું સ્પષ્ટ જણાવે છે.
બંન્ને પક્ષોની દલીલ 19 લોકોના મૌખીક પુરાવા, 8 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ સત્ર ન્યાયાધિશ કુ.એસ.વી. પિન્ટોએ નીતાબેનને તકસીરવાર ઠરાવી 3 વર્ષની સાદી કેદની સજા, 10 હજારનો દંડ કર્યો હતો. જો તે ન ભરે તો દંડના બદલામાં વધુ 3 માસની સાદી કેદનો હુકમ કરાયો હતો. કલમ 201 મુજબ 1 વર્ષની સાદી કેદની સજા તથા રૂ.3 હજાર દંડ કરાયો હતો.જો તે ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા ફટકરી. મેડિકલ પ્રેક્ટીશનર એક્ટ મુજબ રૂ.500 દંડ કરાયો હતો. આરોપીએ જેટલો સમય કસ્ટડીમાં ગાળ્યો તેને સજામાંથી મજરે આપવા હુકમ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.