સુરેન્દ્રનગર શહેરમાં ટી-સિરિઝના કોપીરાઇટ અંગેના દરોડા પોલીસને સાથે રાખીને પડાતા દુકાનદારોમાં દોડધામ મચી હતી. જોકે, આ બનાવમાં એક નામ વગરની દુકાનનમાં ફિલ્મોના ઓડિયો ગીતો, લગ્ન પ્રસંગના વીડિયો, પ્રિવેડિંગ શૂટિંગના વીડિયો ડેટામાં ગેરકાયદે રીતે મિક્સિંગ કરેલું હોવાનું બહાર આવ્યું હતું. આથી રૂ. 10,000નો મુદ્દામાલ જપ્ત કરી એક સામે ફરિયાદ નોંધાઇ હતી.
વઢવાણ શહેરના 80 ફૂટ રોડ, ભક્તિનંદન સર્કલ પાસે, સિધ્ધનાથ કોમ્પ્લેકસના પ્રથમ માળે આવેલી નામ વગરની દુકાનમાં ટી-સિરિઝ કંપનીમાં એન્ટી પાયરસી એક્ઝિક્યુટિવ જયવીરસિંહ વીરમભાઇ સોલંકીએ અગાઉ ખાનગી રાહે બાતમી મેળવી હતી. ત્યારબાદ આ બાબતે બી-ડિવિઝન પોલીસ સ્ટાફને સાથે રાખી રેડ કરવામાં આવી હતી. જેમાં દુકાનમાં તપાસ કરાતા 1 નંગ કમ્પ્યૂટરમાં ટી-સિરિઝ કંપનીના હક્કોવાળી ફિલ્મોના ઓડિયો ગીતો જુદાજુદા લગ્ન પ્રસંગના વીડિયો, પ્રિવેડિંગ શૂટિંગના વીડિયો ડેટામાં ગેરકાયદે રીતે મિક્સિંગ કરેલા હોવાનું મળી આવ્યું હતું.
આ બનાવમાં રૂ. 10,000ની કિંમતની એસેમ્બલ કમ્પ્યૂટર સીપીયુ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. અને નામ વગરની દુકાનના ગેરહાજર વોન્ટેડ માલિક સુરેન્દ્રનગરના નરેશભાઈ પટેલ સામે બી-ડિવિઝન પોલીસ મથકે કોપીરાઇટ હક્કોના ભંગની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે દુકાનમાં રહેલા શખસની પૂછપરછ કરતા શિયાણીપોળ બહાર, સતવારા પરા, આથમણી શેરી નં. 5માં રહેતા ખાંદલા પ્રવીણભાઈ રમણીકભાઈ હોવાનું જણાવ્યું હતું. આ બનાવમાં નરેશભાઈ પટેલ સામે ગુનો નોંધાતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ એ.ટાંક ચલાવી રહ્યાં છે. બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં કોપીરાઇટ અંગેના દરોડાથી દુકાનદારોમાં દોડધામ મચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.